વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ આવનારા સમયમાં 100 કરોડથી વધુ યુવાનો બહેરાશ અથવા સાંભળી ન શકવાની સમસ્યા સામે ઝઝૂમશે. મેક લિસનિંગ સેફ માર્ગદર્શિકામાં, WHOએ સલાહ આપી છે કે ઇયરફોન, ઇયરબડ અથવા હેડફોનના ઉપયોગથી થતી આ સમસ્યાથી બચો.
તમે મેટ્રો, ટ્રેન, પાર્ક કે અન્ય કોઈપણ સાર્વજનિક સ્થળે એવા લોકોને જોયા હશે કે જેઓ કાનમાં ઈયરફોન પહેરીને આસપાસના વાતાવરણથી સાવ અજાણ થઇ જતા હશે. ઘણી વખત તેમની આસપાસ કંઈક બનતું હોય છે પરંતુ તેનો અવાજ તેમના કાન સુધી પહોંચતો નથી. આવું ઈયરફોન, ઈયરબડ કે અન્ય સાંભળવાના ઉપકરણોને કારણે થાય છે, પરંતુ કલ્પના કરો કે, ભવિષ્યમાં લોકો ખરેખર બહેરા થઈ જશે તો શું થશે? લોકો એક સાથે બેઠા હોય પણ તેઓ એકબીજાની વાત જ ન સાંભળી શકતા હોય તો શું થશે? આ વિચારીને ભલે તમે ડરી ગયા હશો પણ આ સાચું થવા જય રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આવનારા સમયમાં દુનિયાભરમાં 100 કરોડથી વધુ લોકો બહેરા થઈ શકે છે અને તેની પાછળનું કારણ કોઈ રોગચાળો નહીં, પરંતુ લોકોનો એક શોખ જવાબદાર હશે.
WHOની મેક હિયરિંગ સેફ માર્ગદર્શિકામાં એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે, 2050 સુધીમાં વિશ્વભરમાં 100 કરોડથી વધુ યુવાનો બહેરા બની શકે છે. આ યુવાનોની ઉંમર પણ 12 થી 35 વર્ષની વચ્ચે હશે. ગાઈડલાઈન્સ કહે છે કે, સાંભળવાની આપણી ખરાબ ટેવને કારણે આવું થશે.
માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે, હાલમાં 12 થી 35 વર્ષની વયના લગભગ 50 કરોડ લોકો વિવિધ કારણોસર સાંભળવાની ખોટ અથવા બહેરાશની સમસ્યાથી પીડિત છે. તેમાંથી 25 ટકા એવા છે કે જેઓ તેમના અંગત ઉપકરણો જેવા કે ઈયરફોન, ઈયરબડ, હેડફોન પર ખૂબ જ મોટા અવાજે સતત કંઈક કે કંઇક સાંભળવા ટેવાઈ ગયા હોય છે. જ્યારે લગભગ 50 ટકા લોકો એવા છે કે, જેઓ મનોરંજનના સ્થળો, ક્લબ, ડિસ્કોથેક, સિનેમા, ફિટનેસ ક્લાસ, બાર અથવા અન્ય જાહેર સ્થળો પર લાંબા સમય સુધી મોટેથી વાગતા સંગીતના સંપર્કમાં રહે છે. આવી સ્થિતિમાં જોરથી મ્યુઝિક સાંભળવાનો કે ઈયરબર્ડના ઉપકરણોનો વધુ પડતો ઉપયોગ કરવાનો શોખ તમને બહેરા બનાવી શકે છે.
સામાન્ય રીતે વ્યક્તિગત ઉપકરણોમાં વોલ્યુમ સ્તર 75 ડેસિબલથી 136 ડેસિબલ સુધી હોય છે. વિવિધ દેશોમાં તેનું મહત્તમ સ્તર પણ અલગ હોઈ શકે છે. જો કે, વપરાશકર્તાઓએ તેમના ઉપકરણોનું વોલ્યુમ 75 dBથી 105 dBની વચ્ચે રાખવું જોઈએ અને તેનો મર્યાદિત સમય માટે ઉપયોગ કરવો જોઈએ. આનાથી ઉપર જવું એ કાન માટે ખતરો છે.
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, નવી દિલ્હી ખાતે ENTના પ્રોફેસર ડૉ.B.P. શર્મા કહે છે કે, ઉપકરણોમાં આવતું વોલ્યુમ પણ ઘણું વધારે છે. કાન માટે સૌથી સુરક્ષિત વોલ્યુમ 20 થી 30 ડેસિબલ્સ છે. આ તે વોલ્યુમ છે, જેમાં બે લોકો સામાન્ય રીતે બેસીને શાંતિથી વાત કરે છે. વધુ પડતા અવાજના સતત સંપર્કમાં રહેવાથી કાનની સંવેદનાત્મક કોષોને નુકસાન થાય છે.
ડૉ.શર્મા કહે છે કે, સૌથી ખરાબ વાત એ છે કે, ઉપકરણોના ઉપયોગથી થતી બહેરાશ ક્યારેય મટતી નથી. જોરદાર અવાજોના સતત અને લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાને કારણે, ઉચ્ચ આવર્તન જ્ઞાનતંતુઓને નુકસાન થાય છે. તે ઈલાજથી ઠીક કરી શકાય તેવું નથી. નર્વને મટાડવા માટે ન તો કોઈ સર્જરી છે કે ન તો કોઈ દવા. તેથી, બહેરાશ માટે આ બધા ઉપકરણોથી બચવું એ જ એકમાત્ર ઉપચાર છે.