
પશ્ચિમ બંગાળમાં બિસ્લેરી ઇન્ટરનેશનલના ઉત્પાદન એકમમાંથી લેવામાં આવેલા બોટલબંધ પાણીના નમૂના લેબ ક્વાલિટી ટેસ્ટમાં ફેઇલ થઈ જતા વધુ નિયમનકારી કાર્યવાહીનો સામનો કરી રહી છે. PTIના અહેવાલ મુજબ, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ ખાદ્ય સુરક્ષા નિયમોના કથિત ઉલ્લંઘન બદલ કંપની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી આપી છે. બોટલબંધ પાણીમાં દૂષણ હોવાની ચિંતાઓને કારણેખાદ્ય સુરક્ષા નિયામકે દેશભરમાં પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર બ્રાન્ડ્સની તપાસમાં વધારો કર્યો છે.

PTIના સૂત્રોના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના તેલીપાડા ગામમાં આવેલા બિસ્લેરી પ્લાન્ટમાંથી લેવામાં આવેલા પાણીના નમૂનાઓમાં કોલિફોર્મ બેક્ટેરિયા મળી આવ્યા છે. પ્રાથમિક તપાસ કરનારી લેબ અને રેફરલ લેબ બંનેએ આ બેક્ટેરિયાની હાજરીની પુષ્ટિ કરી છે. કોલિફોર્મ બેક્ટેરિયાની હાજરી એ સૂચવી શકે છે કે પાણી સીવેજના સંપર્કમાં આવ્યું છે એટલે કે પાણીની પાઈપલાઈનમાં ખામી છે. આ પરિણામ બાદ, FSSAIએ 12 ઓગસ્ટ, 2026ના રોજ પાણીના એક બેચના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે નિયામકે આ મામલે બિસ્લેરી ઇન્ટરનેશનલ સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે.
તાજેતરમાં જ બિસ્લેરી સાથે જોડાયેલી આ બીજી મોટી ઘટના છે. અગાઉ, FSSAIએ કંપનીના ગોવા એકમમાંથી લેવામાં આવેલા પાણીના એક નમૂનાને અસુરક્ષિત જાહેર કર્યું હતું, કારણ કે તેમાં બ્રોમેટનું પ્રમાણ નિર્ધારિત ધોરણો કરતા વધુ જોવા મળ્યું હતું. કંપનીની અપીલ બાદ એક રેફરલ લેબોરેટરીએ નમૂનાનું ફરીથી તપાસ કરી હતી, જેમાં ‘પોલીસાયક્લિક એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ’ (PAHs) મળી આવ્યા હતા.
બિસ્લેરીએ આ અંગે પ્રતિક્રિયા આપતા દાવો કર્યોછે કે તેમનું પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર પીવા માટે સુરક્ષિત છે. કંપનીનું કહેવું છે કે તે એક એવી ઉત્પાદન પ્રક્રિયાનું પાલન કરે છે, જેમાં 10 તબક્કાઓમાં 90થી વધુ ક્વોલિટી ચેક કરવામાં આવે છે અને તેઓ નિયામક સાથે સંપૂર્ણ સહકાર આપશે. કંપનીએ એ પણ સ્વીકાર્યું કે અગાઉ લેવામાં આવેલા એક નમૂનામાં પ્રતિ લિટર 12 માઇક્રોગ્રામ બ્રોમેટ હતું, જે 10 માઇક્રોગ્રામની નિર્ધારિત મર્યાદા કરતા વધુ હતું, પરંતુ ત્યારબાદ કરવામાં આવેલા સ્વતંત્ર તપાસમાં આ પ્રમાણ નિર્ધારિત ધોરણોની અંદર જ જોવા મળ્યું હતું.

FSSAIએ બિસ્લેરી, એક્વાફિના અને કિનલી સહિત ઘણાં પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર બ્રાન્ડ્સની તપાસનો વ્યાપ વધાર્યો છે. તેના CEO, રજિત પુન્હાનીએ જણાવ્યું હતું કે દેશભરમાં નમૂના એકત્ર કરવા અને પ્રયોગશાળામાં પરીક્ષણ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેના પરિણામો એકથી બે મહિનામાં આવવાની અપેક્ષા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ અભિયાનનો ઉદ્દેશ્ય નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનો છે, ન કે જનતામાં ગભરાટ પેદા કરવાનો.