ગુજરાતમાં આ વર્ષે મોનસૂન કંઈક અલગ જ મહેરબાન છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 2 ટકાથી વધારે વરસાદ પડી ચૂક્યો છે અને હવે ફરી એક વખત વરસાદ પડવાનો છે. હવામાન વિભાગ (IMD) તરફથી ગુજરાતમાં 27 ઑગસ્ટ સુધી વરસાદનું પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે. તેનું કારણ સાઈક્લોનિક સર્ક્યૂલેશન છે, જેના કારણે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ થશે. માછીમારોને પણ સમુદ્રમાં ન જવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગ મુજબ, હાલના દિવસોમાં સમુદ્રી વિસ્તારોમાં હવાની ગતિ 40 કિમી પ્રતિ કલાકથી વધુ રહેશે. ગુજરતમાં આ સીઝનમાં 73.75 ટકા વરસાદ નોંધાયો છે જે સીઝનનો સરેરાશ વરસાદ 2 ટકાથી વધુ છે. રાજ્યમાં અત્યાર સુધી સૌથી વધુ વરસાદ કચ્છમાં 88.97 ટકા, દક્ષિણ ગુજરાતમાં 88.38 ટકા, સૌરાષ્ટ્રમાં 81.40 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 57.90 ટકા અને ઉત્તર ગુજરાતમાં 54.78 ટકા વરસાદ નોંધાયો છે. આગામી અઠવાડિયે ગુજરાતમાં વરસાદનું પૂર્વાનુમાન વ્યક્ત કરતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું કે, 22 ઑગસ્ટે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું એલર્ટ છે.
તો 24 ઑગસ્ટે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 25 ઑગસ્ટના રોજ દાહોદ, મહિસાગર, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગે 26 અને 27 ઑગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તો હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે 27 ઑગસ્ટ સુધીમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ, ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે ગુજરાતમાં અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, વરસાદી સિસ્ટમ સક્રિય થતા ફરી વરસાદી માહોલ બની રહ્યો છે. આગામી 7 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. કોઈ ભાગમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે, તો કોઈ ભાગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 22-23 ઑગસ્ટના ભારે વરસાદી ઝાપટાં પડશે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 24-27 ઑગસ્ટે ભારેથી અતિભારે વરસાદ પડશે. આહવા ડાંગમાં અતિભારે વરસાદ થશે. કેટલાક ભાગમાં 10 ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવના રહેશે. કેટલાક વિસ્તારમાં 6-8 ઇંચ સુધીનો વરસાદ પડશે. આ વખત ઉતર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે. પૂર્વમધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે. નદીમાં પૂર આવશે. મધ્યપ્રેદશમાં ભારે વરસાદ થશે જેના કારણે નર્મદા નદીમાં જળસ્તર વધશે.
તેમણે વધુમાં કહ્યું કે, ચાલુ વર્ષે ઑગસ્ટ મહિનામાં ગરમી વધુ પડી રહી છે. લોકો અકળામણ અનુભવી રહ્યા છે. ચોમાસાની સીઝનમાં ગરમીનુ પ્રમાણ વધી રહી રહ્યુ છે. તાપમાન ઉંચુ અને ભેજનુ પ્રમાણ વધી રહ્યુ છે. જો કે, 23 સપ્ટેમ્બરથી સૂર્ય વિષુવવૃત પર આવશે સૂર્ય માથા પરથી પસાર થશે એટલે આ વખત ગરમી વધુ પડશે. દિવાળી અગાઉ મહત્તમ તાપમાન 37 ડિગ્રીએ પહોંચી જશે.