
અમદાવાદ ક્રિમીનલ કોર્ટ્સ બાર એસોસિએશનને સમન્સ અને વોરન્ટની બજાવણીને લઈને પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉઠાવ્યા છે. આ મામલે અમદાવાદ ક્રિમીનલ કોર્ટ્સ બાર એસોસિએશનના પ્રમુખ ઇશ્વર દેસાઇ અને ભરત શાહે 7 સપ્ટેમ્બરે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટને પત્ર લખ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું છે કે, ‘મોટાભાગના સમન્સ અને વોરન્ટની બજવણી ન થતા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ) ની કોર્ટમાં કેસનો ભરાવો થયો છે. જેના કારણે ચેક રિટર્નના કેસ ટ્રાન્સફર કરાયા હતા.
પત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ખાનગી કેસોમાં પણ સમન્સ અને વોરન્ટની બજવણી ન થવાથી 2-3 મહિનાની મુદ્દતો અપાય છે. જેના કારણે પક્ષકારોને ન્યાય મેળવવામાં વિલં થાય છે. જે સમન્સ કે વોરન્ટની બજવણી નથી થતી તે અરજી મુદ્દત આપવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર કોર્ટમાં પાછા મોકલતા પણ નથી. જે કોર્ટના હુકમના તિરસ્કાર સમાન છે પરંતુ કોઇ કોર્ટ આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટરને નોટિસ નથી આપતી.’ પત્રમાં એવો આરોપ પણ લગાવાયો છે કે સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના અપીલ, રિવિઝન અને ક્રિમિનલ ટ્રાયલમાં સમન્સ અને વોરન્ટની બજવણી અચૂક થાય છે.

દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, આ મામલે ભરત શાહે જણાવ્યું કે, ‘મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટસમાં ક્રિમિનલ અને ચેક રિટર્નના કુલ 7-8 લાખથી વધુ કેસો હશે. વોરન્ટની બજવણી થતી નથી, જેથી કેસનો ભરાવો થાય છે તેવું અમારૂં એસોસિએશન માને છે. સમન્સ અને વોરન્ટ મોકલ્યા હોય તે બજીને ન આવે અથવા તો બીજી તારીખ માટે પણ પોલીસ ઇન્સ્પેક્ટર તેને પાછા મોકલતા નથી. જેથી 3-4 મહિનાની તારીખ પડે છે. એેટલે કોર્ટ તરફથી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી થાય તો જલ્દી બજવણી થાય. કોર્ટ પોલીસ ઇન્સ્પેક્ટરને નોટિસ ફટકારી બજવણી માટે તેનો જવાબ માંગે.’
‘દરેક કોર્ટમાં, દરેક પોલીસ સ્ટેશનમાં કોર્ટ ડ્યૂટી કોન્સ્ટેબલ પહેલેથી છે. તેમાં કોઇ નોડલ ઓફિસરે અહીંયા કોઇ એવું કામ નથી કર્યું કે કેસોનો ભરાવો અટકે પરંતુ આ બધી જવાબદારી જે તે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરની છે. કોર્ટમાંથી સમન્સ, વોરન્ટ આપવામાં આવે અને તેનું રજિસ્ટર રાખવામાં આવે. મુદ્દતના દિવસે આ સમન્સ અને વોરન્ટ બજીને પાછા ન આવે તો આવા સંજોગોમાં કોર્ટ પાસે સત્તા રહેલી જ છે કે કોર્ટના હુકમનો અનાદર કર્યો તે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને અનાદરની નોટિસ કાઢી શકે. અગાઉ ઘણીવાર ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સાથે ચર્ચા થયેલી છે પણ આ મુદ્દાનો કોઇ ઉકેલ આવતો નથી.’

તેમણે એમ પણ કહ્યું કે, લોક અદાલત આવે ત્યારે દરેક સમન્સ કે વોરન્ટ બજી જાય છે કારણ કે તેમાં કેસનો નિકાલ કરવાનો હોય છે. જ્યારે પક્ષકારોને ન્યાયની વાત આવે ત્યારે સમન્સ કે વોરન્ટ બજવણીના કેસો માત્ર કોલ આઉટ કરીને મૂકી દેવાય છે. અમે તો કોર્ટને એ જ વિનંતી કરીએ છીએ કે તમે તમારી સત્તાનો ઉપયોગ કરો. વકીલો અરજી આપે તે અલગ વાત છે. પોલીસ કેસમાં તો સુઓમોટો કોર્ટ કન્ટેમ્પ્ટની નોટિસ ઇશ્યૂ કરી શકાય છે.
તેમણે વધુમાં કહ્યું કે, અમે જે લેટર લખ્યો છે તેમાં ખૂબ સ્પષ્ટપણે લખેલું છે કે સિટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં પણ સમન્સ કે વોરન્ટ બજવણીની આ જ રીત છે, કાયદાની આ જ જોગવાઇ છે પરંતુ ત્યાં વોરન્ટ હોય કે સાક્ષી સમન્સ હોય, મુદ્દત ઉપર બજીને આવે છે. પ્રક્રિયા તો એક જ છે. પ્રાઇવેટ ચેક રિટર્નના કેસો અહીં આવ્યા છે. 3 મહિનાની મુદ્દત પડે છે. હવે જોવાનું એ રહેશે કે વકીલોની આ રજૂઆત બાદ પોલીસ સામે સુઓમોટો કાર્યવાહી થાય છે કે પછી વકીલો હડતાળનું શસ્ત્ર ઉગામશે.