સરકારી પ્રાથમિક શાળામાં લોકસભાના સાંસદ શિક્ષક તરીકે બાળકોને ભણાવતા હોય એવુ દ્રશ્ય જોઈને નવાઈ લાગે. હાલમાં એક તરફ શિક્ષકો પગાર મેળવવાની વૃત્તિ અને ગેરહાજર રહીને ચાલુ શાળાએ ગુલ્લી મારવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવા નિષ્ઠા ભૂલેલા શિક્ષકોને માટે પ્રેરણાત્મક ફરજ નિભાવતા લોકસભાના સાંસદને જોઈને આશ્ચર્ય જરુર સર્જાય. આવા જ દ્રશ્ય જોવા મળ્યા છે. સાબરકાંઠામાં..
ચકી બેન … ચકી બેન … મારી સાથે રમવા આવશો કે નહીં… આ બાળગીત ગવડાવતા અને બ્લેકબોર્ડમાં એકડ એકો શીખવતા આ મહિલા અને બાળકોનું દ્રશ્ય ખૂબ જ સરસ લાગી રહ્યું છે. કારણ કે શાળાનો આ માહોલ સ્વભાવિક જ જ દરેકને પસંદ હોય છે. પરંતુ આ મહિલા કોઈ સામાન્ય મહિલા નથી પરંતુ લોકસભાના સાંસદ છે. સાંસદ શોભનાબેન બારૈયા વધુ એકવાર શાળામાં બાળકો વચ્ચે પહોંચ્યા છે. જ્યાં શાળામાં પહોંચીને તેઓએ શાળાના બાળકોને અભ્યાસ કરાવવાનું આપેલું વચન પુરુ કર્યું છે. તેઓ 31 વર્ષથી શિક્ષક હતા અને હવે લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા છે. પરંતુ તેઓ શાળાના બાળકોની વચ્ચે રહેવાનો જીવ છોડી શક્યા નથી. આ માટે જ તેઓ લોકસભામાં ચૂંટાયા બાદ વધુ એકવાર બાળકોને ભણાવવા માટે શાળામાં પહોંચ્યા હતા. જ્યાં તેઓ બાળકોને ફરીથી શાળામાં ભણાવવા માટે આવવાનું વચન આપ્યું હતુ. જે મુજબ તેઓ શાળામાં પહોંચ્યા હતા. સાંસદ શોભનાબેન બારૈયાએ કહ્યું હતુ કે, મારો જીવ શિક્ષણનો છે, બાળકો અને શાળા મારા માટે લાગણીનું બંધન છે અને હું લોકસભાના સાંસદ તરીકેથી મળતી ફરજ વચ્ચે અવશ્ય શાળામાં બાળકોને અભ્યાસ કરાવીશ. આ માટે શક્ય એટલો સમય નિકાળવા માટે પ્રયાસ કરીશ.
સાંસદ શોભનાબેને એક કલાક કરતા વધારે સમય સુધી શાળામાં બાળકોને અભ્યાસ કરાવ્યો હતો. વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરાવીને તમામની નોટબુકોને પણ ચેક કરીને તેમની ભૂલોને સુધારીને શિખવવા માટે પ્રયાસ કર્યો હતો. સાંસદ હોવાનું ભૂલી જઈને તેઓ શાળામાં બાળકો વચ્ચે નીચે બેસીને અભ્યાસ કરાવવાનું પસંદ કર્યું હતુ. આ પળે જ શિક્ષકો અને વાલીઓના મન મોહી લીધા હતા. સાથે જ તેઓએ પદ ભૂલીને કાર્ય કરવાનો પાઠ મૌન રહીને સૌને સમજાવી દીધો હતો. બાળકોને શિક્ષણ આપવા સાથે બાળગીતો પણ ગવડાવ્યા હતા. વર્તમાન સમયમાં શિક્ષકો વિદ્યાર્થીઓ અને શાળાને ભૂલીને વિદેશી જતા રહેવા કે પછી ચાલુ પગારે જ ગુલ્લી મારતા હોવાનું શિક્ષણ વિભાગની સામે આવ્યું છે, ત્યારે સાંસદ શોભનાબેને પ્રેરણાત્મક પાઠ શિક્ષણ જગતને ભણાવ્યો હતો. આગામી દિવસમાં પણ આવી જ રીતે તેઓ હજુ શિક્ષણકાર્ય કરતા નજર આવતા રહેશે.
જીલ રાવલ પ્રાંતિજ