ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ ફરી એક વખત મહેન્દ્ર સિંહ ધોની પર ગુસ્સે થતા નજરે પડ્યા અને તેમણે જણાવ્યું કે કઇ રીતે ધોનીએ તેમના પુત્ર યુવરાજ સિંહનું ક્રિકેટ કરિયર ખતમ કરી દીધું. તેમણે કહ્યું કે તે ભારતના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને ક્યારેય માફ નહીં કરે કેમ કે તેનો પુત્ર ટીમ માટે 5-6 વર્ષ વધુ રમી શકતો હતો. યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ અગાઉ પણ પોતાના પુત્રના ક્રિકેટ કરિયરમાં ઘટાડા માટે મહેન્દ્ર સિંહ ધોનીને જવાબદાર ઠેરવતા રહ્યા છે.
આ વખત પણ મહેન્દ્ર સિંહ ધોની પર પ્રહાર કરતા ન રહી શક્યા. યોગરાજ સિંહે કહ્યું કે, ધોનીએ આઇનામાં પોતાનો ચહેરો જોવો જોઈએ. ધોની એટલો મોટો ક્રિકેટર છે, પરંતુ તેણે યુવરાજ સાથે કંઇ પણ સારું કર્યું નથી. જી સ્વિચ ટ્યુબ ચેનલ સાથે વાત કરતા યોગરાજ સિંહે કહ્યું કે, હું મહેન્દ્ર સિંહ ધોનીને માફ નહીં કરું અને તેણે આઇનામાં પોતાનો ચહેરો જોવો જોઈએ. તે ખૂબ મોટો ક્રિકેટર છે, પરંતુ તેણે મારા પુત્ર વિરુદ્ધ જે કંઇ કર્યું છે એ બધુ હવે સામે આવી રહ્યું છે, તેને જીવનમાં માફ નહીં કરી શકાય.
યોગરાજ સિંહે કહ્યું કે, મેં જીવનમાં ક્યારેય 2 વસ્તુ નથી કરી, પહેલી મેં ક્યારેય કોઈને માફ નથી કર્યા, જેણે મારી સાથે ખોટું કર્યું અને બીજી મેં પોતાના જીવનમાં ક્યારેય તેમને ગળે લગાવ્યા નથી પછી તે મારા પરિવારના સભ્ય હોય કે મારા બાળકો. યોગરાજે વધુમાં કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોનીએ યુવરાજ સિંહની જિંદગી બરબાદ કરી દીધી. ગૌતમ ગંભીર અને વિરેન્દર સેહવાગ જેવા ખેલાડી પણ તેના પુત્રને ભારતની નેશનલ ક્રિકેટ ટીમનો સૌથી મોટો મેચ વિનર માને છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, એ વ્યક્તિ (મહેન્દ્ર સિંહ ધોની)એ મારા પુત્રની જિંદગી બરબાદ કરી દીધી, જે ભારત માટે વધુ 4-5 વર્ષ રમી શકતો હતો. હું બધાને પડકાર આપું છું કે તેઓ યુવરાજ જેવો પુત્ર પેદા કરે. ગૌતમ ગંભીર અને વિરેન્દર સેહવાગે પહેલા કહ્યું કે, ભારતમાં કોઈ બીજો યુવરાજ નહીં થાય. યુવરાજને ભારત રત્નથી સન્માનિત કરવો જોઇએ કેમ કે કેન્સરથી ઝઝૂમતા પણ તે દેશ માટે રમ્યો અને ટીમને વન-ડે વર્લ્ડ કપ (2011)ની વિનર બનાવી.
ઉલ્લેખનીય છે કે યુવરાજ સિંહે વર્ષ 2000-2017 સુધી 402 ઇન્ટરનેશનલ મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને 11,178 રન બનાવ્યા. તેમણે બધા ફોર્મેટમાં 17 સદી અને 71 અડધી સદી ફટકારી અને ભારતના સર્વકાલીન મહાન ખેલાડીઓમાંથી એકના રૂપમાં પોતાનું કરિયર ખતમ કર્યું.