fbpx

દેશમાં પ્રવેશતા જ ધરપકડની ચેતવણી છતા બાંગ્લાદેશ કેમ જવા માંગે છે પૂર્વ PM શેખ હસીના?

Spread the love

દેશમાં પ્રવેશતા જ ધરપકડની ચેતવણી છતા બાંગ્લાદેશ કેમ જવા માંગે છે પૂર્વ PM શેખ હસીના?

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ જણાવ્યું છે કે તેઓ 16 ડિસેમ્બરે ભારતથી પોતાના દેશ પરત ફરશે. ઓગસ્ટ 2024માં સત્તા પરથી હટાવવામાં આવ્યા ત્યારથી તેઓ ભારતમાં રહે છે.

બાંગ્લાદેશમાં આ દિવસને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધ બાદ દેશને મળેલી આઝાદીનું પ્રતીક છે. સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસ (AP) અનુસાર, હસીનાએ મંગળવારે તેમના પરત ફરવાની સંભવિત તારીખ જાહેર કરી અને વર્તમાન વડાપ્રધાન તારિક રહેમાનને અપીલ કરી કે તેઓ રાષ્ટ્રીય એરલાઇન દ્વારા તેમની પરત ફરવાની વ્યવસ્થા કરે. હસીનાના પ્રવક્તા, સૈયદ મોઝમ્મેલ અલીએ જણાવ્યું હતું કે, 5 ઓગસ્ટ, 2024ના રોજ શેખ હસીનાને બાંગ્લાદેશી વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા. હવે તેઓ સરકારને અપીલ કરે છે કે દિલ્હીથી ઢાકા સુધીની તેમની હવાઈ મુસાફરીની વ્યવસ્થા કરે.

sheikh hasina

હસીનાના સહયોગી અબુ ઓબૈદા અરિને કહ્યું કે, તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે તેમણે બાંગ્લાદેશ પાછા ફરવા માટે 16 ડિસેમ્બર એટલે કે વિજય દિવસની પસંદગી કરી છે.

અરિને કહ્યું કે, તેમના પરત ફર્યા બાદ અને તેમના નેતૃત્વ હેઠળ, બાંગ્લાદેશ ફરી એકવાર શાંતિ, સ્થિરતા અને પ્રગતિ તરફ આગળ વધશે. 5 ઓગસ્ટ, 2024ના રોજ, વિદ્યાર્થીઓના નેતૃત્વમાં થયેલા આંદોલનને કારણે હસીનાએ તેમનું 15 વર્ષનું શાસન છોડીને ભારત આવવું પડ્યું હતું. આ આંદોલન દરમિયાન સેંકડો પ્રદર્શનકારીઓ માર્યા ગયા હતા. તેમની ગેરહાજરીમાં, માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે હસીનાને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે. તેમણે આ ચૂકાદાને નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે બાંગ્લાદેશ પાછા ફર્યા બાદ તેઓ પોતાનો પાર્ટી રજૂ કરશે.

એવામાં સવાલ છે કે જ્યારે હસીના જાણે છે કે બાંગ્લાદેશ પહોંચતા જ તેમની ધરપકડ થઈ શકે છે અને તેમને મૃત્યુદંડની સજા પણ સંભળાવવામાં આવી છે તો પછી તેઓ શા માટે પાછા ફરવા માંગે છે?

શું તેઓ ખરેખર પોતાની સામેના કાનૂની આરોપોનો સામનો કરવા માંગે છે, કે પછી આ જાહેરાત તેમની પાર્ટી આવામી લીગમાં નવો પ્રાણ ફૂંકવા અને તેની રાજકીય ગતિવિધિઓને પુનઃસ્થાપિત કરવા માટેની એક રણનીતિક ચાલ છે? અને શું તેમના પરત ફરવા અંગે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોઈ કૂટનીતિક માર્ગ નીકળી શકે છે?

શેખ હસીના સાથે જોડાયેલા મુખ્ય પ્રશ્નોના જવાબ:

1.  વાપસીની જાહેરાત પાછળની હસીનાની રાજકીય રણનીતિ શું છે?

