fbpx

રૂ.657 કરોડની પ્રેમ કહાની, પ્રેમીકાને દર મહિને 10 લાખ, કરોડોનું ઘર આપ્યું, ડાન્સરના પ્રેમમાં અધિકારીએ બેંક ડૂબાડી

Spread the love

રૂ.657 કરોડની પ્રેમ કહાની, પ્રેમીકાને દર મહિને 10 લાખ, કરોડોનું ઘર આપ્યું, ડાન્સરના પ્રેમમાં અધિકારીએ બેંક ડૂબાડી

હરિયાણા અને ચંદીગઢમાં થયેલા રૂ.657 કરોડના બેંક કૌભાંડ પાછળ એક ચોંકાવનારી કહાની સામે આવી છે. મુખ્ય આરોપી ઋભવ ઋષિ પરિણીત હોવા છતા એક ડાન્સરના પ્રેમમાં આંધળો બનીને તેણે સરકારી ખાતાઓમાંથી નાણાંની ઉચાપત કરી હતી. CBIની તપાસમાં બહાર આવ્યું છે કે તેણે કૌંભાંડના પૈસા પોતાની ગર્લફ્રેન્ડને હરવા-ફરવા લઇ જવા અને પોતાનો મોભો જાળવી રાખવા માટે ખર્ચ કર્યો હતો. તેનો આ મોંઘો પ્રેમ જ બેંકને ડૂબાડવાનું મુખ્ય કારણ બન્યો.

‘ધ ટ્રિબ્યૂન’ના અહેવાલ મુજબ, ઋભવ ઋષિ પહેલેથી જ પરિણીત હતો, પરંતુ માર્ચ-એપ્રિલ 2025માં મળેલી એક છોકરીના પ્રેમમાં તે એટલો પાગલ થઈ ગયો કે તેણે આ મોટા કૌભાંડને અંજામ આપી નાખ્યું. આ કેસમાં CBIની સાક્ષી બનેલી તેની ગર્લફ્રેન્ડે જણાવ્યું હતું કે તે ઋભવને સૌપ્રથમ ચંદીગઢમાં એક કાર્યક્રમ દરમિયાન મળી હતી. તે કાર્યક્રમમાં ડાન્સર તરીકે ગઇ હતી; જોકે તે સમયે તેમની વચ્ચે કોઈ વાતચીત થઈ નહોતી, પરંતુ તેણે નોટિસ કર્યું હતું. તે બિહારના સિવાનની રહેવાસી છે.

છોકરીએ જણાવ્યું હતું કે, મે 2025માં જયપુરના એક ફાર્મહાઉસમાં યોજાયેલી પાર્ટીમાં ફરી બંનેની મુલાકાત થઇ હતી, જ્યાં ઋભવે તેની સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ, 5 જુલાઈ 2025ના રોજ મુંબઈની સેન્ટ રેજિસ હોટેલમાં તેમની ત્રીજી મુલાકાત દરમિયાન ઋભવે તેને પોતાના પ્રેમનો એકરાર કર્યો હતો. તે સમયે તેણે પોતાને ઈવેન્ટ પ્લાનર અને IDFC ફર્સ્ટ બેંકમાં બ્રાન્ચ મેનેજર છે તેમ જણાવ્યું હતું. સાથે જ તે ચોખાની આયાત-નિકાસનો વ્યવસાય પણ ચલાવતો હોવાનો દાવો કર્યો હતો.

IDFC-bank-scam2

ઋભવે ગર્લફ્રેન્ડને ખાતરી આપી હતી કે તે તેની પત્ની દિવ્યા અરોડાને છૂટાછેડા આપીને તેની સાથે લગ્ન કરશે. તેણે તેનો ડાન્સ પણ છોડાવી દીધો અને તેને લઇને ફરવા લાગ્યો. તેણે જણાવ્યું હતું કે ડાન્સ છોડવાના બદલામાં તેણે ઓગસ્ટ 2025થી જાન્યુઆરી 2026 દરમિયાન તે મહિલાને દર મહિને રૂ.10 લાખ આપ્યા હતા; આમ તેની પાસે કુલ મળીને રૂ.56 લાખ આવ્યા હતા. ત્યારબાદ, 18 જુલાઈ 2025ના રોજ, ઋભવે દિલ્હીના દ્વારકામાં ગર્લફ્રેન્ડ માટે ઘર ખરીદવાની વાત કહી અને ટોકન પેટે રૂ.1 લાખ ચૂકવ્યા. ઘરની કુલ કિંમત અંદાજે રૂ.4 કરોડ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. આમાંથી ગર્લફ્રેન્ડે માત્ર રૂ.49 લાખ આપ્યા હતા, જ્યારે બાકીની રકમ ઋભવે ચૂકવી હતી. તેણે જણાવ્યું હતું કે તે 2 જાન્યુઆરી 2026થી તે ઘરમાં રહે છે.

CBIની તપાસમાં બહાર આવ્યું છે કે આ દરમિયાન બંનેએ ઘણી લક્ઝરી હોટલોમાં સમય વિતાવ્યો, જેમાં ચંદીગઢ અને દિલ્હીની જાણીતી ફાઈવ-સ્ટાર હોટલો તેમજ ગોવાની એક મોટી હોટલનો સમાવેશ થાય છે. ઓગસ્ટ 2025માં તેઓ મકાઉ અને થાઈલેન્ડ ગયા હતા. નવેમ્બર 2025માં તેઓ દુબઈની ‘બુર્જ અલ અરબ’ હોટલમાં રોકાયા હતા, જ્યાં ઋભવે તેને એક નવો વિલા બતાવ્યો હતો અને 5 થી 10 વર્ષમાં ત્યાં સ્થાયી થવાની વાત કરી હતી. જાન્યુઆરી 2026માં દુબઈ જઇને ટોયોટા લેન્ડ ક્રૂઝર બુક કરાવી.

IDFC-bank-scam1

આ દરમિયાન, ઋભવે વૈભવી જીવનશૈલીની મજા લીધી અને ઝિરકપુર સ્થિત ‘ઝેડ મેનર’ (જિલાકપુર)માં અનેક પાર્ટીઓનું આયોજન કર્યું હતું. આમાં હરિયાણા સરકારના અધિકારીઓ અને અન્ય આરોપી વ્યક્તિઓ હાજર રહેતા હતા. પાર્ટીઓમાં ડાન્સરો પર ચલણી નોટોનો વરસાદ કરવામાં આવતો હતો અને દરેક પાર્ટીમાં સરેરાશ ખર્ચ રૂ.15-20 લાખ થતો હતો.

CBIએ હવે રૂ.657 કરોડના આ કૌભાંડ પર શકંજો કસ્યો છે. આરોપી ઋભવની ગર્લફ્રેન્ડ હવે CBI માટે મુખ્ય સાક્ષી બની ગઈ છે. આટલું જ નહીં, આ કેસમાં IAS અધિકારી પંકજ અગ્રવાલ પણ આરોપી છે; તેમના વિભાગો પર રૂ.60.54 કરોડની ઉચાપતનો આરોપ છે. CBI હાલમાં તપાસ કરી રહી છે કે ઋભવે કેવી રીતે શેલ કંપનીઓ દ્વારા પોતાના અને પોતાની પત્નીના ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા અને કયા સરકારી ખાતાઓમાંથી અનેક છેતરપિંડીભર્યા વ્યવહારો કરવામાં આવ્યા હતા.

Leave a Reply

error: Content is protected !!