
અમદાવાદના મકરબાથી શરૂ થઈને કોર્પોરેટ રોડ ચાર રસ્તા ખાતે પૂરો થતા ઓવરબ્રિજ પાસે આગામી સમયમાં સિગ્નલ શરૂ થાય તેવી પ્રબળ શક્યતાઓ વધી ગઇ છે. 26 નવેમ્બરે બપોરે N ડિવિઝન ટ્રાફિક પોલીસના ઇન્સ્પેક્ટર અને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા સિગ્નલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યાં બેરિકેડ લગાવ્યા છે. A બેરિકેડ હટાવવા માટે પોલીસ દ્વારા કોર્પોરેશનને તાકીદ કરવામાં આવી છે. વહેલામાં વહેલી તકે ચાર રસ્તા પર સિગ્નલ ચાલુ કરવામાં આવશે, તેવું પણ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું. મકરબા રેલવે ઓવરબ્રિજ આગળ બનાવવામાં આવેલું કેપ્સ્યૂલ પણ હટાવવામાં આવશે.

ન્યૂઝ18 વાહનચાલકોની સુવિધા માટે AMC અને પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત મકરબા બ્રિજના છેડા અને કોર્પોરેટ રોડ પરના ચાર રસ્તા પર નવા ટ્રાફિક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે મકરબા બ્રિજથી એસ.જી. હાઈવે તરફ જવાનો રસ્તો પણ પહોળો કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ટૂંક સમયમાં જ આ કેપ્સ્યૂલ તોડી પાડીને ટ્રાફિક સિગ્નલ એક્ટિવ કરી દેવામાં આવશે, જેનાથી હજારો વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી મોટી રાહત મળશે.
GSTVના અહેવાલ મુજબ, અમદાવાદના મકરબાથી કોર્પોરેટ રોડને જોડતા નવતર ઓવરબ્રિજનું લોકાર્પણ થયું, ત્યારથી જ સતત વિવાદોના ઘેરામાં રહ્યો છે. બ્રિજ કોર્પોરેટ રોડના ચાર રસ્તે જ પૂરો થતો હોવાને કારણે અહીં સર્જાતી ગંભીર અકસ્માતની સંભાવનાઓ અને ભારે ટ્રાફિકજામને પગલે તંત્રની બેદરકારી સામે અગાઉ અનેક સવાલો ઉઠ્યા હતા. બ્રિજ ઉતરતાની સાથે જ બનાવવામાં આવેલા કેપ્સ્યૂલના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો અને પીક અવર્સમાં ચક્કાજામના દૃશ્યો સર્જાતા હતા. બ્રિજની ડિઝાઇન સામે વારંવાર ઉઠેલા સવાલો બાદ આખરે તંત્રએ આ સુધારો કરવાની ફરજ પડી છે. જો કે, આ વિવાદ વચ્ચે ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ નાખવાની કામગીરી હવે પૂર્ણ થવાના આરે હોવાનું તંત્રએ જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, N ડિવિઝન ટ્રાફિક પોલીસના ઇન્સ્પેક્ટર અને કોર્પોરેશનના અધિકારીઓએ રૂબરૂ સ્થળ પર બપોરે મુલાકાત લીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, મીટર લાગી ગયા બાદ આગામી બે-ત્રણ દિવસમાં સિગ્નલ ચાલુ કરી દેવામાં આવશે. જેને લીધે લોકોને 200 મીટરનો ફેરો મારવો પડશે નહીં. જો કે, કેપ્સુલ સિસ્ટમ હટી જતા ફરી ત્યાં ટ્રાફિક જામની સમસ્યાઓ થવાની શક્યતા છે. તેમજ સિગ્નલ પર લોકોએ ઊભા રહેવું પડશે અને આ દરમિયાન અમુક સેકન્ડો સુધી ટાઈમ બગડશે.