
વર્ષ 2025માં વિશ્વભરની શાળાઓમાં શૌચાલય અને સ્વચ્છતા (સેનિટેશન) સુવિધાઓથી વંચિત બાળકોમાં લગભગ પાંચમા ભાગના (20%) બાળકો એકલા ભારતમાં છે, જે વિશ્વના તમામ દેશોમાં સૌથી વધુ પ્રમાણ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અને UNICEFના સંયુક્ત મોનિટરિંગ પ્રોગ્રામ (JMP) ના તાજેતરના અહેવાલમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે.
‘પ્રોગ્રેસ ઓન ડ્રિંકિંગ વોટર, સેનિટેશન એન્ડ હાઇજીન ઇન સ્કૂલ્સ 2015-2025’ શીર્ષક હેઠળ જાહેર કરાયેલા આ અહેવાલ મુજબ, વિશ્વભરમાં શાળાઓમાં સ્વચ્છતા સુવિધા ન ધરાવતા કુલ 24.4 કરોડ બાળકોમાંથી 5 કરોડ બાળકો એકલા ભારતમાં છે.
આ યાદીમાં ભારત પછી બીજા ક્રમે નાઇજીરિયા આવે છે જ્યાં 3.4 કરોડ બાળકો શાળાઓમાં સેનિટેશન સુવિધાથી વંચિત છે. ત્યારબાદ ઇથોપિયામાં 2.6 કરોડ, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં 1.1 કરોડ અને ઇન્ડોનેશિયામાં 80 લાખ બાળકો આ સુવિધા વિના અભ્યાસ કરવા મજબૂર છે.

અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન ભારતમાં સ્વચ્છતા સુવિધા ન ધરાવતી શાળાઓની સંખ્યામાં 14 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેમ છતાં, શાળાઓમાં સેનિટેશન અને સ્વચ્છતા સુવિધાઓના વ્યાપમાં હજુ પણ મોટો તફાવત જોવા મળે છે.
સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) તરફની પ્રગતિ માપવા માટે આ અહેવાલમાં ‘મૂળભૂત સેનિટેશન સુવિધા’ તેને ગણવામાં આવી છે, જે શાળાઓમાં છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ તેમજ ઉપયોગ કરી શકાય તેવા સુધારેલા શૌચાલય ધરાવતી હોય. તેવી જ રીતે, ‘મૂળભૂત પીવાના પાણીની સુવિધા’ એટલે શાળામાં ચાલુ હાલતમાં પીવાનું પાણી ઉપલબ્ધ હોવું, અને ‘મૂળભૂત હાઇજીન સુવિધા’ એટલે હાથ ધોવા માટે સાબુ અને પાણીની સુવિધા ઉપલબ્ધ હોવી.
અહેવાલ મુજબ, ભારતમાં હાથ ધોવાની સુવિધા પણ ચિંતાનો વિષય છે, જ્યાં શાળાઓમાં આશરે 2 કરોડ બાળકો માટે હાઇજીન સુવિધા ઉપલબ્ધ નથી. જોકે, તાજેતરના પૂરતા ડેટાના અભાવે અહેવાલમાં ભારત અને મધ્ય-દક્ષિણ એશિયા ક્ષેત્ર માટે 2024 પછીના હાઇજીન કવરેજના અંદાજો રજૂ કરી શકાયા નથી.

બીજી તરફ, શાળાઓમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવાની બાબતમાં ભારતનો દેખાવ સરખામણીએ ઘણો સારો રહ્યો છે.
વર્ષ 2025માં ભારતમાં આશરે 1.2 કરોડ બાળકો શાળામાં પીવાના પાણીની સુવિધાથી વંચિત હતા, જે વિશ્વભરમાં આવી સુવિધા ન ધરાવતા બાળકોમાં દર 20માંથી આશરે 1 બાળકનું પ્રમાણ દર્શાવે છે. અહેવાલમાં જણાવાયું છે કે, ભારત એવા 28 દેશોમાં સામેલ છે (કુલ 62 દેશોમાંથી), જેઓ 2030 સુધીમાં શાળાઓમાં સાર્વત્રિક મૂળભૂત પીવાના પાણીનું લક્ષ્ય પ્રાપ્ત કરવાના યોગ્ય માર્ગે છે. સમીક્ષા કાળ દરમિયાન ભારતમાં મૂળભૂત પીવાના પાણીના કવરેજમાં વાર્ષિક 4 ટકાથી વધુનો વધારો થયો છે.

WHO અને UNICEF ના અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે SDG ના નિર્ધારિત સમયગાળાના હવે માત્ર પાંચ વર્ષ બાકી છે, ત્યારે વિશ્વ 2030 સુધીમાં શાળાઓમાં મૂળભૂત પીવાના પાણી, સેનિટેશન અને હાઇજીન સુવિધાઓનું સાર્વત્રિક લક્ષ્ય પૂર્ણ કરવાના માર્ગ પર નથી.અહેવાલ મુજબ, આ સાર્વત્રિક લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મૂળભૂત પીવાના પાણીના ક્ષેત્રે વર્તમાન પ્રગતિનો દર 4 ગણો, સેનિટેશનમાં 5 ગણો અને હાઇજીનની પ્રગતિમાં 4 ગણો વધારો કરવો પડશે.
હાલની ગતિના આધારે અંદાજ છે કે 2030 સુધીમાં વિશ્વની માત્ર 84 ટકા શાળાઓમાં મૂળભૂત પાણીની સુવિધા, 81 ટકા શાળાઓમાં મૂળભૂત સેનિટેશન સુવિધા અને માત્ર 79 ટકા શાળાઓમાં મૂળભૂત હાઇજીન સુવિધા હશે. અહેવાલ અનુસાર, 2030માં પણ વિશ્વની 10 ટકા શાળાઓમાં પાણીની, 7 ટકા શાળાઓમાં સેનિટેશનની અને 12 ટકા શાળાઓમાં હાઇજીનની કોઈ સુવિધા ઉપલબ્ધ નહીં હોય.
ઉલ્લેખનીય છે કે, WHO અને યુનિસેફનો આ જોઇન્ટ મોનિટરિંગ પ્રોગ્રામ પીવાના પાણી અને સેનિટેશન અંગે વૈશ્વિક સ્તરે સરખામણી કરી શકાય તેવા અંદાજો તૈયાર કરે છે અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) ના લક્ષ્યાંકોની પ્રગતિ પર નજર રાખે છે. 2030ના એજન્ડામાં પાણી, સેનિટેશન અને શિક્ષણના લક્ષ્યો સામેલ છે. જેમાં SDG 4 હેઠળ તમામ માટે સુરક્ષિત અને અસરકારક ભણતરનું વાતાવરણ પૂરું પાડવાનો આદેશ છે, જેમાં WASH સુવિધાઓનો સમાવેશ થાય છે; જ્યારે SDG 6 હેઠળ તમામ માટે પીવાના સલામત પાણી અને સ્વચ્છતાનું ટકાઉ વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય છે.