
શુક્રવારે જાહેર કરાયેલા યુનેસ્કોના નવા અહેવાલ મુજબ, ગ્રામીણ ભારતમાં 11મું અને 12મું ધોરણ અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરનારા 100 છોકરાઓ દીઠ માત્ર 59 છોકરીઓ જ આ સ્તરનું શિક્ષણ પૂર્ણ કરે છે. અહેવાલમાં જણાવાયું છે કે શહેરોમાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચે સમાનતા તરફ પ્રગતિ હોવા છતાં, ગ્રામીણ વિસ્તારોમાં શાળા શિક્ષણ પૂરું કરવામાં મોટો તફાવત છે.
‘શિક્ષણની પહોંચમાં જાતિ સમાનતા’ શીર્ષક ધરાવતા આ અહેવાલમાં 31 ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં શિક્ષણમાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચેના તફાવતનો અભ્યાસ કરવામાં આવ્યો છે. ભારતમાં, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરવા માટે સમાયોજિત જાતિ સમાનતા સૂચકાંક એકંદરે 0.89, ગ્રામીણ વિસ્તારોમાં 0.59 અને શહેરી વિસ્તારોમાં 1.0 છે.

બધું મળીને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પૂરું કરવાનો દર 0.89 હોવાનો અર્થ એ છે કે, આ સ્તરનું શિક્ષણ પૂર્ણ કરનારા દર 100 છોકરાઓ દીઠ, આશરે 89 છોકરીઓ પણ આ સ્તરનું શિક્ષણ પૂરું કરે છે.
ગ્રામીણ વિસ્તારોમાં, આ આંકડો ઘટીને 100 છોકરાઓ દીઠ 59 છોકરીઓ થઈ ગયો છે, જ્યારે શહેરી વિસ્તારોમાં, છોકરાઓ અને છોકરીઓ સમાનતા પર પહોંચી ગયા છે.
જાતિ સમાનતા સૂચકાંક 1નો અર્થ એ છે કે છોકરીઓ અને છોકરાઓ સમાન પરિણામો ધરાવે છે.
ભારતના કિસ્સામાં, ગ્રામીણ વિસ્તારોના ડેટા ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરતી છોકરીઓ અને છોકરાઓના ગુણોત્તરમાં મોટો તફાવત દર્શાવે છે.
અહેવાલ દર્શાવે છે કે, રાષ્ટ્રીય સ્તરે થયેલી પ્રગતિ વિવિધ જૂથો વચ્ચેના તફાવતોને છુપાવી શકે છે. તે જણાવે છે કે, ‘લિંગ સમાનતા તરફ પ્રગતિનો અર્થ એ નથી કે બાળકોના બધા જૂથો આ પરિવર્તનથી સમાન રીતે લાભ મેળવી રહ્યા છે.’

અહેવાલમાં 2020-24ના ડેટાના આધારે, 31 ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં સ્થાન અને કૌટુંબિક આર્થિક સ્થિતિ દ્વારા ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરવામાં તફાવતનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તે જણાવે છે કે જે દેશોમાં છોકરીઓ શિક્ષણમાં પાછળ રહે છે, ત્યાં સરેરાશ જાતિ સમાનતા સૂચકાંક 0.87 હતો. ગ્રામીણ વિસ્તારોમાં, તે ઘટીને 0.74 થયો, જ્યારે શહેરી વિસ્તારોમાં તે 0.96 હતો.
ભારત પણ આ વ્યાપક પેટર્નને પ્રતિબિંબિત કરે છે. ગ્રામીણ વિસ્તારોમાં છોકરીઓ ઘણી ખરી રીતે પાછળ છે, જ્યારે શહેરી વિસ્તારોમાં છોકરાઓ અને છોકરીઓ સમાનતા પર પહોંચી ગયા છે.
ભારતમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચેનો તફાવત શાળા નોંધણીના ડેટામાં પણ પ્રતિબિંબિત થાય છે. ASER 2024ના અહેવાલ મુજબ, 15-16 વર્ષની વયની 8.1 ટકા ગ્રામીણ છોકરીઓ શાળામાં પ્રવેશ લેતી ન હતી. 2022માં, આ આંકડો 7.9 ટકા હતો. જોકે આ આંકડા શાળાનું શિક્ષણ પૂરું કરવાને બદલે તે સમયે શાળામાં થયેલ પ્રવેશ દર્શાવે છે, તેઓ દર્શાવે છે કે શિક્ષણમાં મોટી ઉંમરની છોકરીઓને જાળવી રાખવી એક પડકાર છે.

