fbpx

શું ઉંટડીનું દૂધ કેન્સર અને ડાયાબિટીસ સામે લડવામાં ફાયદાકારક છે? AIIMSના રિપોર્ટમાં અનોખા ગુણધર્મો બહાર આવ્યા

Spread the love

શું ઉંટડીનું દૂધ કેન્સર અને ડાયાબિટીસ સામે લડવામાં ફાયદાકારક છે? AIIMSના રિપોર્ટમાં અનોખા ગુણધર્મો બહાર આવ્યા

ઉંટડીનું દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ શું તે ભવિષ્યમાં કેન્સર, ડાયાબિટીસ અને ગંભીર ચેપની સારવારમાં મદદરૂપ થઈ શકે છે? દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના વૈજ્ઞાનિકોએ ઉંટડીના દૂધમાં જોવા મળતા લેક્ટોફેરિન નામના પ્રોટીન પર સંશોધન કર્યું છે. આ સંશોધનથી આશા જાગી છે કે આ પ્રોટીન આ રોગોની સારવારમાં ઉપયોગી થઈ શકે છે. આ સંશોધન આંતરરાષ્ટ્રીય જર્નલ પ્રોબાયોટિક્સ એન્ડ એન્ટિમાઇક્રોબાયલ પ્રોટીન્સમાં પ્રકાશિત થયું છે. અભ્યાસમાં બેક્ટેરિયા, વાયરસ અને કેન્સર કોષો સામે લડવાની આ ચોક્કસ પ્રોટીનની ક્ષમતા દર્શાવવામાં આવી છે. જો કે, આ પરિણામો ફક્ત પ્રારંભિક સંશોધન પર જ આધારિત છે.

11

AIIMS દિલ્હીના બાયોફિઝિક્સ વિભાગના પ્રોફેસર ડૉ. સુજાતા શર્માએ આ વિશે મીડિયા સૂત્રો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ સંશોધન ઉંટડીના દૂધમાં જોવા મળતા પ્રોટીન લેક્ટોફેરિન અને અન્ય ઘણા પ્રાણીઓના દૂધ પર પણ હાથ ધરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં ઉંટડીના દૂધમાં રહેલા લેક્ટોફેરિનની તુલના મનુષ્યો, ગાયો અને ઘોડાઓમાં જોવા મળતા લેક્ટોફેરિન સાથે કરવામાં આવી હતી. તેમાં જાણવા મળ્યું છે કે, ઉંટડીના દૂધમાં જોવા મળતું આ પ્રોટીન અનેક રોગોની સારવારમાં ફાયદાકારક છે, જોકે માનવોમાં તેની અસરકારકતા અને સલામતીને સમજવા માટે હજુ પણ મોટા પાયે ક્લિનિકલ ટ્રાયલ્સની જરૂર છે.

12

ઉંટડીના દૂધમાં રહેલું લેક્ટોફેરિન બેક્ટેરિયાને આયર્ન સુધી પહોંચતા અટકાવી શકે છે. આ પ્રોટીન એન્ટિબાયોટિક પ્રતિકાર સામે લડવામાં પણ મદદરૂપ છે. પ્રયોગશાળા થયેલા સંશોધન દર્શાવે છે કે, ગાયના દૂધમાં રહેલા લેક્ટોફેરિન કરતાં કેટલાક બેક્ટેરિયા પર તેની સારી અસર પડે છે. તે કેટલાક એન્ટિબાયોટિક્સની અસરકારકતા વધારવામાં પણ મદદ કરી શકે છે.

13

સંશોધનમાં આ પ્રોટીનના એન્ટિવાયરલ ગુણધર્મો પણ બહાર આવ્યા છે, જે હેપેટાઇટિસ C વાયરસ અને રોટાવાયરસ ચેપને રોકવાની તેની ક્ષમતા દર્શાવે છે. એમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે ઉંટડીના દૂધમાં રહેલું લેક્ટોફેરિન કેન્સર કોષોના વિકાસને રોકવામાં મદદ કરી શકે છે. તેમાં ઇન્સ્યુલિન વિના પણ ઇન્સ્યુલિન રીસેપ્ટર-સંબંધિત સંકેતોને સક્રિય કરવાની ક્ષમતા છે.

14

ડૉ. સુજાતા શર્માના મતે, ઉંટડીના દૂધમાં રહેલા આ પ્રોટીનના ગુણધર્મોને સમજવાથી નવી એન્ટિમાઇક્રોબાયલ દવાઓ, કેન્સર વિરોધી પ્રોટીન અને દવા પહોંચાડવાની વધુ સારી પદ્ધતિઓનો વિકાસ થઈ શકે છે. જોકે, આ સમયે એ કહેવું યોગ્ય રહેશે નહીં કે ઉંટડીનું દૂધ પીવાથી કેન્સર અથવા ડાયાબિટીસ મટી શકે છે. આ માટે માનવો પર ક્લિનિકલ ટ્રાયલ હોવા જરૂરી છે.

Leave a Reply

error: Content is protected !!