ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરી જ હતી કે જન્માષ્ટમીના દિવસે અત્યંત ભારે વરસાદ પડશે. વડોદરામાં સોમવારે એક દિવસમાં 12 ઇંચ વરસાદ પડી ગયો હતો. એમ કહી શકાય કે કલાનગરીમાં બારે મેઘ ખાંગા થયા હતા. એક તરફ ભારે વરસાદ અને બીજી તરફ વિશ્વીમિત્રી નદી ભયજનક સપાટી વટાવી જતા અનેક વિસ્તારો પાણીમાં ગરક થઇ ગયા હતા. કેટલાંક વિસ્તારોમાં 1 માળ સુધી તો કેટલાંક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા હતા. જો કે, મંગળવારે વરસાદે વડોદરામાં પોરો ખાધો હતો, પરંતુ હજુ પણ પાણી ભરાયેલા છે.
આજવા ડેમમાંથી પાણી છોડવાને કારણે વિશ્વામિત્રીની સપાટી વધી ગઇ હતી. આ નદીની ભયજનક સપાટી 28 ફુટ છે તેને બદલે નદીની સપાટી 34 ફુટ પર પહોંચી ગઇ હતી. લોકોએ શાકભાજી અને દુધ ખરીદવા દોડધામ મચાવી હતી.