fbpx

અમદાવાદમાં પતિના અવસાન બાદ પુત્રવધૂએ સાસૂને ઘેનની દવા આપીને 1.84 કરોડ ટ્રાન્સફર કરી લીધા, આ રીતે ખુલી પોલ

Spread the love

અમદાવાદમાં પતિના અવસાન બાદ પુત્રવધૂએ સાસૂને ઘેનની દવા આપીને 1.84 કરોડ ટ્રાન્સફર કરી લીધા, આ રીતે ખુલી પોલ

અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં માનવતા અને સંબંધોને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. 79 વર્ષીય વૃદ્ધાને પ્રતિબંધિત ઘેનની દવા ખવડાવીને સતત અર્ધબેભાન અવસ્થામાં રાખી તેમના બેંક ખાતામાંથી કુલ રૂ. 1.84 કરોડ ટ્રાન્સફર કરી લેવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. પુત્રના અવસાન બાદ સાસુ સાથે રહેતી પુત્રવધૂએ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનમાં છેડછાડ કરીને ઘેનની ગોળીઓ મેળવી હતી અને કોરા ચેક તથા મૃતક પતિના મોબાઈલનો ઉપયોગ કરીને આ મોટી રકમ પોતાના ખાતામાં તેમજ મ્યુચ્યુઅલ ફંડમાં ટ્રાન્સફર કરી લીધી હતી. આ સમગ્ર મામલે વૃદ્ધાએ પાલડી પોલીસ સ્ટેશનમાં પુત્રવધૂ અંકિતા શાહ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ,  આંબાવાડી ખાતે રહેતા 79 વર્ષીય જયશ્રીબેન શાહના પુત્ર અભિષેકનું 12 મે, 2024ના રોજ હાર્ટ-એટેકને કારણે મોત થઇ ગયું હતું. ત્યારબાદ તેઓ પાલડીના મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે શાંતિકુંજ ફ્લેટમાં પુત્રવધૂ અંકિતાબેન અને પૌત્રી સાથે રહેતા હતા. પુત્રના મૃત્યુ બાદ અંકિતાબેને ઝઘડો કરીને અને ઈમોશનલ પ્રેશર લાવીને જયશ્રીબેનના HDFC બેંકના જોઈન્ટ ખાતામાં પોતાનું નામ દાખલ કરાવ્યું હતું. ત્યારબાદ ઘરખર્ચના બહાને ડરાવી-ધમકાવીને કોરા ચેક પર સહીઓ લેવાનું શરૂ કરી દીધું હતું.

આરોપી પુત્રવધૂએ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનમાં જાતે કે કોઈ મળતિયા મારફતે પ્રતિબંધિત ઘેનની દવા લખી પાલડીના મેડિકલ સ્ટોરમાંથી મેળવી લીધી હતી. સાસુને નિયમિત આ દવા ખવડાવતી હતી, જેના કારણે જયશ્રીબેનને સતત ઘેન અને ચક્કર રહેતા હતા અને વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવા પડતા હતા.

Paldi police station

સપ્ટેમ્બર 2025માં જયશ્રીબેનની તબિયત અત્યંત લથડતા અને તેઓ પોતાની દીકરી કોષાને પણ ઓળખી શકતા નહોતા. દીકરીએ તેમને 108 માર્ફતે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં બ્લડ રિપોર્ટમાં ઘેનની દવાઓ અપાતી હોવાનો ખુલાસો થયો હતો. આ અંગે શંકા જતા પુત્રી અને જમાઈએ બેંક ખાતાની તપાસ કરાવી હતી. જેમાં બહાર આવ્યું હતું કે અંકિતાબેને સહી કરાવેલા કોરા ચેક દ્વારા HDFC બેંકમાંથી પોતાના ખાતામાં અને મ્યૂચ્યુઅલ ફંડમાં લાખો રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત, મૃતક પતિ અભિષેકના મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને કોટક મહિન્દ્રા બેંકના ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્જેક્શન દ્વારા કુલ 1,84,70,000 રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. પાલડી પોલીસે અંકિતા શાહ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Leave a Reply

error: Content is protected !!