
‘હનુમાન અંશ’ આ વર્ષની સૌથી સફળ અને ચર્ચિત ફિલ્મોમાંથી એક બની ગઈ છે. ₹2 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ₹400 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને હજુ પણ તેનો જલવો યથાવત છે. આ ફિલ્મે ન માત્ર તેના કલાકારો, દિગ્દર્શક અને નિર્માતાને જ ખ્યાતિ અપાવી છે, પરંતુ ગાયક પણ ચર્ચામાં છે. ખાસ કરીને, ‘મેંને તેરે હી ભરોસે હનુમાન’ ગીત ગાનારા દૃષ્ટિહીન બુંદેલી ગાયક સુનિલ લોધી વિશેષ ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. તેમણે પોતાની અસલ ગ્રામીણ ગાયકી શૈલીથી દેશભરમાં ઓળખ બનાવી લીધી છે. જોકે સુનિલ લોધી જન્મથી જ દૃષ્ટિહીન છે, તેમ છતાં તેમના જીવનમાં આશાનું નવું કિરણ દેખાયું છે; ફિલ્મના નિર્માતા અનુપ્રિયા નાગર, તેની આંખની સારવારમાં મદદ કરવા માટે આગળ આવ્યા છે.

બુંદેલી લોક ગાયક સુનિલ લોધીએ ‘હનુમાન અંશ’માં તેમના અવાજ સાથે-સાથે પોતાની અંગત જીવનની કહાની દ્વારા લોકોનું ધ્યાન ખેંચ્યું છે. એક સમયે ટ્રેનોમાં ગાઈને ગુજરાન ચલાવતા સુનિલ લોધી હવે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. તેઓ જન્મથી જ દૃષ્ટિહીન છે અને અનુપ્રિયા નાગરે તેમની સારવારની જવાબદારી લીધી છે. અનુપ્રિયાએ મુંબઈમાં નેત્રરોગ નિષ્ણાત (ઓપ્થેલ્મોલોજિસ્ટ) પાસે એપોઇન્ટમેન્ટ પણ લઈ લીધી છે. સુનિલ લોધી મુંબઈ પહોંચશે ત્યારે ડૉક્ટર તેમની આંખોની તપાસ કરશે જેથી સુધારાની શક્યતાઓ જાણી શકાય અને સારવારના સૌથી યોગ્ય વિકલ્પો નક્કી કરવામાં આવશે.
અનુપ્રિયા નાગર પહેલાં, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પણ સુનિલ લોધીને તેમની તબીબી સારવાર માટે મદદની ખાતરી આપી હતી. સુનિલ લોધીએ તાજેતરમાં મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ સાથે મુલાકાત કરી હતી, જેમણે તેમની સારવારમાં સહાય પૂરી પાડવાનું વચન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે સુનિલ લોધી મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના વતની છે. જન્મથી જ દૃષ્ટિહીન હોવા છતા તેમણે ક્યારેય પોતાની નબળાઇ અને ગાયકીમાં અવરોધ બનવા દીધો નથી. તેમણે બુંદેલી લોક ગાયક તરીકે પોતાની ઓળખ બનાવી છે અને હવે તેઓ તેમના ગીત ‘હનુમાન અંશ’ માટે લાઇમલાઇટ મેળવી રહ્યા છે.

બીજી તરફ, વિદેશીઓમાં પણ ‘હનુમાન અંશ’નો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં એક વિદેશી નાગરિકનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે મૂળ સુનિલ લોધી દ્વારા ગાવામાં આવેલું ભજન ‘મેંને તેરે હી ભરોસે હનુમાન’ ગાતા જોવા મળ્યો હતો. અમેરિકન ભૂસ્તરશાસ્ત્રી, વૈદિક મેડિટેશન શિક્ષક અને કીર્તન લીડર એલેક સોડરબર્ગે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે આ લોકપ્રિય ભજન પોતાના અવાજમાં ગાતા જોવા મળ્યા હતા. તેમણે એકતારા બનાવ્યું અને તેની ધૂન પર આ ગીત ગાયું હતું, તેમજ આને ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરી હતી.