કુસ્તી મહાસંઘના ભૂતપૂર્વ વડા અને BJPના નેતા બ્રિજ ભૂષણ શરણ સિંહે કુસ્તીબાજો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાવા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કોંગ્રેસના અનેક ટોચના નેતાઓ પર નિશાન સાધ્યું હતું. તેમની સામે કુસ્તીબાજોના વિરોધને યાદ કરતાં સિંહે કહ્યું, ‘આ રમત બે વર્ષ પહેલા શરૂ થઈ હતી.’
બ્રિજ ભૂષણ સિંહે કહ્યું, ‘લગભગ બે વર્ષ પહેલા આ ખેલાડીઓએ 18 જાન્યુઆરીએ એક ષડયંત્ર શરૂ કર્યું હતું. મેં કહ્યું હતું કે, આ એક રાજકીય ષડયંત્ર છે. આમાં કોંગ્રેસ સામેલ હતી, દીપેન્દ્ર હુડ્ડા સામેલ હતા, ભૂપેન્દ્ર હુડ્ડા સામેલ હતા. આખી સ્ક્રિપ્ટ લખવામાં આવી હતી. આ કોઈ ખેલાડીઓનું આંદોલન નહોતું અને હવે લગભગ બે વર્ષ પછી એ સ્પષ્ટ થઈ ગયું છે કે, કોંગ્રેસ આ નાટકમાં સામેલ હતી.’
મીડિયા સૂત્ર સાથે વાત કરતા સિંહે કહ્યું, ‘હું દીકરીઓનો ગુનેગાર નથી, જો દીકરીઓનો કોઈ ગુનેગાર હોય તો તે બજરંગ અને વિનેશ છે. તેમણે લખેલી સ્ક્રિપ્ટ માટે ભૂપેન્દ્ર હુડ્ડા જવાબદાર છે. તેણે લગભગ અઢી વર્ષ સુધી કુસ્તીની પ્રવૃત્તિ લગભગ બંધ કરી દીધી.’
વિનેશ ફોગાટ પર આકરા પ્રહારો કરતા બ્રિજભૂષણ સિંહે કહ્યું, ‘શું એ સાચું નથી કે બજરંગ ટ્રાયલ વગર એશિયન ગેમ્સમાં ગયો હતો. હું કુસ્તી નિષ્ણાતો અને વિનેશ ફોગટને પૂછવા માંગુ છું કે, શું કોઈ ખેલાડી એક દિવસમાં બે વજનમાં ટ્રાયલ આપી શકે છે? વજન કર્યા પછી પાંચ કલાક સુધી કુસ્તી રોકી શકાય? તમે નિયમની વાત કરો છો, શું એવો નિયમ છે કે ખેલાડીએ એક દિવસમાં બે વેઇટ કેટેગરીમાં ટ્રાયલ આપવી જોઈએ, શું તમે આમાં કોઈનો હક નથી માર્યો? શું પાંચ કલાક સુધી કુસ્તી બંધ નહોતી કરાવી? શું રેલ્વે રેફરીઓનો ઉપયોગ થતો ન હતો? તમે કુસ્તી જીતીને ગયા નથી, તમે છેતરપિંડી કરીને ગયા છો, તમે જુનિયર ખેલાડીઓનો હક મારીને ગયા છો, ભગવાને તમને ત્યાં તે જ સજા કરી છે.’
ભૂપેન્દ્ર હુડ્ડા પર નિશાન સાધતા બ્રિજ ભૂષણે આક્ષેપ કર્યો હતો કે, હરિયાણા કોંગ્રેસના નેતા ‘કુસ્તીબાજોના આંદોલન’ પાછળ છે. મીડિયા સૂત્રો સાથે વાત કરતા તેમણે કહ્યું, ‘આ કોંગ્રેસનું આંદોલન હતું. આ સમગ્ર આંદોલનમાં અમારી વિરુદ્ધ જે ષડયંત્ર રચાયું હતું તેનું નેતૃત્વ ભૂપેન્દ્ર હુડ્ડા કરી રહ્યા હતા. હું હરિયાણાના લોકોને કહેવા માંગુ છું કે, ભૂપેન્દ્ર હુડ્ડા, દીપેન્દ્ર હુડ્ડા, બજરંગ અથવા વિનેશ, તેઓ છોકરીઓના સન્માન માટે (વિરોધ પર) બેઠા ન હતા, તેમના કારણે હરિયાણાની દીકરીઓએ આના માટે શરમજનક સ્થિતિમાં મૂકવું પડ્યું છે, આના માટે ભૂપેન્દ્ર હુડ્ડા, દીપેન્દ્ર હુડ્ડા અને આ વિરોધીઓ જવાબદાર છે.’
વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના કોંગ્રેસમાં જોડાવા પર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ સંજય સિંહે કહ્યું, ‘આ તો થવાનું જ હતું. આખો દેશ જાણે છે કે, આ સમગ્ર વિરોધ કોંગ્રેસના ઈશારે થઈ રહ્યો હતો અને તેના માસ્ટરમાઈન્ડ દીપેન્દ્ર સિંહ હુડ્ડા એટલે કે હુડ્ડા પરિવાર હતો. આ વિરોધનો પાયો એ દિવસે નખાયો હતો, જ્યારે આપણા PM મોદીએ બ્રિજભૂષણ સિંહના વખાણ કર્યા હતા કે કુસ્તી સલામત હાથમાં છે. આ આખું કાવતરું એટલા માટે પણ ઘડવામાં આવ્યું હતું, કારણ કે, ઓલિમ્પિકમાં કુસ્તીના 4-5 મેડલ જીતવાના હતા. વિરોધનો અસર તે મેડલ પર પણ પડ્યો, ઓલિમ્પિક વર્ષમાં કોઈ કુસ્તીની પ્રવૃત્તિ થઇ ન હતી, તે કારણે આપણને ઓછા મેડલ મળ્યા, અમારા કુસ્તીબાજો પ્રેક્ટિસ કરી શક્યા નહીં. હવે આ લોકોનો અમારા કુસ્તી સંઘ પર કોઈ અસર પડવાનો નથી.’
હકીકતમાં, પેરિસ ઓલિમ્પિક દરમિયાન, વિનેશે 6ઠ્ઠી ઓગસ્ટના રોજ સતત 3 મેચ રમીને 50 Kg ફ્રી સ્ટાઇલ રેસલિંગની ફાઇનલમાં પ્રવેશ કરીને સિલ્વર મેડલ પાક્કો કર્યો હતો. ગોલ્ડ મેડલની મેચ 7મી ઓગસ્ટની રાત્રે યોજાવાની હતી, પરંતુ વિનેશને તે જ સવારે ગેરલાયક ઠેરવવામાં આવી હતી, કારણ કે મેચ પહેલા તેનું વજન 100 ગ્રામ વધુ હતું.
આ પછી વિનેશે CASમાં અપીલ કરી હતી. તેમની પ્રથમ માંગ એ હતી કે, તેમને ગોલ્ડ મેડલ મેચ રમવાની મંજૂરી આપવામાં આવે. પરંતુ નિયમોનો ઉલ્લેખ કરીને તેમની માંગ તરત જ ફગાવી દેવામાં આવી હતી. આ પછી વિનેશે અપીલ કરી અને કહ્યું કે તેને આ ઈવેન્ટમાં સિલ્વર મેડલ આપવામાં આવે. હવે આ અપીલ પણ ફગાવી દેવામાં આવી છે.