fbpx

પરિવારના 7 સભ્યોનું કાસળ કાઢીને જંગલમાં ફેંકી દીધા, પ્રેસ સ્ટીકર્સનો ઉપયોગ કરીને…

Spread the love
પરિવારના 7 સભ્યોનું કાસળ કાઢીને જંગલમાં ફેંકી દીધા, પ્રેસ સ્ટીકર્સનો ઉપયોગ કરીને...

બેંગલુરુના એક કેબ ડ્રાઈવર પર તેની પત્નીના પરિવારના 7 સભ્યોની હત્યા કરવાનો આરોપ છે. આ કેસને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીએ પોલીસ તપાસથી બચવા માટે ‘પાર્ટ-ટાઇમ અખબાર પ્રકાશક’ની ઓળખનો ઉપયોગ કર્યો હતો. આ ઓળખના સહારે કર્ણાટકથી તમિલનાડુ ભાગી ગયો હતો અને બંને રાજ્યોમાં વારંવાર પોતાનું લોકેશન બદલતો રહ્યો હતો. જે લોકેશન પર આરોપી ગયો ત્યાં તેણે મૃતદેહોનો નિકાલ પણ કર્યો હતો.

આરોપીની ઓળખ 52 વર્ષીય એસ. ઇન્દુશેખર તરીકે થઈ છે. તેણે ‘થાના વર્દી’ નામના માસિક પ્રકાશન માટે ‘પ્રેસ’ લખેલા સ્ટીકરો અને પત્રકારોની ધાર્મિક યાત્રા લખેલા એક બેનરનો ઉપયોગ કર્યો. તેણે આનું પ્રકાશન આ વર્ષે જાન્યુઆરીમાં જ શરૂ કર્યું હતું. ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, તેણે મૃતદેહોનો નિકાલ પ્લાસ્ટિક અને ચાદરમાં વીંટાળીને કર્યો હતો. મૃતદેહોનો નિકાલ કરતી વખતે તેણે પોતાની કારની નંબર પ્લેટ છુપાવવા માટે પ્રેસ લખેલા સ્ટીકરો અને બેનરોનો ઉપયોગ કર્યો હતો.

murder

તપાસમાં સામેલ એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, તેણે ગુનો આચરતી વખતે પોલીસ તપાસથી બચવા માટે પત્રકારની ઓળખનો ઉપયોગ કર્યો હતો. પકડાઈ ન જવાય તે માટેની આ તેની રણનીતિ હતી.

પ્રેસ રજિસ્ટ્રાર ઓફ ઈન્ડિયાના રેકોર્ડ મુજબ, થાના વર્દી આ વર્ષે 21 જાન્યુઆરીએ કન્નડ અને અંગ્રેજી ભાષામાં માસિક પ્રકાશન તરીકે નોંધાયું હતું. બેંગલુરુ ગ્રામ્ય વિસ્તાર સાથે સંકળાયેલું આ પ્રકાશનના તંત્રી અને પ્રકાશક તરીકે ઇન્દુશેખરનું નામ નોંધાયેલું છે. આઠ દિવસ પોલીસ કસ્ટડીમાં રહ્યા બાદ, ઇન્દુશેખરને હવે જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. ત્યારબાદ તેને ક્રાઇમ સીનવાળે ઘરે પણ લઈ જવામાં આવ્યો હતો, સાથે જ તે પહાડી વિસ્તારોમાં પણ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેણે મૃતદેહોનો નિકાલ કર્યો હતો.

murder2

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇન્દુશેખરે હત્યાઓ કરી હોવાની કબૂલાત કરી છે. તે એકદમ શાંત હતો અને તેના ચહેરા પર પસ્તાવાનો કોઈ ભાવ જોવા મળ્યો નહોતો. આ કેસના સંબંધમાં તેની સગીર પુત્રીની પણ અટકાયત કરવામાં આવી છે; તેને ‘જુવેનાઈલ જસ્ટિસ એક્ટ’ હેઠળ કસ્ટડીમાં લેવામાં આવી છે અને હાલમાં તેને કિશોર સુધાર ગૃહમાં રાખવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે ઈન્દુશેખરે તેની સગીર પુત્રીનું ‘બ્રેઈનવોશ’ કર્યું હતું અને તેને એવો વિશ્વાસ અપાવ્યો હતો કે જો તેની પત્નીના પરિવારના સભ્યોની હત્યા કરવામાં આવે, તો તેમનું જીવન સુધરી જશે. આ કાર્યવાહી ત્યારે થઇ જ્યારે પીડિતોમાંથી એકની માતા દ્વારા શ્રીરામપુરા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ઈન્દુશેખરની 4 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ રાજાજીનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે, કારણ કે હત્યાઓ કથિત રીતે તેના ભાડાના મકાનમાં કરવામાં આવી હતી. ઈન્દુશેખર પર તેની પત્ની સુનિતા એમ.જે. અને તેની 65 વર્ષીય માતા રૂપાવતીની હત્યા કરવાનો આરોપ છે. તેના પર તેની પત્નીના મોટા ભાઈ શિવકુમાર, તેની પત્ની દિવ્યા અને તેના 7 વર્ષીય પુત્ર પુનીતની હત્યા કરવાનો પણ આરોપ છે. આ ઉપરાંત, 31 ઓક્ટોબરે તેણે કથિત રીતે અન્ય સાળો 44 વર્ષીય શંકર અને તેમની પત્ની નલિનીની પણ હત્યા કરી હતી.

પોલીસને શંકા છે કે આ હત્યાઓ પાછળનો હેતુ મિલકત હડપવાનો હતો. આ જમીન તેના સસરાના નામે નોંધાયેલી છે, જેનો કબજો સાસુ પાસે હતો. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ઓક્ટોબરના અંતમાં 15 દિવસના ગાળામાં થયેલી આ સિલસિલેવાર હત્યાઓને અલગ-અલગ ઘટનાઓની જગ્યાએ એક જ ગુનો માનવામાં આવી રહ્યો છે. તપાસના આગામી તબક્કામાં, મૃતદેહોની ઓળખ માટે DNA વિશ્લેષણ કરવામાં આવશે, જેના માટે પીડિતોના સંબંધીઓના નમૂના લેવામાં આવશે.

Leave a Reply

error: Content is protected !!