યુનેસ્કોના અહેવાલમાં જાણવા મળ્યું છે કે, જે દેશોમાં છોકરીઓ શૈક્ષણિક નુકસાનનો સામનો કરે છે, ત્યાં સૌથી ગરીબ ઘરોમાં સરેરાશ જાતિ સમાનતા સૂચકાંક 0.66 હતો, જ્યારે સૌથી ધનિક 20 ટકા ઘરોમાં 0.92 હતો. આ સૂચવે છે કે ગરીબી છોકરાઓ અને છોકરીઓ વચ્ચે શૈક્ષણિક અંતરને વધારે છે.
જોકે, અહેવાલ પ્રવેશ માટેના દરેક મુશ્કેલીઓના સંયુક્ત પ્રભાવ તરફ પણ નિર્દેશ કરે છે. તેમાં જણાવાયું છે કે, ‘શિક્ષણની પહોંચમાં લિંગ તફાવત ફક્ત વ્યક્તિગત પસંદગીઓને કારણે નથી, પરંતુ રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રણાલીઓ, તેમજ શિક્ષણ નીતિઓ અને પ્રથાઓને કારણે પણ છે, જે બાળકો, કિશોરો અને યુવાનોને તેમાંથી બહાર કાઢી નાખે છે.’
અહેવાલ મુજબ, આ તફાવતોને ‘લિંગ અને ગરીબી, ભૌગોલિક સ્થાન અને સામાજિક અથવા વસ્તી વિષયક જૂથ સાથે સંકળાયેલા ધોરણો જેવા પરિબળો વચ્ચેના સંબંધ’ દ્વારા વધુ સારી રીતે સમજી શકાય છે.

અહેવાલમાં જણાવાયું છે કે, છોકરીઓની શિક્ષણની પહોંચ સુધારવા માટે વ્યવહારુ અવરોધોને દૂર કરવાની જરૂર છે જે તેમને શાળામાં પ્રવેશ મેળવવા, નિયમિતપણે શાળામાં જવા અને તેમનો અભ્યાસ પૂરો કરતા અટકાવે છે. આમાં પરિવહન ખર્ચ, શાળા સુરક્ષાનો અભાવ, અપૂરતી શૌચાલય સુવિધાઓ અને ગર્ભાવસ્થા અથવા વહેલા લગ્નને કારણે શાળા છોડી દેતી છોકરીઓ માટે સહાયનો અભાવ શામેલ છે.
અહેવાલમાં લક્ષિત કાર્યક્રમોની અસર દર્શાવવા માટે ભારતના સંશોધનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. યુનેસ્કો દ્વારા ઉલ્લેખ કરવામાં આવેલા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે, આખા દેશમાં શૌચાલય બનાવવાની પહેલથી કિશોરવયની છોકરીઓનો શાળા પ્રવેશમાં વધારો થયો છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં છોકરાઓ અને છોકરીઓ માટે અલગ શૌચાલય બનાવવામાં આવ્યા હતા.
ભારતમાં થયેલા સંશોધન એ પણ દર્શાવે છે કે, શાળામાં ઓછી ઉંમરથી અને સતત મળી રહેલા મધ્યાહન ભોજનથી શાળા છોડવાનો દર ઘટે છે, ખાસ કરીને છોકરીઓમાં. કર્ણાટકના 121 ગામોમાં હાથ ધરવામાં આવેલા એક રેન્ડમાઇઝ્ડ ટ્રાયલમાં જાણવા મળ્યું છે કે, સ્થાનિક ક્લબો દ્વારા છોકરીઓને જીવનની આવશ્યકતાઓ વિશે શીખવા અને સામાજિક જોડાણો બનાવવાની તકો પૂરી પાડવાથી માધ્યમિક શાળા શિક્ષણ પૂરું કરવાની તેમની તકોમાં થોડો સુધારો થયો છે. જોકે, વહેલા લગ્નપણ ચિંતાનો વિષય રહ્યો.

અહેવાલમાં નેપાળનો એક ઉદાહરણ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેવી રીતે સતત અમલમાં મુકાયેલી નીતિઓ લિંગ તફાવતને ઘટાડી શકે છે. નેપાળમાં, માધ્યમિક શિક્ષણ પૂરું કરતી છોકરીઓનો દર 1990માં 8 ટકાથી વધીને 2024માં 8.9 ટકા થયો, જે છોકરાઓ અને છોકરીઓ વચ્ચે સમાનતા સુધી પહોંચ્યો. યુનેસ્કોના મતે, આ પ્રગતિ મફત અને ફરજિયાત મૂળભૂત શિક્ષણની ખાતરી આપતા કાયદાઓ, લક્ષિત શિષ્યવૃત્તિઓ, સુધારેલી શાળા સુવિધાઓ અને ઉચ્ચ ગ્રેડ સુધી પ્રગતિને સરળ બનાવતી પરીક્ષા પ્રક્રિયાઓમાં ફેરફારને કારણે છે.
જોકે, રિપોર્ટમાં ચેતવણી પણ આપવામાં આવી છે કે, જો અન્ય અવરોધો ચાલુ રહે તો એક જ યોજના અથવા માપ પૂરતું ન હોઈ શકે. તે જણાવે છે કે, ‘જો આવવા જવાનો ખુબ વધારે હોય તો ફી માફ કરવાથી શિક્ષણ મફત નથી થતું. જો શાળાઓ સુરક્ષિત ન હોય તો શિષ્યવૃત્તિનો ઉપયોગ થવો ફાયદાકારક નથી. જો ઓછી ઉંમરની માતાઓની પાસે બાળકોની સંભાળ રાખવાની સુવિધા નથી હોતી તો ફરીથી શાળામાં પ્રવેશ લેવાની નીતિઓ અસરકારક ન હોઈ શકે.’