fbpx

ભારતની સર્વાઇકલ કેન્સરની વેક્સિન ‘CERVAVAC’ને મળી WHOની મંજૂરી, મહિલાઓને મળશે સુરક્ષા

Spread the love

ભારતની સર્વાઇકલ કેન્સરની વેક્સિન 'CERVAVAC'ને મળી WHOની મંજૂરી, મહિલાઓને મળશે સુરક્ષા

ભારતે આરોગ્ય ક્ષેત્રમાં વધુ એક મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ સર્વાઇકલ કેન્સરના બચાવ માટે ભારતની પ્રથમ સ્વદેશી વેક્સિન ‘CERVAVAC’ ને ‘પ્રી-ક્વોલિફિકેશન’ મંજૂરી આપી છે. આ મંજૂરીનો અર્થ છે કે ભારતીય વેક્સિન સુરક્ષા, અસરકારકતા અને ઉચ્ચ ગુણવત્તાના આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરે છે. પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) દ્વારા વિકસાવવામાં આવેલી આ વેક્સિન સર્વાઇકલ કેન્સરના મુખ્ય કારણો ગણાતા હ્યુમન પેપિલોમાવાયરસ (HPV)ના ચાર મુખ્ય સ્ટ્રેન્સ 16, 18, 6 અને 11 સામે રક્ષણ પૂરું પાડે છે.

CERVAVAC4

આરોગ્ય નિષ્ણાતોના મતે, સ્ટ્રેન 16 અને 18 સર્વાઇકલ કેન્સર માટે સૌથી વધુ જવાબદાર હોય છે, જ્યારે સ્ટ્રેન 6 અને 11 જનનાંગો પર થતા મસા (genital warts) માટે જવાબદાર છે. WHOના ડેટા અનુસાર 9 થી 14 વર્ષની વયની છોકરીઓને આ વેક્સિન આપવાથી કેન્સરનું જોખમ 90 ટકા સુધી ઘટી જાય છે.

WHOની પ્રી-ક્વોલિફિકેશન મંજૂરી મળવાથી, હવે સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ અને વૈશ્વિક આરોગ્ય કાર્યક્રમો માટે આ ભારતીય વેક્સિન મેળવવી ઘણી સરળ બની જશે. આનાથી ઓછી આવક ધરાવતા અને વિકાસશીલ દેશોમાં પણ ઓછા ભાવે વેક્સિન પહોંચાડી શકાશે. જોકે, દરેક દેશ પોતાની આરોગ્ય નીતિઓ અને બજેટના આધારે તેને પોતાના વેક્સિનેશન અભિયાનમાં સામેલ કરવાનો નિર્ણય લેશે.

CERVAVAC1

ભારતમાં, સ્તન કેન્સર પછી સર્વાઇકલ કેન્સર મહિલાઓમાં જોવા મળતું બીજા ક્રમનું સૌથી સામાન્ય કેન્સર છે. ચિંતાની વાત એ છે કે 20 થી 30 વર્ષની વયની યુવતીઓ પણ આની ઝપેટમાં આવી રહી છે અને શરૂઆતના તબક્કે તેના લક્ષણો ધ્યાનમાં આવતા નથી. ભારત સરકાર પહેલેથી જ તેના રાષ્ટ્રીય વેક્સિનેશન કાર્યક્રમમાં HPV વેક્સિનના સમાવેશ પર ભાર મૂકી રહી છે. એવામાં ‘CERVAVAC’ને મળેલી વૈશ્વિક માન્યતા મહિલાઓના સ્વાસ્થ્ય માટે એક ‘ગેમ-ચેન્જર’ સાબિત થશે.

Leave a Reply

error: Content is protected !!