fbpx

નવીન બાબૂએ મોદી સરકારને આપ્યો મોટો ઝટકો, આ બિલને સમર્થન આપવાની ના પાડી દીધી

Spread the love

ઓડિશાના પૂર્વ CM અને બીજુ જનતા દળના પ્રમુખ નવીન પટનાયકે 6 સપ્ટેમ્બરે કહ્યું હતું કે, તેમની પાર્ટી વકફ એક્ટમાં ફેરફારનો વિરોધ કરશે. નવીન પટનાયક પાર્ટી હેડક્વાર્ટરમાં આયોજિત લઘુમતી સેલની બેઠકમાં બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, આ કાયદાને કારણે લઘુમતી સમુદાયમાં અસુરક્ષાની લાગણી છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ વકફ સંશોધન બિલ હેઠળ વકફ એક્ટ-1995માં ઘણા ફેરફારો પ્રસ્તાવિત છે. સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ અને રાજ્યોના વક્ફ બોર્ડમાં મહિલાઓને સામેલ કરવાની જોગવાઈ છે. હાલના કાયદાની કલમ 9 અને 14માં ફેરફાર કરીને મહિલાઓને કાઉન્સિલમાં સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત વકફ બોર્ડના સંચાલનમાં બે બિન-મુસ્લિમ નિષ્ણાતોને સામેલ કરવાની જોગવાઈ કરવાની પણ વાત થઈ રહી છે. આ બિલ હવે સંસદીય સંયુક્ત સમિતિ (JPC)ને સુપરત કરવામાં આવ્યું છે.

BJD પાસે લોકસભામાં એક પણ સાંસદ નથી. રાજ્યસભામાં પાર્ટીના 8 સાંસદો છે. રાજ્યસભામાં હાલમાં કુલ 237 સાંસદો છે. જેમાં BJPની આગેવાની હેઠળની NDA સરકાર પાસે 119 સાંસદો છે. નવીન પટનાયકની પાર્ટી, જે ગૃહમાં તટસ્થ વલણ ધરાવે છે, તેણે મોદી સરકારને ઘણા મહત્વપૂર્ણ બિલ પસાર કરવામાં મદદ કરી છે.

જો કે, 2024ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં BJPથી બેવડી હારનો સામનો કર્યા પછી BJDના વલણમાં પરિવર્તન આવ્યું છે. આ ચૂંટણી પરિણામો પછી તરત જ, નવીન પટનાયકે કહ્યું કે, તેમની પાર્ટી હવે BJPને ‘મુદ્દા આધારિત સમર્થન’ આપવાનું બંધ કરશે અને સંસદમાં મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવશે. નવીન પટનાયકની આ જાહેરાત પછી BJD વિપક્ષની નજીક જતી જોવા મળી રહી છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ ઓડિશામાં 2.17 ટકા મુસ્લિમ વસ્તી છે. BJD સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર વકફ એમેન્ડમેન્ટ બિલનો વિરોધ કરવા પાછળ નવીન પટનાયકનો ઉદ્દેશ્ય પોતાની સેક્યુલર ઈમેજ જાળવી રાખવાનો છે. તેમણે વધુમાં કહ્યું કે, નવીન પટનાયકના CM તરીકેના કાર્યકાળ દરમિયાન ઓડિશામાં હંમેશા સાંપ્રદાયિક સૌહાર્દ રહ્યું હતું. તેમણે રાજ્યના તમામ ધર્મોનું ધ્યાન રાખ્યું અને હવે વિપક્ષમાં હોવા છતાં નવીન પટનાયકે એ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે, તેઓ તમામ ધર્મોની સાથે છે.

error: Content is protected !!