હસીનાની પરત ફરવાની જાહેરાતને માત્ર તેમની અંગત ઈચ્છા તરીકે જોવી અયોગ્ય ગણાશે. આ નિર્ણય પાછળ આવામી લીગના રાજકીય ભવિષ્ય અંગેની ચિંતાઓ અને પાર્ટી પર પોતાની પકડ જાળવી રાખવાનો પ્રયાસ પણ હોઈ શકે છે.

ઢાકા સ્થિત ‘સેન્ટર ફોર ગવર્નન્સ સ્ટડીઝ’ના અધ્યક્ષ ઝિલ્લુર રહેમાને જણાવ્યું હતું કે, હસીના સારી રીતે જાણે છે કે બાંગ્લાદેશ પરત ફર્યા બાદ તેમણે કયા સંભવિત પરિણામોનો સામનો કરવો પડી શકે છે. જોકે, પાસપોર્ટ મેળવવાના તેમના પ્રયાસો અને પરત ફરવાની વાતોનો મુખ્ય ઉદ્દેશ્ય આવામી લીગના નેતાઓ અને કાર્યકરોને રાજકીય રીતે સક્રિય રાખવાનો છે.

રહેમાનના મતે, હસીના કોઈપણ સંજોગોમાં પાર્ટીનું નેતૃત્વ અન્ય કોઈને સોંપવા તૈયાર નથી. તેમનું માનવું છે કે આ બાબત હસીના અને આવામી લીગ બંને માટે સમસ્યા બની શકે છે; પાર્ટીના અસ્તિત્વને ટકાવી રાખવા માટે કદાચ ભવિષ્યમાં નવા નેતૃત્વની શોધ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

sheikh hasina

તો, બાંગ્લાદેશ એન્ટરપ્રાઇઝ ઇન્સ્ટિટ્યૂટના વરિષ્ઠ સંશોધન નિર્દેશક ફૈઝ સોભને કહ્યું કે, પરત ફરવાની જાહેરાતથી હસીના રાજકીય રીતે પ્રાસંગિત બન્યા રહે છે અને તેમને દેશમાં પોતાના સમર્થકોનો મિજાજ જાણવાની તક મળે છે. સોભનના મતે, તેમની પરત ફરવાની શક્યતા મુશ્કેલ છે, કારણ કે આમ કરવાથી તેમણે મૃત્યુદંડનો સામનો કરવો પડી શકે છે અથવા બાકીનું જીવન જેલમાં વિતાવવું પડી શકે છે.

અમેરિકાના ભૂતપૂર્વ રાજદ્વારી જ્હોન ડેનિલોવિચે પણ હસીનાની આ જાહેરાતને તેમના સમર્થકોને એકત્ર કરવાનો પ્રયાસ ગણાવી હતી. તેમનું આંકલન છે કે ડિસેમ્બરમાં પરત ફરવાની જાહેરાતનો હેતું બાંગ્લાદેશમાં ઘટી રહેલા તેમના રાજકીય પ્રભાવને ફરીથી ચર્ચાના કેન્દ્રમાં લાવવાનો છે.

પરત ફરવા માટે પસંદ કરવામાં આવેલી તારીખ પણ રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ છે. 16 ડિસેમ્બર, 1971ના રોજ બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધનો અંત આવ્યો હતો. બાંગ્લાદેશના ઇતિહાસમાં આ દિવસનું વિશેષ મહત્ત્વ છે. હસીનાના પિતા શેખ મુજીબુર રહેમાન, બાંગ્લાદેશની સ્વતંત્રતા ચળવળના સૌથી અગ્રણી નેતાઓમાંના એક હતા.

એવામાં વિજય દિવસ પર પરત ફરવાની જાહેરાત કરીને, હસીના પોતાનો રાજકીય વિરાસો અને બાંગ્લાદેશના સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલા પોતાના પરિવારના ઇતિહાને સામે લાવી રહ્યા છે.

2.  આવામી લીગની ગતિવિધિઓ અને હિંસા કેમ વધી રહી છે?

