સ્ટ્રેસ ફ્રી રહેવા માટે દુનિયાભરના લોકો અલગ-અલગ રીત અપનાવે છે. દુનિયાભરના બિઝનેસ ટાયકૂન ધ્યાન કરે છે. પરંતુ, દુનિયાની સૌથી મોટી ટેક કંપનીઓમાંથી એક Googleના CEO સુંદર પિચાઈ અલગ રીતે પોતાને રિલેક્સ કરે છે. પિચાઈએ ખુલાસો કર્યો છે કે, તેઓ કામના સ્ટ્રેસને ઓછો કરવા માટે NSDR (નોન સ્લીપ ડીપ રેસ્ટ)નો સહારો લે છે. પિચાઈએ જણાવ્યું કે, એક પોડકાસ્ટ દ્વારા તેમને આ વાતની જાણકારી મળી હતી. તેમા ઊંઘ્યા વિના ગાઢ આરામ દ્વારા તમે તમારા શરીરને ફરીથી કામ કરવા લાયક બનાવી લો છો. પિચાઈએ જણાવ્યું કે, જ્યારે પણ મને ધ્યાન કરવામાં મુશ્કેલી થાય છે ત્યારે હું NSDR સંબંધી વીડિયોઝ શોધુ છું. 10, 20, 30 મિનિટના આ વીડિયો દ્વારા NSDR કરવાનો પ્રયત્ન કરું છું.
શું હોય છે NSDR?
NSDRને સ્ટેનફોર્ડ ન્યૂરોસાયન્સના પ્રોફેસર એન્ડ્ર્યૂ હ્યૂબરમેને શોધી હતી. NSDRમાં વ્યક્તિ આંખ બંધ કરીને બેડ અથવા જમીન પર સૂઈ જાય છે. પછી કોઈ એક વસ્તુ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરે છે. હ્યૂબરમેનના જણાવ્યા અનુસાર, NSDR લોકોને આરામ કરવા, વધુ સરળતાથી સુવા, સ્ટ્રેસ અને ચિંતાને ઓછી કરવા, દુઃખાવાને ઓછો કરવા અને ત્યાં સુધી કે શીખવામાં ઝડપ લાવવામાં મદદ કરી શકે છે.
આ ટેકનિક એક પ્રકારે યોગનિંદ્રા જેવી છે. પ્રાચીનકાળમાં સૌથી પહેલા ઋગ્વેદમાં તેનો ઉલ્લેખ મળે છે. તેમજ ઉપનિષદોમાં પણ તેનો ઉલ્લેખ છે.
ભારતની દેન છે યોગનિંદ્રાઃ ઋગ્વેદમાં ઉત્પત્તિનો ઉલ્લેખ
સ્ટેપ 1: કોઈ શાંત અને ઓછાં અજવાળાવાળા સ્થાન પર મેટ પાથરીને પીઠના બળે સૂઈ જાઓ. શરીરને સંપૂર્ણરીતે ઢીલુ છોડી દો. હથેળીઓ ખોલીને આકાશ તરફ રાખો.
સ્ટેપ 2: ઊંડા શ્વાસ લો, પછી સામાન્ય શ્વાસ લેતા-લેતા ધ્યાન જમણા પગના પંજા પર કેન્દ્રિત કરો. આ દરમિયાન મનમાં સારા વિચારો આવે તો તેને અટકાવવાનો પ્રયત્ન ના કરો.
સ્ટેપ 3: હવે પોતાનું ધ્યાન પંજાથી ઘૂંટણ, પછી જાંઘ પર લાવો. આ જ પ્રક્રિયા ડાબા પગ સાથે કરો. આમ કરતા-કરતા ગળું, છાતી વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરો.
સ્ટેપ 4 : ઊંડા શ્વાસ લો અને થોડીવાર આ જ સ્થિતિમાં સૂઈ રહો. હવે ધ્યાન આસપાસના વાતાવરણ પર લઈ જાઓ અને જમણી તરફ પડખું ફરી ડાબી નાસિકામાંથી શ્વાસ છોડો.
સ્ટેપ 5: આવુ કરવાથી શારીરિક તાપમાન નીચે જશે. થોડીવાર બાદ ધીરેથી ઉઠીને બેસી જાઓ અને ધીમે-ધીમે જ પોતાની આંખો ખોલો. આ સમગ્ર પ્રક્રિયામાં 10-15 મિનિટ જેટલો સમય લાગશે.