જોકે ભેળસેળયુક્ત દૂધની વાર્તા નવી નથી. પરંતુ, અગાઉ દૂધમાં માત્ર પાણીમાં ભેળસેળની વાત થતી હતી, ત્યારપછી વર્ષોની તપાસમાં દૂધમાં યુરિયા ભેળવવામાં આવતો હોવાનું બહાર આવ્યું, પરંતુ હવે દૂધ જ ફક્ત કેમિકલથી બનાવવામાં આવી રહ્યું છે. દૂધ અને તેમાંથી બનતી વસ્તુઓમાં ભેળસેળ એટલી સામાન્ય થઈ ગઈ છે કે, ટેસ્ટિંગ દરમિયાન અડધાથી વધુ સેમ્પલ રિજેક્ટ થઈ રહ્યા છે, એટલે કે મોટાભાગના દૂધના સેમ્પલમાં ભેળસેળ જોવા મળી છે. તહેવારોની સિઝન પહેલા FSSAIનો એક રિપોર્ટ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો છે, જેમાં દૂધમાં ભેળસેળનો ધંધો કયા સ્કેલ પર થઈ રહ્યો છે તેનો ખુલાસો કરવામાં આવ્યો છે.
આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે, સરકારી આંકડા મુજબ કેટલી ડેરી પ્રોડક્ટ્સના સેમ્પલમાં ભેળસેળ જોવા મળી છે. સાથે જ જાણીએ કે નકલી દૂધ બનાવવામાં કયા પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે…
હકીકતમાં, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા રાજ્યસભામાં ત્રણ વર્ષમાં લેવામાં આવેલા ડેરી ઉત્પાદનોના સેમ્પલ સંબંધિત ડેટા રજૂ કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં દૂધમાં ભેળસેળના સૌથી વધુ કેસ નોંધાયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ પછી રાજસ્થાન, તમિલનાડુ અને કેરળનું નામ આવે છે. દૂધ સાથે પનીર, દહીં, મિઠાઈ અને બિસ્કિટમાં ભેળસેળના કિસ્સા સામે આવ્યા છે.
ઉત્તર પ્રદેશમાં વર્ષ 2023-24માં દૂધ અને દૂધની બનાવટોના 27,750 સેમ્પલમાંથી 16,183 સેમ્પલ ફેલ થયા છે. જ્યારે, રાજસ્થાનમાં 18264માંથી 3564 સેમ્પલ, તમિલનાડુમાં 18146માંથી 2237 અને કેરળમાં 10792માંથી 1297 ફેલ થયા હતા. ઉત્તર પ્રદેશમાં ભેળસેળયુક્ત દૂધ વેચનારાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે અને ઉત્તર પ્રદેશમાં ભેળસેળના 1928 કેસ નોંધાયા છે. આ પછી તામિલનાડુમાં 944, કેરળમાં 737, મહારાષ્ટ્રમાં 191 અને બિહારમાં 174 કેસ નોંધાયા છે.
રિપોર્ટ્સ અનુસાર, દૂધમાં કેમિકલ ભેળવવામાં આવી રહ્યું છે જે શરીર માટે અત્યંત જોખમી છે. હકીકતમાં આ કેમિકલ વડે નકલી દૂધ બનાવવામાં આવે છે. કેમિકલવાળા દૂધમાં યુરિયા અને ડિટર્જન્ટની સાથે સાથે અનેક રસાયણો પણ ભેળવવામાં આવી રહ્યા છે. એવું કહેવાય છે કે દૂધમાં યુરિયા ઉપરાંત કોસ્ટિક સોડા, માલ્ટોડેક્સ્ટ્રિન વગેરે પણ ઉમેરવામાં આવે છે. તેની સાથે હવે દૂધમાં મળતી ફેટને વધારવા માટે હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ફોર્મલિન ઉમેરવામાં આવે છે.
આ સાથે, એમોનિયા અને યુરિયાના કારણે બગડેલા સ્વાદને સુધારવા માટે હવે સ્ટાર્ચ ઉમેરવામાં આવે છે. જેના કારણે ભેળસેળયુક્ત દૂધનો સ્વાદ પણ જાણી શકાતો નથી. ખાસ વાત એ છે કે, મશીનો અને લેબ ટેસ્ટ વિના ભેળસેળયુક્ત દૂધની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે.