fbpx

શરદ પવારે CM ચહેરા માટે આપી એવી ફોર્મ્યુલા કે ઉદ્ધવ અને BJP સહિત બધા થશે ‘ખુશ’!

Spread the love

થોડા સમય પહેલા ઉદ્ધવ ઠાકરે દિલ્હી ગયા હતા અને સોનિયા ગાંધી અને શરદ પવારને મળ્યા હતા. એવી ચર્ચા થઈ હતી કે શિવસેના (UBT) મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધન પર ઉદ્ધવ ઠાકરેને ફરીથી CM પદના ચહેરા તરીકે જાહેર કરવા દબાણ કરી રહી છે. એ પ્રવાસનું પરિણામ શું આવ્યું એ કોઈ જાણતું ન હતું. જો કે BJPએ તે મુલાકાતની મજાક ઉડાવી હતી અને કહ્યું હતું કે ઉદ્ધવ CM પદ માટે પોતાનો દાવો રજૂ કરવા ગયા હતા, પરંતુ તેમને કોઈ ખાતરી મળી નથી.

હવે પહેલીવાર શરદ પવારે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તાજેતરમાં, તેમણે સ્પષ્ટતા કરી હતી કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા MVAને મુખ્ય પ્રધાનપદના ચહેરા તરીકે જાહેર કરવાની કોઈ જરૂર નથી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના પ્રમુખ પવારે બુધવારે કહ્યું હતું કે, CM કોણ હશે તે અંગેનો નિર્ણય ચૂંટણી પરિણામો પછી લેવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, ગઠબંધનમાં કયો પક્ષ સૌથી વધુ બેઠકો જીતે છે તેના આધારે CM પદના ઉમેદવાર નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, તેઓ ઈચ્છે છે કે MVA સીટ વહેંચણીની પ્રક્રિયા પૂર્ણ કરે અને શક્ય તેટલી વહેલી તકે ચૂંટણી પ્રચાર શરૂ કરે. પવારે કહ્યું, ‘MVA નેતાઓએ 7 અને 9 સપ્ટેમ્બરની વચ્ચે વાતચીત શરૂ કરવી જોઈએ.’ તેમણે એમ પણ કહ્યું કે, તેઓ આશા રાખે છે કે ચૂંટણી પ્રક્રિયા નવેમ્બરના બીજા સપ્તાહ સુધીમાં પૂર્ણ થઈ જશે.

આ નિવેદનનો અર્થ એવો કાઢવામાં આવી રહ્યો છે કે, ઉદ્ધવ ભલે દિલ્હીમાં INDIA એલાયન્સના વરિષ્ઠ નેતાઓને મળવા ગયા, પરંતુ શરદ પવાર અને કોંગ્રેસ બંને તેમને ચૂંટણીમાં CM પદના ચહેરા તરીકે રજૂ કરવા પર હજુ સહમત નથી. જો કે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી મહત્તમ સંખ્યામાં વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી શકે છે અને જો મહાયુતિ સત્તામાં આવે છે, તો તેમનો આગળનો માર્ગ સરળ બની શકે છે.

મહારાષ્ટ્રના રાજકારણમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, શરદ પવારના નિવેદનથી સત્તાધારી મહાયુતિને આ ફોર્મ્યુલા અપનાવવામાં મદદ મળી શકે છે. કારણ કે CM એકનાથ શિંદે, DyCM દેવેન્દ્ર ફડણવીસ, DyCM અજિત પવારના મહાગઠબંધનમાં પણ ચૂંટણીમાં સમસ્યા એ છે કે તેમના પક્ષમાંથી CMનો ચહેરો કોણ હશે? જો કે હજુ સુધી મહાગઠબંધનમાં આવો કોઈ મુદ્દો ઉઠાવવામાં આવ્યો નથી, જો મહાગઠબંધન શરદ પવારની ફોર્મ્યુલા અપનાવે તો DyCM દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની BJPને સૌથી વધુ ફાયદો થશે. મહાયુતિમાં BJP પાસે સૌથી વધુ ધારાસભ્યો છે અને તે વધુમાં વધુ બેઠકો પર ચૂંટણી લડે તેવી પણ ધારણા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે BJP અને શિવસેનાએ DyCM દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં 2019ની ચૂંટણી લડી હતી અને MVA કરતા લગભગ બમણી બેઠકો જીતી હતી. આથી મહારાષ્ટ્રમાં BJPના કાર્યકરો માની રહ્યા છે કે, જો મહાયુતિ આ ફોર્મ્યુલા પર લડે તો BJPને સૌથી વધુ ફાયદો થઈ શકે છે અને આ સ્થિતિમાં DyCM દેવેન્દ્ર ફડણવીસ BJP તરફથી CM પદના દાવેદાર હોવાનું માનવામાં આવે છે, કારણ કે તેઓ છેલ્લા એક દાયકાથી મહારાષ્ટ્રમાં BJPની રાજનીતિનો ચહેરો છે.

error: Content is protected !!