હસીનાની વાપસીની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે બાંગ્લાદેશમાં આવામી લીગના નેતાઓ અને કાર્યકરોની ગતિવિધિઓને લઈને તણાવ વધી રહ્યો છે. BBC બાંગ્લાના એક અહેવાલ મુજબ, છેલ્લા કેટલાક અઠવાડિયામાં આવામી લીગના નેતાઓ અને કાર્યકરો પાયાના સ્તરે પોતાની હાજરી નોંધાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખાસ કરીને ગોપાલગંજમાં સહિત ઘણા જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શનો, તોડફોડ અને આગચંપીની ઘટનાઓ બની છે. તેના જવાબમાં હિંસાને ડામવા માટે સરકારે વિવિધ પગલાં લીધાં છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં આવામી લીગની રાજકીય ગતિવિધિઓ પર પ્રતિબંધ છે. એવામાં, પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દ્વારા કરવામાં આવતા જાહેર પ્રદર્શનોએ વર્તમાન સરકાર માટે કાયદો અને વ્યવસ્થાનો પડકાર ઊભો કર્યો છે. હસીના માટે નવા પાસપોર્ટ અને ઓળખ પત્રની માંગણી બાદ બાંગ્લાદેશમાં હિંસા વધુ તીવ્ર બની છે. ગોપાલગંજમાં તેમના સમર્થકો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનો હિંસક બની ગયા છે, જેમાં કેટલાક લોકોના મૃત્યુ પણ થયા છે.

આ ઘટનાક્રમને જોતા, સરકારની ચિંતાઓ માત્ર હસીનાની સંભવિત વાપસી પૂરતી સીમિત નથી; એવી આશંકા પણ છે કે તેમની વાપસીની જાહેરાતથી આવામી લીગના કાર્યકરો અને સમર્થકો ફરી એકત્ર થઈ શકે છે. આ કારણોસર, સરકારે ડિસેમ્બર મહિનાની આસપાસ સરહદ પર દેખરેખ વધારવાની વાત કરી છે.

3. બાંગ્લાદેશ સરકારે સરહદ પર BGBને શા માટે એલર્ટ પર રાખવામાં આવી છે?

BBC બાંગ્લાના એક અહેવાલ મુજબ, બાંગ્લાદેશના વડાપ્રધાનના માહિતી અને પ્રસારણ સલાહકાર ડૉ. ઝાહેદ ઉર રહેમાને જણાવ્યું છે કે, સરહદ પારથી થતી ગેરકાયદેસર અવરજવરને રોકવા માટે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)ને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ઝાહેદ ઉર રહેમાનના જણાવ્યા અનુસાર, આવામી લીગના હજારો નેતાઓ અને કાર્યકરો હાલમાં વિદેશમાં છે અને તેમની સામે કેસ નોંધાયેલા છે. તેમણે જણાવ્યું કે, ડિસેમ્બરની આસપાર જો કોઇ આરોપી દેશમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે. તે તેમની ધરપકડ કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી શકાય. તેના માટે સરહદ પર દેખરેખ વધારી દેવામાં આવી છે.

આ નિવેદન મહત્ત્વપૂર્ણ છે કારણ કે તેનાથી જાણવા મળે છે કે સરકાર હસીનાની સંભવિત વાપસીને માત્ર એક વ્યક્તિની વાપસી તરીકે નથી જોતી; સરકારને આવામી લીગના એવા નેતાઓ અને કાર્યકરોની પણ ચિંતા છે જેઓ હાલમાં દેશની બહાર છે. જોકે, સરકાર દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આ ચિંતાને મોટા પાયે ઘૂસણખોરીની પુષ્ટિ તરીકે ન સમજવી જોઈએ; બલ્કે, આ સરકાર દ્વારા લેવામાં આવેલું એક સુરક્ષા પગલું છે.

4. સરકારનું વલણ આટલું કડક કેમ છે?

હસીનાની વાપસી અંગે બાંગ્લાદેશ સરકારના બે વરિષ્ઠ અધિકારીઓના નિવેદનો આ બાબતે સરકારનું વલણ સ્પષ્ટ કરવામાં મદદ કરે છે. વિદેશી બાબતોના રાજ્ય મંત્રી હુમાયૂ કબીરે 24 નવેમ્બરે વિદેશી રાજદ્વારીઓ માટેના એક બ્રીફિંગ બાદ પત્રકારોને કહ્યું હતું કે, શેખ હસીનાને કડક દેખરેખ હેઠળ હાથકડી પહેરાવીને જ દેશમાં લાવી શકાય છે. કોઈ આરોપી વ્યક્તિને સામાન્ય પ્રવાસીની જેમ દેશમાં પ્રવેશવાની મંજૂરી આપી શકાય નહીં.

