fbpx

75 વર્ષીય કન્હૈયાલાલે 63 વર્ષીય સબીના સાથે હિન્દુ રીતિ-રિવાજ મુજબ કર્યા લગ્ન

Spread the love

75 વર્ષીય કન્હૈયાલાલે 63 વર્ષીય સબીના સાથે હિન્દુ રીતિ-રિવાજ મુજબ કર્યા લગ્ન

75 વર્ષની ઉંમર થઈ જાય એટલે જિંદગી અંતિમ પડાવે હોય. આ ઉંમરે જો જોઈ લગ્ન કરે તો સૌને નવાઈ લાગે, ખરું ને? આવું જ કઈક થયું છે હિમાચલ પ્રદેશમાં, જ્યાં 75 વર્ષીય દાદા અને 63 વર્ષીય મહિલાના લગ્નની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. 75 વર્ષીય કન્હૈયાલાલ અને 63 વર્ષીય સબીનાએ હિન્દુ રીતિ-રિવાજ મુજબ વૃદ્ધાશ્રમમાં લગ્ન કર્યા છે.

કન્હૈયાલાલના વૃદ્ધાશ્રમ આવવાની આખી કહાની ‘અપના ઘર’ના સ્થાપક અને વકીલ પ્રકાશચંદ બંસલે જણાવી. તેમણે કહ્યું કે, વર્ષ 2022માં તેમની ટીમે કન્હૈયાલાલને એક ગુફામાંથી બચાવ્યા હતા અને તેમને અહીં લાવવામાં આવ્યા હતા. કન્હૈયાલાલ પહેલા પોતાના પરિવાર સાથે રહેતા હતા. જોકે, તેમના પત્નીના અવસાન બાદ તેમણે પોતાની બધી મિલકત ભાઈઓના નામે કરી દીધી હતી. મિલકત મળતા જ આ તમામે તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. જેથી તેમની પાસે રહેવાની કોઈ જગ્યા નહોતી. આ માટે તેઓ ગુફામાં રહેવા મજબૂર બન્યા હતા. ગુફામાંથી કન્હૈયાલાલને બિલાસપુરના વૃદ્ધાશ્રમમાં લાવવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ ત્યાં જ રહેતા હતા.

marriage1

બીજી તરફ, મૂળ કોલકાતાની રહેવાસી સબીના પણ ઘરથી ભટકીને હિમાચલ પ્રદેશ પહોંચી ગયા હતા. સંસ્થાના જણાવ્યા અનુસાર, તેને પહેલાં શિમલા લાવવામાં આવી હતી અને ત્યારબાદ વર્ષ 2025માં બિલાસપુરના વૃદ્ધાશ્રમમાં લાવવામાં આવી હતી. બંને એક જ વૃદ્ધાશ્રમમાં રહેતા હતા. સમય જતા તેમની વચ્ચે લાગણીનો સંબંધ બંધાયો અને બંનેએ જીવનનો બાકીનો સમય એકબીજા સાથે વિતાવવાનો નિર્ણય કર્યો.

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, લગ્નની ઉજવણી મંગળવારની સાંજથી હલદી સેરેમની સાથે શરૂ થઈ હતી. આ દરમિયાન કન્હૈયાલાલ અને સબીનાએ પીળા કલરના કપડા પહેર્યાં હતા. આ દરમિયાન વૃદ્ધાશ્રમમાં હિમાચલી ગીતો વચ્ચે બંનેની હલ્દી સેરેમની યોજાઈ હતી.

marriage2

આ અનોખા લગ્ન પ્રસંગમાં બિલાસપુરના ડેપ્યુટી કમિશનર કિરણ ભડાના ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, અને નવદંપતીને શુભેચ્છા પાછવી લગ્નની ભેટ આપી હતી. આ અનોખા લગ્નમાં સંસ્થાના અન્ય વૃદ્ધો અને કર્મચારીઓએ પણ આ પ્રસંગમાં ભાગ લીધો હતો અને નવદંપતીને સુખી લગ્નજીવન માટે આશીર્વાદ આપ્યા હતા.

આ પ્રસંગે કિરણ ભડાનાએ જણાવ્યું હતું કે, આ લગ્ન સમાજને એક સકારાત્મક સંદેશ આપે છે. તેમણે અપના ઘર વૃદ્ધાશ્રમ દ્વારા કરવામાં આવતી કામગીરીની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ઉંમર ભલે ગમે એટલી હોય, દરેક વ્યક્તિને ખુશીથી અને પોતાની પસંદગી મુજબ જીવન જીવવાનનો અધિકાર છે.

સંસ્થાના સ્થાપક પ્રકાશચંદ બંસલે જણાવ્યું હતું કે બંનેએ પોતાની મરજીથી એકબીજાને જીવનસાથી તરીકે પસંદ કર્યા છે. તેમનો આ નિર્ણય સમાજ માટે મહત્ત્વનો સંદેશ આપે છે. પરિવાર દ્વારા તરછોડી દેવાયેલા લોકોને સમાજે સહારો આપવો જોઈએ અને તેમને નવેસરથી જીવન શરૂ કરવામાં મદદ કરવી જોઈએ. લગ્ન બાદ કન્હૈયાલાલ અને સબીના હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના નાલાગઢમાં આવેલા નવા વૃદ્ધાશ્રમમાં રહેવા જશે. અહીં બંને સાથે મળીને પોતાના લગ્નજીવનની નવી શરૂઆત કરશે.

Leave a Reply

error: Content is protected !!