SEBIના ચેરપર્સન માધબી પૂરી બુચ અને તેમના પતિ ધવલ બુચે રવિવારે અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ તરફથી લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપતા એક વિસ્તૃત નિવેદન જાહેર કર્યું. હિંડનબર્ગે પોતાના નવા રિપોર્ટમાં અદાણી ગ્રુપ અને SEBI ચીફ માધબી પૂરી બુચ વચ્ચે લીક હોવાનો દાવો કરતા આરોપ લગાવ્યા છે કે વ્હિસલબ્લોઅર તરફથી મળેલા દસ્તાવેજોથી ખબર પડે છે જે ઓફશોર સંસ્થાઓનો ઉપયોગ અદાણી મની સાઇફનિંગ સ્કેન્ડલમાં થયો, તેમાં SEBI અધ્યક્ષની હિસ્સેદારી હતી. બુચ દંપતીએ કહ્યું કે, ફંડમાં તેમનું રોકાણ માધબી SEBIમાં સામેલ થઇ તેના 2 વર્ષ અગાઉ કરવામાં આવ્યું હતું.
નિવેદનમાં બુચ દંપતીએ કહ્યું કે, તેમણે 2015માં 360 વન એસેટ એન્ડ વેલ્થ મેનેજમેન્ટ (જે પહેલા IIFL વેલ્થ મેનેજમેન્ટ હતી) દ્વારા સંચાલિત IPE પ્લસ ફંડ 1માં રોકાણ કર્યું હતું. આ રોકાણ તેમની તરફથી માધબીના પૂર્ણકાલીન સભ્યના રૂપમાં SEBI જોઇન કરવાથી 2 વર્ષ અગાઉ ત્યારે કર્યું હતું, જ્યારે બંને અંગત નાગરિકના રૂપમાં સિંગાપુરમાં રહેતા હતા. નિવેદન મુજબ, આ ફંડમાં રોકાણનો નિર્ણય એટલે લેવામાં આવ્યો કેમ કે મુખ્ય રોકાણ અધિકારી અનિલ આહુજા સ્કૂલ અને IIT દિલ્હીથી ધવલના બાળપણના મિત્ર છે અને સિટી બેન્ક, JP મોર્ગન અને 3i ગ્રુપ PLCના પૂર્વ કર્મચારીના રૂપમાં તેમની પાસે ઘણા દશકોનું મજબૂત રોકાણ કરિયર હતું.
અમેરિકન શોર્ટ સેલર તરફથી લગાવવામાં આવેલા આરોપોને જળમૂળથી નકારતા SEBIના ચેરપર્સન માધબી પૂરી બુચ અને તેમના પતિ ધવલ બુચે રવિવારે સવારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું કે, 10 ઑગસ્ટે આવેલો હિંડનબર્ગના રિપોર્ટમાં લગાવવામાં આવેલા આરોપ આધારહીન છે અને તેમાં કોઇ પણ પ્રકારનું સત્ય નથી. અમારું જીવન અને ફાઇનાન્સ ખુલ્લુ પુસ્તક છે. અમારે જે પણ ખુલાસા કરવાની જરૂરિયાત હતી, એ બધી જાણકારીઓ ગત વર્ષોમાં SEBIને આપવામાં આવી છે.
હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ પર SEBIએ પણ નિવેદન જાહેર કર્યું છે. SEBIએ કહ્યું કે, રિપોર્ટમાં અન્ય વાતો સિવાય દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રુપ વિરુદ્ધ કોઇ કાર્યવાહી ન કરી. એ 27 જૂન 2024ના રોજ હિંડનબર્ગ રિસર્ચને કારણ બતાવો નોટિસ જાહેર કરવાની SEBIની કાર્યવાહી પર સવાલ ઉઠાવે છે. ઉલ્લેખનીય છે કે હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રુપ વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપોની SEBIએ વિધિવત તપાસ કરી છે.
SEBIએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે 3 જાન્યુઆરી 2024ના રોજ પોતાના આદેશમાં કહ્યું કે, SEBIએ અદાણી ગ્રુપની 24માંથી 22 તપાસો પૂરી કરી દીધી છે. ત્યારબાદ માર્ચ 2024માં વધુ એક તપાસ પૂરી થઇ અને બાકી એક તપાસ પૂરી થવાની નજીક છે. આ કેસમાં ચાલી રહેલી તપાસ દરમિયાન જાણકારી માગવા માટે 100 કરતા વધુ સમન્સ, લગભગ 1100 પત્ર અને ઇ-મેલ જાહેર કરાઇ ચૂક્યા છે. સાથે જ લગભગ 12,000 પાનાંવાળા 300 કરતા વધુ દાસ્તાવેજોની તપાસ કરવામાં આવી છે.
હિંડનબર્ગ તરફથી શનિવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં દાવો કરતા કહેવામાં આવ્યું કે વ્હિસલબ્લોઅર દસ્તાવેજોથી ખુલાસો થાય છે કે માધબી બુચ અને તેમના પતિ ધવલ બુચે 5 જૂન 2015ના રોજ સિંગાપુરમાં IPE પ્લસ ફંડ 1 સાથે પોતાનું અકાઉન્ટ ખોલ્યું. તેમાં દંપતીનું કુલ રોકાણ 10 મિલિયન ડોલર આંકવામાં આવ્યું છે. હિંડનબર્ગે આરોપ લગાવ્યો કે ઓફશોર મોરીશસ ફંડની સ્થાપના ઇંન્ડિયા ઇન્ફોલાઇનના માધ્યમથી અદાણી ગ્રુપના એક ડિરેક્ટરે કરી હતી અને એ ટેક્સ હેવન મોરિશસમાં રજિસ્ટર્ડ છે.