PM નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં યુવાનો વિશે ઘણી વાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ વર્ષે મેં લાલ કિલ્લા પરથી રાજકીય પૃષ્ઠભૂમિ વગરના એક લાખ યુવાનોને રાજકારણ સાથે જોડાવાનું આહ્વાન કર્યું છે. મારી આ વાત પર જબરદસ્ત પ્રતિક્રિયાઓ આવી છે. તેનાથી જાણવા મળે છે કે કેટલી મોટી સંખ્યામાં આપણા યુવાનો રાજનીતિમાં આવવા તૈયાર બેઠા છે. બસ, તેમને સાચી તક અને સાચા માર્ગદર્શનની શોધ છે.આ વિષય પર મને દેશભરના યુવાનોના પત્રો પણ મળ્યા છે. સૉશિયલ મીડિયા પર પણ જબરદસ્ત પ્રતિભાવ મળી રહ્યો છે. લોકોએ મને અનેક પ્રકારનાં સૂચનો પણ મોકલ્યાં છે. કેટલાક યુવાનોએ પત્રમાં લખ્યું છે કે તે તેમના માટે ખરેખર અકલ્પનીય છે. દાદા કે માતાપિતાનો કોઈ રાજકીય વારસો ન હોવાના કારણે, તેઓ રાજનીતિમાં ઇચ્છીને પણ નહોતા આવી શકતા.
PM મોદીએ કહ્યું કે, કેટલાક યુવાનોએ લખ્યું કે તેમની પાસે જમીન સ્તર પર કામ કરવાનો સારો અનુભવ છે, આથી, તેઓ લોકોની સમસ્યાઓ ઉકેલવામાં મદદરૂપ થઈ શકે છે. કેટલાક યુવાનોએ એ પણ લખ્યું કે પરિવારવાદી રાજનીતિ નવી પ્રતિભાઓનું દમન કરી દે છે. કેટલાક યુવાનોએ કહ્યું કે આ પ્રકારના પ્રયાસોથી આપણા લોકતંત્રને વધુ મજબૂતી મળશે. હું આ વિષય પર સૂચન મોકલવા માટે દરેકનો ધન્યવાદ કરું છું. મને આશા છે કે હવે આપણા સામૂહિક પ્રયાસોથી એવા યુવાનો, જેમની કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ નથી, તેઓ પણ રાજનીતિમાં આગળ આવી શકશે, તેમનો અનુભવ અને તેમનો જોશ, દેશને કામમાં આવશે.
તેમણે વધુમાં કહ્યું સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન પણ સમાજના દરેક ક્ષેત્રમાંથી આવા અનેક લોકો સામે આવ્યા હતા, જેમની કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ નહોતી. તેમણે પોતાને ભારતની સ્વતંત્રતા માટે સમર્પિત કરી દીધા હતા. આજે આપણે વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે એક વાર ફરી તે ભાવનાની આવશ્યકતા છે. હું મારા બધા યુવા સાથીઓને કહીશ કે આ અભિયાન સાથે જરૂર જોડાવ. તમારું આ પગલું તમારા અને દેશના ભવિષ્યને બદલનારું હશે.