કેન્દ્ર સરકાર તરફથી દેશની તમામ મેડિકલ કોલેજોને આદેશ મોકલી આપવામાં આવ્યો છે કે, કોલેજના વિદ્યાર્થીઓ હવે દીક્ષાંત સમારોહમાં પરંપરાગત ડ્રેસ પહેરશે. આ સાથે બ્લેક ગાઉન અને કેપનું કલ્ચર પણ નાબૂદ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કોલેજોમાં યોજાતા દીક્ષાંત સમારોહમાં તમામ વિદ્યાર્થીઓ બ્લેક ગાઉન અને કેપ પહેરીને ડિગ્રી મેળવતા હતા. પરંતુ હવે કેન્દ્રના આ આદેશ પછી વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ અનુસાર ડ્રેસ પસંદ કરશે.
ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ મામલે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત તમામ AIIMS અને મેડિકલ કોલેજોને સૂચનાઓ આપી છે. મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘એવું જોવામાં આવ્યું છે કે વિવિધ સંસ્થાઓ દ્વારા દીક્ષાંત સમારોહ દરમિયાન કાળા ગાઉન અને કેપ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ ડ્રેસ યુરોપમાં મધ્ય યુગમાં ઉદ્ભવ્યો હતો અને બ્રિટિશરો દ્વારા તેમની તમામ વસાહતોમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ પરંપરા વસાહતી વારસાને પ્રતિબિંબિત કરે છે જેને બદલવાની જરૂર છે.’
ભારતની મોટાભાગની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓ માટે એક નિર્ધારિત ડ્રેસ કોડ છે. વર્ષોથી ચાલી આવતી યુરોપીયન પરંપરાને અનુસરીને મોટાભાગની કોલેજો અને યુનિવર્સિટીઓ તેમના વિદ્યાર્થીઓ પર કાળા ગાઉન અને કેપ લાદે છે. અંગ્રેજો ભારતમાં આવ્યા પછી આ પરંપરા શરૂ થઈ હતી. પરંતુ હવે આ પોશાકમાં પણ બદલાવ આવવા લાગ્યો છે.
કેન્દ્ર સરકારે તમામ મેડિકલ કોલેજોને ભારતીય પરંપરા મુજબ દીક્ષાંત સમારોહ યોજવાનો આદેશ આપ્યો છે. આ નવા આદેશ અનુસાર, AIIMS અને અન્ય મેડિકલ કોલેજોએ પોતપોતાના રાજ્યોની પરંપરા મુજબ નવા ડ્રેસ કોડ માટેનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવો પડશે.
જો આપણે તમામ કોલેજોને મંત્રાલય દ્વારા બહાર પડાયેલા સંદેશને માનીએ તો, તે PM નરેન્દ્ર મોદીના પંચ પ્રાણ એટલે કે પાંચ સંકલ્પોને આગળ લઈ જાય છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું છે. જેથી વ્યક્તિ ગુલામીમાંથી સંપૂર્ણ આઝાદી મેળવી શકે. મંત્રાલયની આ સૂચના પહેલા જ IIT હૈદરાબાદે વર્ષ 2011થી જ અંગ્રેજોના સમયથી ચાલી આવતી આ પરંપરાને ખતમ કરી દીધી હતી. ત્યાં 2011થી ભારતીય પરંપરા અનુસાર ડ્રેસ કોડ તૈયાર કરવામાં આવે છે. જેની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહેતી હોય છે.