fbpx

આયુષ્માન યોજના હેઠળ આ 112 બીમારીઓની સારવાર પ્રાઇવેટ હોસ્પિટલોમાં નહીં થાય, સરકારી હોસ્પિટલ જવું પડશે

Spread the love

આયુષ્માન યોજના હેઠળ આ 112 બીમારીઓની સારવાર પ્રાઇવેટ હોસ્પિટલોમાં નહીં થાય, સરકારી હોસ્પિટલ જવું પડશે

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ દર્દીઓને મળતી મફત સારવારની સુવિધામાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. કેન્દ્ર સરકાર હવે 112 પ્રકારની બીમારીઓની સારવાર અને ઓપરેશનના પેકેજ માત્ર સરકારી હૉસ્પિટલોમાં જ ઉપલબ્ધ કરાવવાની દિશામાં કામ કરી રહી છે. આ બીમારીઓની સારવાર માટે લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીનું કવર મળે છે. જો આ નિર્ણયનો અમલ થશે તો સંબંધિત પેકેજ હેઠળ ખાનગી હૉસ્પિટલોમાં મફત સારવારની સુવિધા બંધ થઈ શકે છે.

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ (NHA) દ્વારા આ અંગે રાજ્યોને સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 23 સારવાર પેકેજ સરકારી હોસ્પિટલો માટે અનામત રાખવામાં આવ્યા છે. હવે વધુ 89 પેકેજનો આ યાદીમાં સમાવેશ કરવાની તૈયારી છે. એટલે કે કુલ 112 સારવાર પેકેજ સરકારી હોસ્પિટલો માટે અનામત રાખવાની દરખાસ્ત છે. આ ફેરફાર લાગુ થયા બાદ સંબંધિત રાજ્યો મંજૂરી આપે તો આ સારવાર ખાનગી હોસ્પિટલોમાં આયુષ્માન યોજના હેઠળ ઉપલબ્ધ નહીં રહે. આ માટે રાજ્યોના સ્વાસ્થ્ય પ્રાધિકરણને 1 ડિસેમ્બર 2026 સુધીમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવાયું છે.

VTV ગુજરાતીના અહેવાલ મુજબ નવી દરખાસ્તમાં અનેક વિભાગોની સારવાર અને સર્જરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં સામાન્ય સારવારથી લઈને મોટા ઓપરેશન સુધીના પેકેજ છે. મુખ્ય બીમારીઓ અને સારવાર આ પ્રમાણે છે.

ayushyaman bharat

હવે માત્ર સરકારી હોસ્પિટલોમાં જ થશે આ બીમારીઓની સારવાર:

આંખની બીમારી: મોતિયા અને ગ્લુકોમા (કાળા મોતિયા) માટેનું ઓપરેશન.

મહિલાઓ સાથે જોડાયેલી બીમારી: હાઇ રિસ્ક ડિલિવરી, હિસ્ટરેક્ટોમી (ગર્ભાશય દૂર કરવું), અને MTP.

પેટ અને લિવરની બીમારી: આલ્કોહોલિક લિવર ડિસિઝ, હેપેટાઇટિસ, પેનક્રિયાટાઇટિસ અને ડાયરિયા.

સર્જરી અને અન્ય: ભગંદર, ગાંઠ, બાયોપ્સી અને સીવિયર એનિમિયા (ગંભીર લોહીની ઉણપ).

મોસમી અને શ્વસન બીમારીઓ: મેલેરિયા, ચિકનગુનિયા અને એક્યૂટ બ્રોંકાઇટિસ.

માનસિક સ્વાસ્થ્ય: તણાવ એંઝાઇટી, મૂડ ડિસઓર્ડર, ADHD અને અન્ય માનસિક વિકાર.

નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા તમામ રાજ્યોના આરોગ્ય વિભાગોને આ અંગે પત્ર મોકલવામાં આવ્યો છે. તેમાં 1 ડિસેમ્બર 2026થી ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ (TMS)માં નવી યાદી લાગુ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.જોકે આ ફેરફાર દરેક રાજ્યમાં આપમેળે અમલમાં આવી જશે એવું નથી. રાજ્યોને પોતાની સ્થિતિ અને સુવિધા પ્રમાણે નિર્ણય લેવાની છૂટ આપવામાં આવી છે. કેટલાક રાજ્યોએ આ પ્રકારની સારવાર સરકારી હોસ્પિટલો માટે અનામત રાખવાની વ્યવસ્થા અગાઉથી જ અમલમાં મૂકી છે. ગુજરાત પણ આ રાજ્યોમાં સામેલ છે.

સરકાર શા માટે કરી રહી છે આ ફેરફાર?

આ ફેરફાર પાછળનો મુખ્ય હેતુ ખાનગી હૉસ્પિટલો પર થતો સરકારી ખર્ચ ઘટાડવાનો અને સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સેવાઓ મજબૂત બનાવવાનો હોવાનું જણાવવામાં આવ્યું છે. આયુષ્માન યોજના હેઠળ ખાનગી હૉસ્પિટલોને સારવાર માટે સરકાર તરફથી ચૂકવણી કરવામાં આવે છે. હવે કેટલીક સારવાર સરકારી હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવે તો સરકારી આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓની સંખ્યા વધી શકે છે અને ત્યાંની સુવિધાઓનો વધુ ઉપયોગ થઈ શકે છે. જોકે, આ નિર્ણયની સફળતા સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ ડૉક્ટરો, મશીનો, બેડ અને અન્ય સુવિધાઓ પર આધાર રાખશે.

નવી વ્યવસ્થા અમલમાં મુકતા પહેલાં રાજ્યો દ્વારા સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ સુવિધાઓની તપાસ કરવામાં આવી રહી છે. કઈ હૉસ્પિટલમાં કઈ બીમારીની સારવાર થઈ શકે છે, કેટલા ડૉક્ટરો ઉપલબ્ધ છે અને જરૂરી સાધનો છે કે નહીં તેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. જો સરકારી હોસ્પિટલમાં જરૂરી સારવારની સુવિધા ન હોય તો દર્દીઓ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. ખાસ કરીને ગંભીર બીમારી કે તાત્કાલિક ઓપરેશનની જરૂર હોય તેવા દર્દીઓ માટે હોસ્પિટલની ઉપલબ્ધતા ખૂબ જરૂરી રહેશે.

ayushyaman bharat

નિષ્ણાતોના મતે, ખાનગી હોસ્પિટલો પર થતો ખર્ચ ઘટાડવા અને સરકારી હોસ્પિટલોની સુવિધાઓને મજબૂત કરીને દર્દીઓને સીધો લાભ પહોંચાડવાનો આ મુખ્ય હેતુ છે. અગાઉથી જ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, કેરળ અને તમિલનાડુ સહિતના અનેક રાજ્યોમાં આ વ્યવસ્થા આંશિક રીતે લાગૂ કરવામાં આવી છે.

આયુષ્માન કાર્ડ ધરાવતા લાભાર્થીઓએ આ ફેરફારને ધ્યાનમાં રાખીને સારવાર કરાવતા પહેલાં હોસ્પિટલમાં કયું પેકેજ ઉપલબ્ધ છે તે સુનિશ્ચિત કરી લેવું જોઈએ. ખાસ કરીને મોતિયા, હાઈ રિસ્ક ડિલિવરી કે લિવરની બીમારીની સારવાર કરાવવાની હોય તો સંબંધિત હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર મળશે કે નહીં તે જાણી લેવું જરૂરી છે. આયુષ્માન ભારત યોજના હેઠળ પાત્ર પરિવારને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની હોસ્પિટલમાં દાખલ થઈને કરાવવાની સારવાર માટે આરોગ્ય કવચ મળે છે. જોકે, કઈ સારવાર કઈ હોસ્પિટલમાં મળશે તે પેકેજ અને રાજ્યના નિયમો પ્રમાણે નક્કી થાય છે. યોજનાની માહિતી અથવા મદદ માટે 14555 ટોલ ફ્રી હેલ્પલાઇન પર સંપર્ક કરી શકાય છે.

Leave a Reply

error: Content is protected !!