fbpx

‘92.97 નંબરની કાર, 10 કરોડ…’, ગોલ્ડ મેડલ જીતનાર નદીમને CMએ આ ગિફ્ટ આપી

Spread the love

પેરિસ ઓલિમ્પિકમાં જેવલીન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ પાકિસ્તાનનો અરશદ નદીમ સતત ચર્ચામાં છે. તેણે ઇતિહાસ રચતા ન માત્ર 40 વર્ષમાં પાકિસ્તાન માટે પહેલો વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યો, પરંતુ પોતાના 92.97 મીટરના શાનદાર થ્રો સાથે ઓલિમ્પિકમાં રેકોર્ડ પણ બનાવી દીધો. ત્યારબાદ તેના ઘરે શુભેચ્છા પાઠવનાર લોકોની લાઇન લાગી ગઇ છે અને તેને જાત જાતની ભેટ મળી રહી છે. આ અનુસંધાને પાકિસ્તાનના પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાજ પણ મંગળવારે અરશદ નદીમને મળવા તેના ગૃહનગર મિયાં ચન્નૂ પહોંચ્યા હતા.

આ દરમિયાન તેમણે ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અરશદને 10 કરોડ રૂપિયા (પાકિસ્તાની)નો ચેક આપ્યો. મુખ્યમંત્રી મરિયમ હેલિકોપ્ટરથી મિયાં ચન્નૂ પહોંચ્યા અને અરશદને તેના ઘરે મળ્યા. જ્યાં જેવલીન થ્રોઅર અને તેના પરિવારે તેમનું સ્વાગત કર્યું. મુખ્યમંત્રી અરશદ અને તેની મા રજિયા પરવીનને શુભેચ્છા આપી અને તેમની સાથે લાંબી વાતચીત પણ કરી. પ્રેસ રીલિઝ મુજબ મરિયમે એથલીટના વિજયી થ્રોના ઉપલક્ષ્યમાં અરશદને 10 કરોડ પાકિસ્તાની રૂપિયાનો ચેક સોંપ્યો, જેની જાહેરાત તેમણે પહેલા જ કરી દીધી હતી.

સાથે જ એક હોન્ડા સિવિક કાર પણ સોંપી, જેનું સ્પેશિયલ રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે અને આ કારણો નંબર છે PAK 92.97. આ નંબર અરશદના રેકોર્ડ બનાવનારા થ્રો સાથે મેચ કરતા રજિસ્ટર્ડ કરવામાં આવ્યો છે. એ સિવાય મુખ્યમંત્રી અરશદના કોચ સલમાન ઇકબાલ બટને 50 લાખ રૂપિયાનો ચેક સોંપ્યો અને અરશદને આપેલી ટ્રેનિંગ માટે તેના વખાણ કર્યા. પ્રેસ રીલિઝમાં મરિયમના સંદર્ભે કહેવામાં આવ્યું કે અરશદ નદિમે દેશને અભૂતપૂર્વ ખુશી આપી છે.

મરિયમે એક્સ પર આ મુલાકાતની તસવીર શેર કરી અને પોસ્ટમાં કહ્યું કે, માતા-પિતાની પ્રાર્થનાથી કોઇ વ્યક્તિને ઊંચાઇઓ પર લઇ જાય છે. મુખ્યમંત્રીએ અન્ય એક પોસ્ટમાં કહ્યું કે, શાનદાર અરશદ નદીમ. તેમણે અરશદને મેડલ પહેરાવતી પોતાની તસવીર શેર કરી. એ સિવાય વડાપ્રધાન શાહબાજ શરીફે કહ્યું કે તેઓ આજે રાત્રે પ્રધાનમંત્રી આવાસમાં અરશદ અને તેમાં પરિવાર માટે ડિનરનું આયોજિત કરશે. સંઘીય કેબિનેટની બેઠક દરમિયાન બોલતા વડાપ્રધાન શાહબાજે ફરીથી અરશદના વખાણ કર્યા અને એ વાત પર પ્રકાશ નાખ્યો કે તેમણે પોતાના અતૂટ પ્રયાસના માધ્યમથી ઘણા પડકારોનો સામનો કર્યો.

વડાપ્રધાને ગોલ્ડ મેડલીસ્ટ માટે સમર્થન માટે ભાલા ફેંક ખેલાડીના માતા-પિતા અને કોચના પણ વખાણ કર્યા. રેડિયો પાકિસ્તાનના રિપોર્ટ મુજબ સૂચના મંત્રી અત્તાઉલ્લાહ તરારે વ્યવસ્થાઓની જાણકારી આપતા કહ્યું કે પાકિસ્તાન વાયુ સેનાનો એક વિશેષ વિમાન અરશદ, તેના પરિવાર અને તેના કોચને મુલ્તાન લઇ આવશે. ઇસ્લામાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા તરારે કહ્યું કે, કેન્દ્રીય મંત્રીઓની એક સમિતિ આજે સાંજે નૂર ખાન એરબેઝ પર રાષ્ટ્રીય નાયક અરશદનું સ્વાગત કરશે અને તેમની યાત્રા દરમિયાન તેને રાજ્ય પ્રોટોકોલ આપવામાં આવશે.

રેડિયો પાકિસ્તાને તરારના સંદર્ભે કહ્યું કે, સૂચના અને પ્રસારણ મંત્રાલયને ઓલિમ્પિક એથલીટના સંઘર્ષ અને જીવન પર બાયોપિક બનાવવાનો નિર્દેશ આપ્યો છે. તરારે કહ્યું કે, સ્વતંત્રતા દિવસના અવસર પર ઇસ્લામાબાદમાં આયોજિત સમારોહમાં અરશદ અને વડાપ્રધાન શાહબાજ સંયુક્ત રૂપે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે. APP મુજબ એથલેટિક્સ ફેડરેશન ઓફ પાકિસ્તાન (AFP)એ અરશદ અને તેના પરિવાર માટે ઉપહાર પેકેજની જાહેરાત કરી છે. રિપોર્ટ મુજબ, અરશદ પોતાની પત્ની, બાળકો અને માતા-પિતા સાથે સમારોહ સમાપન બાદ ઉમરાહ માટે જશે.

error: Content is protected !!