સુપ્રીમ કોર્ટે શુક્રવારે મુંબઈની એક કોલેજમાં હિજાબ પરના પ્રતિબંધના અમલ પર 18 નવેમ્બર સુધી આંશિક સ્ટે લગાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી કરી રહેલી બેન્ચે કોલેજ કેમ્પસમાં હિજાબ, ટોપી અથવા બેજ પહેરવા પર પ્રતિબંધ મૂકતા પરિપત્ર પર સ્ટે મૂકતા પૂછ્યું કે, શું તમે છોકરીઓને ચાંદલા કે તિલક લગાવવા પર પ્રતિબંધ મૂકશો?
સુપ્રીમ કોર્ટે કૉલેજ પ્રશાસનને કહ્યું કે, ‘વિદ્યાર્થીઓને તેઓ શું પહેરે છે તે પસંદ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ અને કૉલેજ તેમને આવું કરવા દબાણ ન કરી શકે… દુર્ભાગ્યપૂર્ણ છે કે, તમને અચાનક ખ્યાલ આવે છે કે દેશમાં ઘણા ધર્મો છે.’ કોલેજે દલીલ કરી હતી કે, મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવાની મંજૂરી આપવાથી, હિન્દુ વિદ્યાર્થીઓ કેસરી શાલ પહેરીને આવવાનું શરૂ કરશે, કારણ કે રાજકીય તત્વો આ પરિસ્થિતિનો લાભ લઈ શકે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ‘બુરખા, હિજાબ’ અંગેના તેના વચગાળાના આદેશનો દુરુપયોગ ન થવો જોઈએ અને મુંબઈની કોલેજને આ મુદ્દે કોર્ટનો સંપર્ક કરવાની સ્વતંત્રતા આપી છે. વધુમાં, કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, છોકરીઓ વર્ગખંડમાં બુરખા પહેરી શકતી નથી અને કેમ્પસમાં ધાર્મિક પ્રવૃત્તિઓને મંજૂરી નથી.
સુપ્રીમ કોર્ટ કોલેજ કેમ્પસમાં હિજાબ, બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકવાના મુંબઈ કોલેજના નિર્ણયને યથાવત રાખતા બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજદારોએ આગામી યુનિટ ટેસ્ટને કારણે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. 26 જૂને હાઈકોર્ટે કોલેજના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.
હાઈકોર્ટે કહ્યું હતું કે, આવા નિયમો વિદ્યાર્થીઓના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતા નથી અને શૈક્ષણિક સંસ્થામાં ડ્રેસ કોડનો હેતુ શિસ્ત જાળવવાનો છે, જે કોલેજની સ્થાપના અને વહીવટના મૂળભૂત અધિકારનો એક ભાગ છે. બોમ્બે હાઈકોર્ટે પ્રતિબંધ સામેની અરજીને ફગાવી દીધી અને કહ્યું કે ડ્રેસ કોડ ધર્મ કે જાતિને ધ્યાનમાં લીધા વિના તમામ વિદ્યાર્થીઓને લાગુ પડે છે.
મુંબઈની એક કૉલેજના સાયન્સ ડિગ્રી કોર્સના બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓએ બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, અને કહ્યું હતું કે ડ્રેસ કોડ લાગુ કરવાનો કૉલેજનો નિર્દેશ તેમના ધર્મ પાળવાના મૂળભૂત અધિકાર, ગોપનીયતાના અધિકાર અને પસંદગીના અધિકારનું ઉલ્લંઘન છે. તેણે પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે કોલેજની કાર્યવાહી ‘મનસ્વી, અન્યાયી, ખોટી અને વિકૃત હતી.’
અગાઉ, સુપ્રીમ કોર્ટમાં બે ન્યાયાધીશોની બેન્ચે 13 ઓક્ટોબર, 2022ના રોજ કર્ણાટકથી ઉદ્ભવેલા હિજાબ વિવાદમાં વિરોધી ચુકાદો આપ્યો હતો. કર્ણાટકની તત્કાલીન BJPની આગેવાની હેઠળની રાજ્ય સરકારે ત્યાંની શાળાઓમાં ઇસ્લામિક રીતે માથું ઢાંકવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જેને લઈને મોટા પાયે રાજકીય વિવાદ ઉભો થયો હતો.