બોર્ડર-ગાવસ્કર સીરિઝ 2024-25ની શરૂઆત થવાના લગભગ 3 મહિનાનો સમય બાકી છે, પરંતુ ક્રિકેટ જગતના દિગ્ગજ અત્યારથી જ આ ધમાકેદાર સીરિઝને લઇને ઘણા પ્રકારની ભવિષ્યવાણી કરી રહ્યા છે. આ ક્રમમાં હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર બેટ્સમેન મેથ્યૂ હેડનનું નામ સામેલ થઇ ગયું છે. હેડને બોર્ડર ગાવસ્કર સીરિઝને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમનું માનવું છે કે રિષભ પંત આ વર્ષના અંતમાં રમાનાર 5 ટેસ્ટ મેચોની સીરિઝમાં ભારત માટે મહત્ત્વનો ખેલાડી સાબિત થશે.
તેમણે તેની પાછળના કારણનો ખુલાસો કર્યો છે. મહાન બેટ્સમેને કહ્યું કે રિષભ પંતે ગત ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પોતાની ટીમને જીતાડીને સનસની મચાવી હતી અને આ જ કારણ છે કે આ વખત બધાની નજરો તેના પર જ ટકી હશે. ઉલ્લેખનીય છે કે બોર્ડર ગાવસ્કર સીરિઝની શરૂઆત 22 નવેમ્બરથી પર્થમાં થશે. મેથ્યૂ હેડને CEAT ક્રિકેટ રેટિંગ એવોર્ડ્સના અવસર પર મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, રિષભ પંતની અંદર જીતની ભૂખ છે અને તેની મસલ મેમોરી શાનદાર છે. ગત વખત જ્યારે તે અહી રમ્યો હતો તો મહત્ત્વનો ખેલાડી રહ્યો હતો અને ઓસ્ટ્રેલિયન ફેન્સને પણ તેની ગેમ ખૂબ પસંદ આવી હતી.
રિષભ પંત વર્ષ 2022ના અંતમાં એક કાર અકસ્માતમાં ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો, ત્યારબાદ તેને લાંબા સમય માટે મેદાનથી બહાર થવું પડ્યું. જો કે, તેણે સખત મહેનત અને ઝનૂનના દમ પર ભારતીય ટીમમાં વાપસી કરી અને હવે ફરી એક વખત ઓસ્ટ્રેલિયામાં બેટથી કમાલ કરવા તૈયાર છે. વર્ષ 2020-21માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રિષભ પંતે બેટથી શાનદાર રમત દેખાડી હતી. આ સીરિઝમાં ઑસ્ટ્રેલિયાએ સામે શરૂઆતી એડિલેડ ટેસ્ટમાં 36 રન પર ઓલઆઉટ થયા બાદ ભારતીય ટીમે કમબેક કરતા 2-1થી સતત બીજી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પોતાના નામે કરી હતી.
રિષભ પંતે આ સીરિઝની ત્રીજી અને ચોથી ટેસ્ટની બીજી ઇનિંગમાં ક્રમશઃ 97 અને 98 રનોની ઇનિંગ રમી હતી. ભારત માટે આ સીરિઝ જીતવી એટલે પણ ઐતિહાસિક રહી કેમ કે કોહલી પહેલી ટેસ્ટ મેચ બાદ ભારત આવતો રહ્યો હતો, જ્યારે જસપ્રીત બૂમરાહ અને મોહમ્મદ શમી સહિત કેટલાક મોટા ખેલાડી ઇજા અને ફિટનેસ સંબંધિત પરેશાનીઓના કારણે અંતિમ ટેસ્ટ રમ્યા નહોતા. હેડને કહ્યું કે, ભારતીય નજરિયાથી આ વસ્તુ શાનદાર છે કે પાછલી જીત દરમિયાન તેની પાસે વિરાટ કોહલી નહોતો. ગાબા (બ્રિસ્બેન)માં જે પ્રકારે ટીમે જીત હાંસલ કરી હતી, તે બીજા દરજ્જાની બોલિંગ લાઇનઅપવાળી ટીમ હતી.