
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં વાંદરાઓનો ત્રાસ ફરી એકવાર સામે આવ્યો છે. ડેપ્યુટી કમિશનર (DC) ઓફિસ પરિસરમાં, એક વાંદરાએ બેંકમાં જમા કરાવવા જઈ રહેલા શખ્સ પાસેથી રૂ.81,800નું બંડલ ઝૂંટવી લીધું; ત્યારબાદ વાંદરો પૈસાઓનું બંડલ લઈને ઝાડ પર ચઢી ગયો અને એક પછી એક ચલણી નોટો બહાર કાઢીને નીચે ફેંકવા લાગ્યો. આ ઘટનાને કારણે સરકારી કચેરીના પરિસરમાં અચાનક અફરાતફરી મચી ગઈ હતી.
અહેવાલ અનુસાર, પીડિત વ્યક્તિ રૂ.81,800 રોકડા લઈ પોતાના બેંક ખાતામાં જમા કરાવવા માટે જઈ રહ્યો હતો, ત્યારે DC કચેરીના પરિસરમાં રહેલા એક વાંદરાએ તેના ખિસ્સામાંથી પૈસાઓનું બંડલ ઝૂંટવી લીધું. વ્યક્તિ કંઈ સમજે કે તે પહેલાં જ વાંદરો ઝડપથી ઝાડ પર ચઢી ગયો. ઝાડ પર ચઢ્યા બાદ, વાંદરાએ બંડલમાંથી નોટો કાઢીને જમીન પર ફેંકવાનું શરૂ કર્યું. પોતાની મહેનતની કમાણીને આ રીતે વિખેરાતી જોઈને તે વ્યક્તિ ખૂબ જ પરેશાન થઈ ગયો.

વાંદરાની આ હરકત જોઈને DC કચેરીના પરિસરમાં હાજર લોકો ત્યાં એકઠા થઈ ગયા. તે વ્યક્તિની મુશ્કેલી જોઈને, ત્યાંના કર્મચારીઓ અને અન્ય લોકો મદદ માટે આગળ આવ્યા અને ઝાડની આસપાસ પડેલી નોટો એકત્ર કરવા લાગ્યા. ઘણી જહેમત બાદ, તેઓ મોટાભાગની રકમ પાછી મેળવવામાં સફળ રહ્યા, જ્યારે વાંદરો ઝાડ પરથી સતત નોટો નીચે ફેંકતો રહ્યો.
જોકે, પૂરેપૂરી રકમ પાછી મળી છે કે નહીં તે સ્પષ્ટ થઈ શક્યું નથી. પીડિત વ્યક્તિના જણાવ્યા અનુસાર, લગભગ રૂ.1500નો હિસાબ મળી શક્યો નથી. આ ઉપરાંત, વાંદરાએ કેટલીક 500 રૂપિયાની નોટો ફાડી નાખીને પણ નુકસાન પહોંચાડ્યું હતું.

આ પ્રકારે રોકડ રકમ એકત્ર કરવા છતા, વ્યક્તિને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું. આ ઘટનાએ DC કચેરીના પરિસરમાં વાંદરાઓની હાજરી અને તેમના દ્વારા થતી પરેશાનીઓ અંગે ચર્ચા જગાવી છે. DC કચેરી જેવા એક મહત્ત્વપૂર્ણ સરકારી કચેરી પરિસરમાં બનેલી આ ઘટનાએ શિમલામાં વાંદરાઓના ત્રાસના મુદ્દાને ફરી એકવાર ચર્ચામાં લાવી દીધો છે. શહેરમાં વાંદરાઓની વધતી જતી હાજરી લાંબા સમયથી સ્થાનિક રહેવાસીઓ માટે મુશ્કેલીનું કારણ બની રહી છે. વાંદરાઓ વારંવાર લોકોના હાથમાંથી ખાવા-પીવાની વસ્તુઓ અને અન્ય સામાન ઝૂંટવીને ભાગી જાય છે.
હવે, સરકારી કચેરીના પરિસરમાં એક વ્યક્તિના ખિસ્સામાંથી હજારો રૂપિયા કાઢી લેવાની આ ઘટનાએ લોકોની ચિંતામાં વધારી દીધી છે. એવામાં, જાહેર સ્થળોએ લોકોએ વિશેષ સાવચેતી રાખવી જોઈએ અને પોતાની રોકડ રકમ તથા અંગત સામાન સુરક્ષિત રાખવો જોઈએ.