BCCI સેક્રેટરી તરીકે ફરજ બજાવતા જય શાહ ICCના આગામી પ્રમુખ બનવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ પદ માટે તેમની પસંદગી નિશ્ચિત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે BCCIના આગામી સચિવ કોણ હશે?
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહનું નામ ફરી એકવાર ચર્ચામાં છે. ક્રિકેટની સૌથી મોટી સંસ્થા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ પદ માટે તેમનો દાવો મજબૂત છે. જય શાહ ICCના આગામી અધ્યક્ષ હોવાનું કહેવાય છે. BCCI સેક્રેટરી પદ છોડ્યા પછી આ જવાબદારી કોણ સંભાળશે તે અંગે સર્વત્ર ચર્ચા ચાલી રહી છે. એક રિપોર્ટ અનુસાર DDCAના રોહન જેટલીને આ જવાબદારી સોંપવામાં આવી શકે છે.
BCCI સેક્રેટરી તરીકે ઘણા યાદગાર નિર્ણયો લેનારા જય શાહના ICC ચીફ બનવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થશે. તેણે પોતાની જાતને ત્રીજી ટર્મની રેસમાંથી દૂર કરી લીધી છે. જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે, ત્યારથી જય શાહના ભવિષ્ય વિશે અટકળોએ જોર પકડ્યું છે. ICC ચેરમેન પદ સંભાળ્યા પછી BCCI સેક્રેટરી કોણ હશે, તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.
જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નામ સામે આવ્યું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જય શાહને ICCના 16માંથી 15 સભ્યોનું સમર્થન છે, તેથી તે ICCના આગામી અધ્યક્ષ બનશે તે નિશ્ચિત છે. BCCI સેક્રેટરી તરીકે જય શાહનો કાર્યકાળ સપ્ટેમ્બર 2025માં પૂરો થશે. ICC અધ્યક્ષ બન્યા પછી જય શાહે BCCI સેક્રેટરી પદ પરથી રાજીનામું આપવું પડશે. આ પછી, તેણે ફરીથી BCCIમાં પોસ્ટ મેળવવા માટે સાડા ત્રણ વર્ષના કુલિંગ ઓફ પીરિયડમાંથી પસાર થવું પડશે. અહીં તમને જણાવી દઈએ કે, ICC અધ્યક્ષની ચૂંટણી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ છે.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, જય શાહે ICC અધ્યક્ષ પદ માટે નોમિનેશન ફાઇલ કર્યા પછી, વર્તમાન દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA)ના પ્રમુખ રોહન જેટલીનું નામ BCCI સેક્રેટરી પદ માટે આગળ મૂકવામાં આવી શકે છે. જે દિવંગત રાજનેતા અરુણ જેટલીના પુત્ર છે. જો કે, વર્તમાન પ્રમુખ રોજર બિન્ની સહિત અન્ય ટોચના BCCI અધિકારીઓ તેમની ભૂમિકાઓ ચાલુ રાખશે, કારણ કે તેમના કાર્યકાળમાં વધુ એક વર્ષ બાકી છે.