
અફઘાનિસ્તાનના ઉત્તરીય બલ્ખ પ્રાંતમાં તાલિબાન સત્તાવાળાઓએ તબીબી રેકોર્ડ અને પ્રિસ્ક્રિપ્શન સહિત સત્તાવાર દસ્તાવેજોમાં મહિલાઓના નામનો ઉપયોગ કરવા પર પ્રતિબંધિત લગાવ્યો હોવાના અહેવાલ છે.
આરોગ્યસંભાળ કર્મચારીઓને મહિલા દર્દીઓને ‘બીબી’ (જેનો અર્થ દાદી અથવા વૃદ્ધ મહિલા) તરીકે સંબોધવા સૂચના આપવામાં આવી છે. સ્પેનિશ અખબાર El Paisએ અફઘાન મીડિયા સૂત્રોની માહિતીના આધારે આ આદેશ અંગે અહેવાલ આપ્યો છે. એવી ચિંતા છે કે આ પ્રતિબંધ દેશના અન્ય ભાગોમાં પણ લાગુ કરી શકાય છે.

અહેવાલો અનુસાર, બલ્ખમાં હોસ્પિટલ સ્ટાફ અને અન્ય સરકારી કર્મચારીઓને મહિલાઓના નામનો ઉપયોગ ન કરવા કહેવામાં આવ્યું છે. જર્મનીમાં રહેતા અફઘાન મહિલા અધિકાર કાર્યકર્તા લાલા ઓસ્માનીએ El Paisને જણાવ્યું હતું કે, મહિલાઓ, ડોકટરો અને નાગરિક અધિકાર કાર્યકરોના પુરાવા સૂચવે છે કે કેટલીક મહિલાઓને બકરી અથવા ગાય જેવા અપમાનજનક શબ્દોથી સંબોધવામાં આવી રહી છે.
ઉસ્માનીએ મીડિયા સૂત્રોને જણાવ્યું કે, ‘આ એક વ્યવસ્થિત પ્રક્રિયા છે કે લોકોને માણસ તરીકે ન ગણીએ.’ એક અફઘાન કાર્યકર્તાએ El Paisને આ આદેશની પુષ્ટિ કરી. જોકે, તેમણે એમ પણ કહ્યું કે હજુ સુધી આ આદેશ પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી.
મહિલા અધિકારો માટે કામ કરતી સંસ્થા ફેમેનાના અફઘાનિસ્તાન કાર્યક્રમના વડા ઝુબૈદા અકબરે ચેતવણી આપી હતી કે, આ પ્રતિબંધ આખરે દેશભરમાં લાગુ થઈ શકે છે. તેમણે અગાઉની ઘટનાઓ તરફ ધ્યાન દોર્યું હતું, જેમાં સ્થાનિક રીતે લાગુ કરાયેલા પગલાં પાછળથી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યા હતા.

El Paisના જણાવ્યા મુજબ, ફેમેનાએ મહિલાઓના અધિકારોને પ્રતિબંધિત કરતા 144થી વધુ આદેશોનું દસ્તાવેજીકરણ કર્યું છે. આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે 2021માં તાલિબાન સત્તામાં આવ્યા પછી મહિલાઓ પર અસંખ્ય પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
12 વર્ષની ઉંમર પછી છોકરીઓને શિક્ષણ મેળવવાથી પ્રતિબંધિત કરવામાં આવે છે, જ્યારે મહિલાઓને મોટાભાગના વ્યવસાયોમાંથી બાકાત રાખવામાં આવે છે અને જાહેરમાં બોલવાથી પણ પ્રતિબંધિત કરવામાં આવે છે. આ પ્રતિબંધોએ આરોગ્યસંભાળની ઍક્સેસ પર પણ અસર કરી છે. ઘણા પ્રાંતોમાં એવા અહેવાલો છે કે પુરુષ ડોકટરોને મહિલા દર્દીઓની સારવાર કરવાથી રોકવામાં આવ્યા છે.
મહિલાઓ આરોગ્યસંભાળ ક્ષેત્રમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવેલા થોડા જૂથોમાં શામેલ છે, પરંતુ ડિસેમ્બર 2024માં, તાલિબાને મહિલાઓને તબીબી ક્ષેત્રોમાં તાલીમ આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
યુનિસેફે ચેતવણી આપી છે કે, આ પ્રતિબંધોએ બેવડી કટોકટી ઉભી કરી છે. તાલીમ પામેલી મહિલા આરોગ્ય કાર્યકરો કાં તો તેમની નોકરી છોડી રહી છે અથવા નિવૃત્ત થઈ રહી છે, અને નવી મહિલાઓને તેમની જગ્યાએ લેવાની મંજૂરી નથી.

2024ના UN રિપોર્ટમાં અફઘાન મહિલાઓને સત્તાવાર દસ્તાવેજો મેળવવામાં આવતી મુશ્કેલીઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. મહિલાઓને સામાન્ય રીતે આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પુરુષ સાથીની જરૂર પડે છે, જે મહિલાઓ માટે મુશ્કેલીઓ ઊભી કરે છે જે ઘરના વડા હોય છે અથવા જેમની સાથે પુરુષ સંબંધી ન હોય છે.
આરોગ્યસંભાળ, શિક્ષણ, માનવતાવાદી સહાય અને બેંકિંગ સેવાઓ મેળવવા માટે આ દસ્તાવેજોની ઘણીવાર જરૂર પડે છે. પ્રતિબંધો હોવા છતાં, કેટલીક મહિલાઓ હજુ પણ વ્યવસાયો ચલાવી રહી છે અને ખાનગી રીતે શાળાઓ ચલાવી રહી છે.
17 નવેમ્બરના રોજ પ્રકાશિત એક સમાચાર એજન્સીના અહેવાલમાં, કાબુલના એક બ્યુટી સલૂનના માલિકે કહ્યું, ‘પરંતુ હવે તેઓ આ કરવાની પણ મંજૂરી આપશે નહીં. અફઘાનિસ્તાનમાં મહિલાઓ માટે કામ કરવું ગુનો બની ગયું છે.’ એક ખાનગી રીતે શાળામાં કામ કરતી સહાયક શિક્ષિકાએ કહ્યું, ‘અમે તે શક્યતાથી ખૂબ જ ડરી રહ્યા છીએ.’ અહીં તે ધરપકડની શક્યતાનો ઉલ્લેખ કરી રહી હતી.