fbpx

જાપાનના PM કિશિદા આવતા મહિને આપશે રાજીનામું, અચાનક કેમ લેવો પડ્યો આ નિર્ણય?

Spread the love

જાપાનના PM ફુમિયો કિશિદાએ આવતા મહિને પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેઓ સપ્ટેમ્બરમાં સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ના નેતા પદેથી રાજીનામું આપશે.

જાપાનની શાસક પાર્ટી LDP આ દિવસોમાં સમાચારોમાં છે અને યુનિફિકેશન ચર્ચ સાથેના તેના સંબંધો અને ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજકીય ભંડોળના વિવાદને કારણે, પાર્ટી નકારાત્મક કારણોસર સમાચારમાં છે. આ ઉપરાંત PM કિશિદાની કેબિનેટની મંજૂરીનું રેટિંગ પણ સતત ઘટી રહ્યું છે.

PM કિશિદાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, તેઓ આવતા મહિને યોજાનારી પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડે. જાપાનમાં શાસક પક્ષના પ્રમુખને PM તરીકે ચૂંટવામાં આવે છે. આ જાહેરાત સાથે હવે એ નક્કી થઈ ગયું છે કે, દેશને ટૂંક સમયમાં નવા PM મળવા જઈ રહ્યા છે.

PM કિશિદાએ કહ્યું કે, પાર્ટીને નવી શરૂઆતની જરૂર છે. પાર્ટીની આંતરિક ચૂંટણીઓ દ્વારા લોકોને કહેવાની જરૂર છે કે, લિબરલ ડેમોક્રેટિક પાર્ટી પરિવર્તન લઈને આવશે.

ગયા એપ્રિલ મહિનામાં જાપાનના ઘણા શહેરોમાં પેટાચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં LDPને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર પછી પણ PM કિશિદાના રાજીનામાની માંગણી કરવામાં આવી હતી. આ રીતે લાંબા સમયથી PM કિશિદા પર PM પદ છોડવાનું દબાણ હતું. અહીં તમને જણાવી દઈએ કે, જાપાનમાં આગામી ઓક્ટોબરમાં ચૂંટણી યોજાવાની છે.

જાપાનમાં સત્તારૂઢ LDP સતત વિવાદોમાં રહી છે. પક્ષ-સંબંધિત કૌભાંડો, રાજકીય ભંડોળ અંગેનો વિવાદ અને PM કિશિદાની સતત ઘટી રહેલી એપ્રુવલ રેટિંગને આનું કારણ માનવામાં આવે છે. જુલાઈમાં PM કિશિદાનું એપ્રુવલ રેટિંગ 20 ટકાથી નીચે હતું. આ સતત આઠમો મહિનો છે જ્યારે PM કિશિદાનું રેટિંગ આટલું ઓછું થયું છે. 2021માં PM કિશિદાનું રેટિંગ લગભગ 65 ટકા હતું.

અહીં તમને જણાવી દઈએ કે, PM કિશિદાએ ઓક્ટોબર 2021માં જાપાનના PMનું પદ સંભાળ્યું હતું. પમ કિશિદાએ યોશીહિદે સુગાનું સ્થાન લીધું હતું. વર્તમાન કિશિદા સરકાર સામે પક્ષની અંદર જ વિરોધનો અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે અને પાર્ટીના નેતાઓનું કહેવું છે કે, વર્તમાન સરકારના નેતૃત્વમાં આગામી સામાન્ય ચૂંટણી જીતવી ખૂબ મુશ્કેલ છે.

error: Content is protected !!