fbpx

સુરતમાં ભાજપ જીતી ગયું છતાં તેના યુવા સમર્થકો કેમ નિરાશ છે?

Spread the love

સુરતમાં એક ઐતિહાસિક ઘટના બની ગઇ. લોકસભા 2024નું 7મે 2024ના દિવસે મતદાન છે અને સુરત લોકસભા બેઠકો પર મત આપવા માટે લોકોનો થનગનાટ હતો, પરંતુ 20 મેના દિવસે અચાનક કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવાના સમાચાર સામે આવ્યા અને બે દિવસ સુધી હાઇ વોલ્ટેજ ડ્રામા પછી આખરે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું અને તેની સાથે અપક્ષ ઉમેદવારોએ પણ ફોર્મ ખેંચી લીધા તેમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બેઠો લાડવો મળી ગયો અને તેમને બિનહરિફ જાહેર કરી દેવામાં આવ્યા. ભાજપ માટે તો ખુશીની વાત હતી કે સુરતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક બેઠક જીતીને મોટી ભેટ આપી દીધી, પરંતુ જે લોકો પહેલીવાર મત આપવાના હતા, જે લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જીતાડવાના અરમાનો રાખતા હતા, જે લોકો લોકશાહી પ્રણાલીને, લોકસભા ચૂંટણીને મહાન પર્વ માનતા હતા એ બધા લોકોને વસવસો રહી ગયો કે અમને મત આપવા ન મળ્યો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મત આપવાની ઇચ્છા મનની મનમાં જ રહી ગઇ.

સુરતમાં લોકસભા બેઠક બિનહરિફ જાહેર થઇ પછી આ બાબતે શહેરમાં ભારે ચર્ચા ચાલી રહી છે કે, આ જે થયું તે ખોટું થયું. કેટલાંક લોકોએ વસવસો વ્યક્ત કર્યો તો કેટલાંક લોકોએ ખુશી પણ વ્યક્ત કરી કે સુરત આ ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યું.

સુરતની ચૂંટણી રદ થવાને કારણે કાર્યકરોનો પણ મૂડ મરી ગયો છે. રેલી કાઢવી, પાર્ટી કાર્યાલય પર નાસ્તાની મહેફિલ જયાફત માણવાનું બધું બંધ થઇ ગયું. રાત્રે જે માહોલ જામતો હતો તે પણ હવે નહીં રહે.

Khabarchhe.Com શહેરના કેટલાંક યુવા મતદારો સાથે વાત કરી હતી અને તેમની પ્રતિક્રિયા જાણવાની કોશિશ કરી હતી કે તેઓ સુરત લોકસભાની બેઠક બિનહરિફ જાહેર થયા પછી હવે જયારે સુરત બેઠકની ચૂંટણી થવાની નથી તો તેમનું શું માનવું છે?

રાજ શાહ, સ્ટુડન્ટ છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે, રાજ શાહે કહ્યુ કે, હું મતદાનના દિવસની રાહ જોતો હતો કે મારો કિંમતી મત હું આપી શકું, પરંતુ સુરત લોકસભાની ચૂંટણી રદ થવાને કારણે મને વસવસો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસના અનેક કામો કરેલાં છે તો યુવાનોમાં તેમને જીતાડવાનો થનગનાટ હતો.

સુરતના જાણીતા AVF સ્ટુડીયોની ડિરેકટર આસ્કા ભક્તાએ કહ્યું કે, ચૂંટણીમાં જે ગ્રેટ ફીલીંગ હતું તે હવે નહીં આવે. કોઇ પણ વ્યકિત ર્સ્પધા કરીને કે લડત આપીને જીતે તો તેની મજા અલગ હોય છે. આસ્કાએ કહ્યું કે, સુરત લોકસભાની બેઠક પર હવે મતદાન નહીં થાય તો મને તો અધુર અધુરુ લાગે છે. લોકશાહી દેશમાં બે પાર્ટીઓ વચ્ચે તંદુરસ્ત ચૂંટણી થવી જોઇએ. એક સેલિબ્રેશનની તક જતી રહી. ભક્તાએ કહ્યું કે, મારી માતાએ મત આપવા માટે ઇલેકશન કાર્ડમાં સુધારો કરવા ઘણી મહેનત કરી, પરંતુ હવે વોટ આપી શકશે નહીં તો મારી માતાને પણ ભારોભાર અફસોસ છે.નવા વોટર્સને પણ પહેલીવાર મત આપવાનો ચાન્સ મળ્યો હતો તે નહીં મળે.

એલ. પી, સવાણી વિદ્યાભવના આચાર્ય પ્રતિમા સોનીએ તેમનો પ્રતિભાવ આપતા કહ્યું હતું કે, મતદાન તો થવું જોઇતું હતું. સુરત લોકસભા બેઠક પર બિનહરિફ જાહેર થવાને કારણે મત આપવાનો જે થનગનાટ હતો તે સાવ ઓસરી ગયો. મારા જેવા અનેક મતદારો છે જેમને સુરત બેઠક પર મત નહીં આપવાનો વસવસો છે.

આંતરારાષ્ટ્રીય ખ્યાત મહેંદી આર્ટિસ્ટ અને MehndiCultrના નિમિષા પારેખે કહ્યું હતું કે, લોકશાહીમાં મતદાન આપવાનો બધાને અધિકાર છે અને મત આપવો જ જોઇએ, પરંતુ સુરત લોકસભા બેઠક પર જે કઇં થયું તેને કારણે મત નહીં આપી શકાશે તેનો મોટો વસવસો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એવા કામ કર્યા છે જેને કારણે ભારતની શાખ આંતરારાષ્ટ્રીય સ્તરે ઉજળી છે. કમસે કમ ભાજપને મત આપતે તો એટલી હૈયા ધરપત થતે કે નરેન્દ્ર મોદીને જીતાડવામાં અમારો પણ હિસ્સો છે.

ડો. રિંકલ ક્લિનીકના રિંકલ જરીવાળાએ કહ્યુ કે, કદાચ ઇતિહાસમાં પહેલીવાર આવું થયુ કે સુરત લોકસભાની બેઠક બિનહરિફ જાહેર થઇ, મને તો આ વાતની ખુશી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અબ કી બાર 400 પારનો લક્ષ્યાંક રાખેલો છે તો તેમાં સુરતે પહેલી મોટી ભેટ આપીને જીતના શ્રીગણેશ કરી દીધા છે.

error: Content is protected !!
%d bloggers like this: