fbpx

અયોધ્યામાં યોજાનારી પેટાચૂંટણી પહેલા BJPમાં તિરાડ; પૂર્વ સાંસદનો બળવો

Spread the love

ઉત્તર પ્રદેશમાં 10 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાવાની છે. તેમાંથી અયોધ્યાની મિલ્કીપુર બેઠક BJP માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. આ બેઠક પરથી SPના ધારાસભ્ય રહેલા અવધેશ પ્રસાદે લોકસભા ચૂંટણીમાં BJPના લલ્લુ સિંહને હરાવ્યા હતા. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પછી આ બેઠક BJPની પ્રતિષ્ઠા સાથે જોડવામાં આવી રહી હતી. હવે હાર્યા પછી, BJP કોઈ પણ રીતે મિલ્કીપુર જીતવા માંગે છે અને UPમાં SPના નેતૃત્વવાળા INDIA ગઠબંધન સાથેનો જૂનો હિસાબ ચૂકતે કરવા માંગે છે.

તેથી CM યોગી આદિત્યનાથનું સમગ્ર ફોકસ આ સીટ પર છે. તેઓ સતત અયોધ્યાની મુલાકાત પણ લઈ રહ્યા છે. તેઓ 7 સપ્ટેમ્બરે અયોધ્યામાં શિવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પણ પહોંચ્યા હતા. તે જ દિવસે, અયોધ્યામાં એક અન્ય ઘટનાક્રમ પણ બન્યો જે BJPને અસ્વસ્થ બનાવશે, કારણ કે પાર્ટી આ પેટાચૂંટણીઓમાં સંપૂર્ણ એકતા બતાવી રહી છે અને UPમાં લોકસભાની ચૂંટણીમાં તેના ખરાબ પ્રદર્શનમાંથી બહાર નીકળવા માટે મિલ્કીપુર સહિતની પેટાચૂંટણીમાં મહત્તમ બેઠકો જીતી લેવાનો પ્રયાસ કરી રહી છે, પણ અયોધ્યામાં જ ગુરુવારે પાર્ટીનો આંતરિક ઝઘડો ફરી એકવાર સપાટી પર આવ્યો અને તેને તેના પૂર્વ સાંસદ લલ્લુ સિંહના બળવાનો સામનો કરવો પડ્યો.

હકીકતમાં હાલમાં UP સહિત સમગ્ર દેશમાં BJPનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. તેથી અયોધ્યા સર્કિટ હાઉસમાં સદસ્યતા અભિયાનને લઈને BJPના પ્રદેશ મહાસચિવ સંજય રાય દ્વારા પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. તે કાર્યક્રમમાં BJP નેતા અને ફૈઝાબાદના પૂર્વ સાંસદ લલ્લુ સિંહ પણ હાજર હતા, પરંતુ ગુરુવારે અચાનક જ તેઓ પ્રેસ કોન્ફરન્સની વચ્ચે જ ઉભા થઈ ગયા અને કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા. તેમણે આરોપ લગાવ્યો કે, ‘મંચ પર માફિયા તત્વો હાજર છે. હું માફિયા સાથે બેસી શકતો નથી.’

અયોધ્યામાં BJPના રાજ્ય નેતૃત્વ દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાંથી અચાનક બહાર નીકળ્યા પછી, તેમણે આરોપ લગાવ્યો કે, મંચ પર માફિયા તત્વો હાજર હતા, જેના પછી તેમણે ઉભા થઈને પરિસર છોડવું પડ્યું. લલ્લુ સિંહે સીધા કોઈનું નામ લીધું ન હતું. પરંતુ, તેમનો સંદર્ભ સ્પષ્ટપણે મંચ પર બેઠેલા BJPના નેતા શિવેન્દ્ર સિંહ તરફ હતો. લલ્લુ સિંહે મીડિયાકર્મીઓને કહ્યું, ‘મંચ પર માફિયા હાજર હતા અને હું મારી જાતને આવા તત્વો સાથે ક્યારેય સાંકળી શકું નહીં. હું માફિયાઓ સામે સતત લડ્યો છું કારણ કે તેઓ સમાજનું શોષણ કરે છે અને જુલમ કરે છે.’

અત્રે ઉલ્લેખનીય છે કે, શિવેન્દ્ર સિંહ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને તે વર્ષ 2018માં ફૈઝાબાદ જેલમાં બંધ હતો. ત્યાર પછી તેને બારાબંકી જેલમાં ખસેડવામાં આવ્યો હતો. શિવેન્દ્ર સિંહે કહ્યું, ‘ભૂતપૂર્વ સાંસદ લલ્લુ સિંહે તેમની સમગ્ર ચૂંટણી દરમિયાન કુખ્યાત અપરાધીઓ અને ભયજનક હિસ્ટ્રીશીટર્સ સાથે અંગત રીતે પ્રચાર કર્યો, જે આખરે ચૂંટણીમાં તેમની હારનું કારણ બન્યું.’

UP BJPની અંદરથી સમાચાર આવી રહ્યા છે કે, રાજ્યમાં સદસ્યતા અભિયાન પૂર્ણ થયા પછી મોટો ફેરફાર થશે. લોકસભાની ચૂંટણીમાં જે બેઠકો પર પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો તે બેઠકોના જિલ્લા અને મહાનગર પ્રમુખોને બદલવામાં આવશે. આવા 50 જેટલા જિલ્લા પ્રમુખો અને મહાનગર પ્રમુખોને દૂર કરવામાં આવશે. સંગઠનમાં મોટા પાયે પરિવર્તન થશે. તેની અસર ડિવિઝનથી ઉપર સુધી જોવા મળશે. BJPએ રાજ્યને 98 સંગઠનાત્મક જિલ્લાઓમાં વહેંચી દીધું છે. 15 ઓક્ટોબર પછી દોષનો ટોપલો સૌપ્રથમ જિલ્લા પ્રમુખ અને મહાનગર પ્રમુખ પર ઢોળાશે.

error: Content is protected !!