પ્રાંતિજ પોલીસને મોટી સફળતા ૬ હજાર લીટર વોશ અને ૨૧૦ લીટર દેશી દારૂ સહિત રૂ.૧.૯૨ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
માવાની મુવાડી ગામે ખેતર અને નદીના કોતરોમાં ચાલતી દેશી દારૂની પ્રવૃત્તિનો પર્દાફાશ
ત્રણ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન પ્રાંતિજ પોલીસને મોટી સફળતા મળી છે પોલીસે માવાની મુવાડી ગામની સીમમાં દરોડો પાડી દેશી દારૂ ગાળવા માટેનો ૬,૦૦૦ લીટર વોશ તથા ૨૧૦ લીટર દેશી દારૂ મળી કુલ રૂ.૧,૯૨,૦૦૦નો પ્રોહિ મુદ્દામાલ ઝડપી પાડ્યો છે
મળતી માહિતી મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર વિભાગ, પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ (IPS), હિંમતનગર તથા હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી એ.કે. પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ પોલીસ દ્વારા પ્રોહિબિશન સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી આ કાર્યવાહી દરમિયાન પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પઢેરિયાના માર્ગદર્શન હેઠળ PSI એન.સી. ગોહિલ તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન પોલીસ કર્મચારીઓને ખાનગી બાતમી મળી હતી કે માવાની મુવાડી ગામના ગોપાલસિંહ નંદુસિંહ ઝાલા, કરણસિંહ રમણસિંહ ઝાલા અને વિશાલસિંહ શૈલેષસિંહ મકવાણા પોતાના કબજાના ખેતરમાં તેમજ નજીકના નદીના વાંધા-કોતરોમાં દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે બાતમીના આધારે પોલીસે જણાવેલ સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા ખેતર તથા નદીના કોતરો વિસ્તારમાં દેશી દારૂ ગાળવા માટે રાખવામાં આવેલા બાર પ્લાસ્ટિકના મોટા ટાંકા, જેમાં આશરે ૫૦૦ લીટર લેખે કુલ ૬,૦૦૦ લીટર વોશ મળી આવ્યો હતો જેની કિંમત આશરે રૂ.૧,૫૦,૦૦૦ હોવાનું જણાવાયું છે આ ઉપરાંત સ્થળ પરથી છ પ્લાસ્ટિકના કેરબામાં ભરેલો કુલ ૨૧૦ લીટર દેશી દારૂ, જેની કિંમત આશરે રૂ.૪૨,૦૦૦, મળી આવ્યો હતો આમ પોલીસે કુલ રૂ.૧,૯૨,૦૦૦નો પ્રોહિ મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(ઇ)(એફ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે ત્રણેય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે પ્રાંતિજ પોલીસની આ કાર્યવાહીમાં PSI એન.સી. ગોહિલ સહિત ASI જયેન્દ્રસિંહ જોરાવરસિંહ, ASI દીપકસિંહ જગતસિંહ તેમજ પોલીસ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ સામે પોલીસે કરેલી આ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રોહિ પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે







