બિહારમાં રાજકીય અટકળોનું બજાર ગરમ છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા પણ શુક્રવારે પટના પહોંચ્યા હતા, અહીં તેઓ CM નીતિશ કુમારને મળ્યા. બંને નેતાઓએ અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. જો કે સમગ્ર કાર્યક્રમની સૌથી ખાસ વાત એ હતી કે, CM નીતિશ કુમારે બધાની સામે માફી માંગી હતી.
હકીકતમાં CM નીતિશ કુમારે પટનામાં આયોજિત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. JP નડ્ડા CM નીતીશ કુમાર સાથે મંચ પર હાજર હતા. CM નીતિશ કુમારે અહીં કહ્યું કે, અમે તે લોકો (RJD) સાથે બે વાર ગયા હતા, અમે ભૂલ કરી હતી. તે ફરી ક્યારેય થશે નહીં.
બિહારના CM નીતિશ કુમારે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો કે, તેઓ ભવિષ્યમાં ક્યારેય પણ RJD સાથે ગઠબંધન નહીં કરે. પટનામાં આયોજિત એક કાર્યક્રમમાં CM નીતીશ કુમારે RJD પર બિહાર માટે કામ ન કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું, ‘પહેલાના લોકોએ શું કરતા હતા, કશું કર્યું હતું? અમે બે વાર ભૂલ કરી, અમે તે લોકોને બે વાર સમર્થન આપ્યું અને પછીથી તેમને દૂર કર્યા. હવે અમે ક્યારેય આમ-તેમ જઈશું નહીં.’
CM નીતીશ કુમાર અહીં જ ન અટક્યા, તેમણે આગળ કહ્યું, ‘અમે શરૂઆતથી સાથે હતા. હું 1995થી તેમની સાથે જોડાયેલો રહ્યો હતો…વચ્ચે ક્યારેક બે-બે વાર આમ-તેમ થઇ ગયું, આ એક ભૂલ હતી. હવે કયારેય આમ-તેમ નહીં થઈએ. જોઈ લો, એ લોકોએ ક્યારેય કોઈ કામ કર્યું છે? પરંતુ તેમની ખોટી પ્રસિદ્ધિ થતી રહેતી હતી. આજકાલ અમે જોઈએ છીએ કે, તે બિહાર અને દિલ્હીના અખબારોમાં પણ પ્રકાશિત થાય છે. અમે સાથે હતા. અમે બંનેએ સાથે મળીને અહીં બધું કર્યું છે.’
3 સપ્ટેમ્બરના રોજ પટનામાં રાજ્ય સચિવાલયમાં ભૂતપૂર્વ INDIA બ્લોક પાર્ટનર સાથેની તેમની મુલાકાત અંગે CM નીતિશ કુમારની ટિપ્પણીઓથી પરિસ્થિતિ હવે સ્પષ્ટ થઈ ગઈ. BJP અધ્યક્ષ JP નડ્ડાની સામે તેમણે કહ્યું કે, પહેલા IGIMSમાં બેડની સંખ્યા 770 હતી. ત્યારપછી બેડની સંખ્યા વધારીને 1370 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આવતા વર્ષ સુધીમાં 1200 સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલો બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, 2005માં સ્વાસ્થ્યની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. હોસ્પિટલમાં દવાઓ અને ડોકટરોની અછત હતી અને એક મહિનામાં 39 દર્દીઓ પ્રાથમિક આરોગ્ય સંભાળ માટે આવ્યા હતા. પરંતુ 2006માં જ્યારે અમારી સરકાર બની ત્યારે મફત દવાઓ આપવાનો નિર્ણય લેવાયો હતો. પહેલા મહિનામાં 39 દર્દીઓ આવતા હતા, પરંતુ હવે દર મહિને 11 હજાર દર્દીઓ આવે છે.