
Vivoએ ભારતમાં તેની સૌથી પાવરફૂલ સ્માર્ટફોન Vivo X500 સીરિઝ લોન્ચ કરી છે. આ સીરિઝમાં Vivo X500, Vivo X500 Pro અને Vivo X500 Pro Maxનો સમાવેશ થાય છે. આ વખતે કંપનીનું સૌથી વધું ધ્યાન કેમેરા પર છે. ખાસ કરીને Vivo X500 Pro Maxમાં 200MPનો ZEISS ટેલિફોટો કેમેરા આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, કંપની અલગથી એવી ટેલિફોટો એક્સ્ટેન્ડર કિટ પણ આપી રહી છે, જેના દ્વારા યુઝર્સ ફોનની ઝૂમ ક્ષમતાને વધુ વધારી શકે છે. કંપનીએ આ સીરિઝમાં 2nm પ્રોસેસર, 144Hz ડિસ્પ્લે અને મોટી બેટરી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
Vivo X500 સીરિઝની શરૂઆતી કિંમત 1,19,999 રૂપિયા છે. તો ટોપ મોડેલ Vivo X500 Pro Maxની કિંમત રૂ.1,64,999થી શરૂ થાય છે. એવામાં સવાલ થાય છે કે, આ ત્રણેય ફોનમાં શું અંતર છે, અને શું તે આટલા મોંઘા ખરીદવા લાયક છે?
Vivoએ ભારતીય બજારમાં ત્રણ મોડેલ રજૂ કર્યા છે. તેમાં સૌથી સસ્તો Vivo X500 છે, જેની કિંમત 12GB RAM અને 256GB સ્ટોરેજવાળા મોડેલ માટે રૂ.1,19,999 રાખી છે. ત્યારબાદ Vivo X500 Pro આવે છે, જેમાં 12GB RAM અને 256GB સ્ટોરેજ મોડેલની કિંમત રૂ.1,49,999 છે. તો સૌથી મોંઘો Vivo X500 Pro Max છે, તેના 12GB RAM અને 256GB સ્ટોરેજ મોડેલની કિંમત રૂ.1,64,999માં રાખવામાં આવી છે, જ્યારે 12GB RAM અને 512GB સ્ટોરેજ મોડેલ રૂ.1,79,999માં મળે છે. કંપનીએ આ સ્માર્ટફોનને 3 ડિસેમ્બરથી ખરીદી માટે ઉપલબ્ધ કરાવવાની માહિતી આપી છે. તેમને Amazon, Flipkart અને સત્તાવાર Vivo વેબસાઇટ દ્વારા ખરીદી શકાય છે.
Vivo X500 Pro Maxનું સૌથી મોટું આકર્ષણ તેનો 200MP ટેલિફોટો કેમેરા છે. કંપનીએ તેમાં ZEISS સાથે મળીને તૈયારી કરવામાં આવેલી કેમેરા સિસ્ટમનો સમાવેશ કર્યો છે. આ કેમેરો દૂરની વસ્તુઓને કેપ્ચર કરવા માટે બનાવવામાં આવ્યો છે.
સામાન્ય સ્માર્ટફોનમાં, ઝૂમ ઇન કરવાથી ઘણીવાર ડિટેલ્સ ઓછી થવા લાગે છે. પરંતુ, ટેલિફોટો કેમેરા ઓપ્ટિકલ ઝૂમનો ઉપયોગ કરીને દૂરની વસ્તુઓને વધુ સ્પષ્ટતા સાથે કેપ્ચર કરે છે. Vivo X500 Pro Maxમાં 3.5x ઓપ્ટિકલ ઝૂમની સુવિધા છે.
તેની ખાસ વાત માત્ર 200MP કેમેરો નથી; કંપની આ સાથે અલગથી ટેલિફોટો એક્સ્ટેન્ડર કિટ પણ વેચી રહી છે. આમાં 200mm અને 400mmના ZEISS ટેલિફોટો એક્સ્ટેન્ડર્સ મળે છે. તેના દ્વારા ફોનની ઝૂમ ક્ષમતાઓને વધુ વધારી શકાય છે.
તેનો ફાયદો એ લોકોને મળી શકે છે, જે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી, સ્પોર્ટ્સ, સ્ટેજ પરફોર્મન્સ અથવા દૂરથી ફોટા લેવામાં રસ ધરાવે છે. જો કે આ એક્સ્ટેન્ડર કિટ અલગથી ખરીદવી પડશે. 200mm એક્સ્ટેન્ડરની કિંમત રૂ.15,999 છે, જ્યારે 400mm એક્સ્ટેન્ડરની કિંમત રૂ.27,999 છે. એટલે કે, જો કોઈ યુઝર ફોનની સાથે 400mm એક્સ્ટેન્ડર પણ ખરીદવા માંગતા હોય, તો તેમણે ફોનની કિંમત ઉપરાંત વધારાના આશરે રૂ.28,000 ખર્ચવા પડશે.
Vivoએ X500 સીરિઝના ત્રણેય ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપ્યું છે, પરંતુ તેના કેમેરા એક સરખા નથી. Vivo X500 માં 50MPનો મુખ્ય કેમેરા, 50MPનો અલ્ટ્રા-વાઇડ કેમેરા અને 64MPનો ટેલિફોટો કેમેરો મળે છે. આ એવા લોકો માટે બનાવવામાં આવ્યો છે જેઓ ‘Pro Max’ મોડલની ઊંચી કિંમત ચૂકવ્યા વિના ફ્લેગશિપ-સ્તરનો કેમેરા અનુભવ મેળવવા માંગે છે. Vivo X500 Proમાં 50MPનો મુખ્ય કેમેરા અને 50MPનો અલ્ટ્રા-વાઇડ કેમેરા છે, જેની સાથે 64MPનો ટેલિફોટો લેન્સ પણ આપવામાં આવ્યો છે. તેમાં ZEISS કેમેરા ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

બીજી તરફ, Vivo X500 Pro Maxમાં 50MPનો મુખ્ય કેમેરા, 50MPનો અલ્ટ્રા-વાઇડ કેમેરા અને 200MPનો ટેલિફોટો કેમેરા મળે છે. આ મોડેલમાં કંપનીએ દૂરની તસવીરોને કેપ્ચર કરવા અને વીડિયો રેકોર્ડિંગ પર વિશેષ ભાર મૂક્યો છે. ત્રણેય ફોનમાં 50MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે, એટલે સેલ્ફી અને વીડિયો કોલ માટે હાઈ-રિઝોલ્યુશન કેમેરા મળા છે.
Vivo X500 સીરિઝમાં MediaTekના નવા Dimensity 9600 સીરિઝના પ્રોસેસર્સ આપવામાં આવ્યા છે. Vivo X500માં Dimensity 9600M ચિપસેટ મળે છે, જ્યારે Vivo X500 Pro અને Pro Maxમાં Dimensity 9600 Pro પ્રોસેસર આપવામાં આવ્યું છે.
Pro અને Pro Max મોડેલમાં 2nm ટેક્નોલોજી પર બનેલા પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નાની મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયાવાળી ચિપસેટમાં શ્રેષ્ઠ કામગીરી અને વધુ સારી પાવર કાર્યક્ષમતાની સંભાવના હોય છે. તેનો ફાયદો ગેમિંગ, વિડિયો એડિટિંગ અને AI-સંબંધિત કાર્યોમાં મળી શકે છે. ત્રણેય સ્માર્ટફોનમાં 12GB RAM અને UFS 4.1 સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ ફોન Android 17 પર આધારિત OriginOS 7 પર ચાલે છે.
આ વખતે Vivoએ બેટરીના પર્ફોર્મન્સ પર ખાસ ધ્યાન આપ્યું છે. Vivo X500માં 7,500mAhની બેટરી આપી છે. Vivo X500 Pro માં 6,510mAhની બેટરી છે, જ્યારે Pro Max મોડેલમાં 7,800mAhની બેટરી આપવામાં આવી છે. ત્રણેય ફોન 90W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 40W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ મોટી બેટરી એવા વપરાશકર્તાઓ માટે ખાસ કરીને ફાયદાકારક રહેશે જેઓ દિવસ દરમિયાન વારંવાર કેમેરા, વીડિયો અને ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.

Vivo X500માં 6.59-ઇંચની AMOLED ડિસ્પ્લે મળે છે, જેમાં 144Hz રિફ્રેશ રેટનો સપોર્ટ મળે છે. આનાથી સ્ક્રીન પર સ્ક્રોલિંગ અને એનિમેશન વધુ સ્મૂધ જોવા મળે છે. Vivo X500 Proમાં 6.36-ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ એ લોકો માટે સારો વિકલ્પ હોય શકે છે, મોટા ફોનને બદલે થોડો કોમ્પેક્ટ સ્માર્ટફોન પસંદ છે.
બીજી તરફ, Vivo X500 Pro Maxમાં 6.85-ઇંચની 2K AMOLED ડિસ્પ્લે મળે છે. તે 144Hz રિફ્રેશ રેટ અને Dolby Visionને પણ સપોર્ટ મળે છે, જે મોટી સ્ક્રીન પર વીડિયો જોવા અને ગેમ રમવાનો અનુભવ વધુ સારો બનાવે છે. આ ત્રણેય ફોનમાં IP68 અને IP69 રેટિંગ સાથે આવે છે, જે ધૂળ અને પાણી સામે વધુ સારી સુરક્ષા પૂરી પાડે છે. જોકે, તેનો અર્થ એ નથી કે ફોનને જાણીજોઈને પાણીમાં નાખીને ઉપ.ગ કરી શકાય.
આ લોન્ચમાં Vivoએ ફોટોગ્રાફી સાથે સંબંધિત એસેસરીઝ રજૂ કરી છે. કંપનીની ‘ઈમેજિંગ કિટ’ રૂ.11,999માં ઉપલબ્ધ થશે, જ્યારે ‘પ્રો મેક્સ ફોટોગ્રાફી કિટ’ વાળા ફોનની કિંમત રૂ.2,29,999 રાખવામાં આવી છે. આ એસેસરીઝનો ફોનથી ફોટા અને વીડિયો બનાવનારાઓને કંટ્રોલ આપવાનો છે. આ ખાસ કરીને એવા લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે જેઓ સ્માર્ટફોનનો ઉપયોગ કરીને પ્રોફેશનલ સ્તરની ફોટોગ્રાફી અને વીડિયો રેકોર્ડિંગ કરવા માંગે છે.