તેમણે આવામી લીગ પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે બાંગ્લાદેશમાં આતંકવાદ આ પાર્ટી સાથે જોડાયેલો છે. બીજી તરફ, ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યૂનલ’ના મુખ્ય ફરિયાદી મોહમ્મદ અમીનુલ ઇસ્લામે હસીનાને પાછી લાવવા માટે વિમાન મોકલવાની માંગને અભૂતપૂર્વ ગણાવી છે. BBC બાંગ્લાના અહેવાલ મુજબ તેમણે કહ્યું કે વૈશ્વિક સ્તરે આવી સ્થિતિ ભાગ્યે જ જોવા મળે છે જ્યાં કોઈ ફરાર દોષિત વ્યક્તિ અન્ય દેશ પાસે વિમાનની માંગણી કરે.

તેમણે કહ્યું કે, આવામી લીગને આતંકવાદી સંગઠન જાહેર કરવું કે કેમ, તે અંગે તપાસ ચાલી રહી છે. આ મુજબ, જો તપાસમાં એવું તારણ નીકળે કે આ પાર્ટી એક આતંકવાદી સંગઠન છે, તો સરકાર અથવા કોઈ ટ્રિબ્યૂનલ તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી શકે છે. આનો અર્થ એ છે કે, શેખ હસીનાની વાપસીના પ્રશ્નની સાથે સાથે, આવામી લીગના સંગઠનાત્મક અને કાયદાકીય દરજ્જાનો મુદ્દો પણ સામે આવ્યો છે.

5. ભારતનું વલણ શું છે?

શેખ હસીનાની સંભવિત વાપસીમાં ભારતની ભૂમિકા નિર્ણાયક રહેશે. તેઓ ઓગસ્ટ 2024થી ભારતમાં રહે છે, અને બાંગ્લાદેશ સરકારે તેમના પ્રત્યર્પણની માંગ કરી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2013માં પ્રત્યર્પણ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા; આ સંધિ હેઠળ જ બાંગ્લાદેશ તેમની વાપસીની માંગ કરી રહ્યું છે. આ સંધિમાં કેટલીક પરિસ્થિતિઓમાં પ્રતિયાર્પણ માટે ઇનકાર કરવાનું સામેલ છે કે ભારતે ફરજિયાતપણે તેમને સોંપવા પડશે.

આ સંધિમાં એવી જોગવાઈઓ છે જે અમુક સંજોગોમાં પ્રત્યર્પણનો ઇનકાર કરવાની છૂટ આપે છે ઉદાહરણ તરીકે, રાજકીય પ્રકૃતિના ગુનાઓ સાથે સંકળાયેલા અપવાદ પણ સામેલ છે. જો કે, કેટલાક ગંભીર ગુનાઓને આ મુક્તિમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

એપ્રિલ 2026માં, ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તેઓ બાંગ્લાદેશની પ્રત્યર્પણ વિનંતીની સમીક્ષા કરી રહ્યા છે અને નવી સરકાર સાથે રચનાત્મક વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે, ઢાકા ટ્રિબ્યૂનના અહેવાલ મુજબ, બાંગ્લાદેશ સરકારના માહિતી અને પ્રસારણ સલાહકાર ઝાહેદ ઉર રહેમાને 24 નવેમ્બરે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે હસીનાની વાપસી અંગે સરકારની ચર્ચાઓ ભારત સાથે થઈ રહી છે, ન કે સીધી હસીના સાથે. તેમના મતે જો હસીના પરત ફરવા માંગે છે તો ભારતે તેમને સોંપવામાં કોઇ ખચકાટ ન હોવો જોઇએ.

આ નિવેદન વિદેશ મંત્રીના હાથકડી અંગે કરવામાં આવેલી ટિપ્પણીનું એક નવું પાસું સામે લાવે છે. બાંગ્લાદેશ સરકાર હસીના સાથે સીધી વાતચીત કરવાને બદલે ભારત સાથે પ્રત્યાર્પણની ચર્ચા કરવા માંગે છે.

Leave a Reply

error: Content is protected !!