fbpx

વીમા કંપનીએ ચોરાયેલા માલનો ક્લેઇમ 8 ટકા વ્યાજ સાથે ચૂકવવો પડ્યો

Spread the love

ટ્રાન્સપોર્ટ કંપની દ્રારા એક શહેરથી બીજા શહેર માલ મોકલનાર હજારો વેપારીઓ માટે માર્ગદર્શક રૂપ ચૂકાદામાં સુરત જિલ્લા ગ્રાહક કમિશન(મેઈન)ના પ્રમુખ ન્યાયાધીશ પી.પી. મેખીયા અને સભ્ય ડો. તીર્થેશ મહેતાએ ઠરાવ્યું છે કે જયારે ટ્રાન્સપોર્ટ કંપની દ્રારા માલ મોકલવામાં આવ્યો હોય અને ટ્રાન્સપોર્ટ કંપની કે ડ્રાઇવરની કોઈ કહેવાતી કસુર કે બેદરકારીના કારણે માલ ચોરાઇ જાય તો તે બદલ માલ મોકલનાર જવાબદાર ગણાય નહી. પરંતુ વીમા કંપની ચોરાયેલા માલનો કલેઇમ ચૂકવવા જવાબદાર થતી હોવાનું ઠરાવી કલેઈમના રૂા. 18,15,714/- 8%ના વ્યાજ સહીત તેમજ વળતર/ખર્ચના રૂા. 20,૦૦૦/5,૦૦૦/- સહીત ચુકવી આપવાનો વિમા કંપનીને આદેશ આપતો હુકમ કર્યો છે.

કેસની વિગત મુજબ કલાશ્રી ફેબ્રીક્સ પ્રા. લિ. (ફરિયાદી)એ એડવોકેટ શ્રેયસ દેસાઈ/પ્રાચી અર્પિત દેસાઈ/ઈશાન દેસાઈ મારફત ચોલા મંડલમ કંપની લિ. (સામાવાળા) વિરુધ્ધ સુરત જિલ્લા કમિશનમાં દાખલ કરેલ રસપ્રદ કેસમાં બન્યુ એવું હતું કે, ફરિયાદી કંપની સામાવાળા વીમા કંપનીનો Marin Cargo Open Policy તરીકે ઓળખાતો વીમો રૂા. 5 કરોડનો ધરાવતા હતા. વીમો અમલમાં હતો. તે દરમ્યાન પટના સહીતના જુદા-જુદા શહેરમાં આવેલા પોતાના અલગ-અલગ ૩૪ વેપારીઓને આર્ટ સિલ્ક કાપડનો માલ(સાડીઓ) ના અલગ-અલગ પાર્સલો NBT Logistic India Pvt. Ltd. નામની ટ્રાન્સપોર્ટ કંપની મારફત મોકલેલા. કુલ ૩૪ પાર્સલમાં કુલ રૂા. 18,17,714/- નો કાપડનો માલ(સાડીઓ) હતા. ટ્રાન્સપોર્ટ કંપનીએ અલગ-અલગ વેપારીઓને જે-તે પાર્સલની ડીલીવરી આપવાની હતી. પરંતુ ત્યારબાદ માલના Consignment જે-તે વેપારીઓ સુધી પહોચ્યા ન હતા. જેથી ફરિયાદી કંપની તે અંગે ટ્રાન્સપોર્ટ કંપની તરફે વારંવાર પુછપરછ કરેલી. પરંતુ ટ્રાન્સપોર્ટ કંપની દ્રારા કોઇ સંતોષ કારક ખુલાસો થતો ન હતો. જેથી ફરિયાદીએ ટ્રાન્સપોર્ટ કંપનીને લીગલ નોટિસ પણ અપાવી હતી.

ટ્રાન્સપોર્ટ કંપનીએ બેટના પોલીસ સ્ટેશન (જિ. ઈન્દોર) સમક્ષ ફરિયાદીના ૩૪ પાર્સલ ગુમ/ચોરી થયેલ હોવાની FIR નોંધાવેલી હતી. અને FIR ની નકલ ફરિયાદી કંપનીને આપેલ હતી. વધુમાં, ટ્રાન્સપોર્ટ કંપનીએ ફરિયાદીને એક Non-Delivery Certificate પણ આપેલ હતું. જેમાં ફરિયાદીના ૩૪ પાર્સલ ટ્રાન્ઝીટમાં ગુમ થયેલ હોવાનું તેમજ ગુમ થયેલ માલની કિમંત રૂા. 18,15,714/ હોવાનું પ્રમાણિત કરાયુ હતું. જેથી ફરિયાદી કંપનીએ સામાવાળા વીમા કંપની સમક્ષ ટ્રાન્ઝીટમાં ચોરાયેલ માલ અંગે મરીન ઇન્સ્યુરન્સ પોલીસી અન્વયે રૂા. 18,15,714/- નો ક્લેઈમ કર્યો હતો.પરંતુ, સામાવાળા વીમા કંપનીએ ફરિયાદીનો ફરિયાદવાળો કક્લેઈમ નામંજુર કર્યો હતો.

વીમા કંપનીએ ક્લેઈમ નામંજુર કરવાના કારણ અંગે જણાવ્યુ હતું કે, ફરિયાદવાળો માલ ટ્રકમાં લઈને ટ્રક ડ્રાઇવર બેલના(ઈન્દોર) તા. ૦1/૦1/2017 ના રોજ બપોરે પહોચ્યો હતો અને ડ્રાઈવરે ટ્રક ટ્રાન્સપોર્ટ કંપનીની ઓફીસ પાસે પાર્ક કરી હતી. તે દિવસે રવિવારની રજા હતી. જેથી ડ્રાઇવર અને કલીનર ટ્રક પાર્ક કર્યા પછી પોતાના ઘરે ગયા હતા. અને બીજા દીવસે એટલે કે તા. ૦2/૦1/2017 ના સવારમાં 7 વાગ્યે ડ્રાઇવર અને કલીનર જયાં ટ્રક પાર્ક કરી હતી તે સ્થળ પર આવ્યા હતા ત્યારે તેમણે જોયું હતુ કે ટ્રક પર ઓઢાડેલ તાડપત્રી કોઈકે કાપી/ ફાડી નાખી હતી. અને ફરિયાદીના માલવાળા ૩૪ પાર્સલ ગુમ ચોરી થયેલ હતા. આમ, ટ્રાન્સપોર્ટ કંપનીના ડ્રાઇવર/કક્લીનરે ફરિયાદીના માલવાળી ટ્રક Unattended છોડી હતી. અને વીમા કંપનીની પોલીસીની શરત પ્રમાણે વાહન ને Unattended છોડવામાં આવે તો વીમા કંપની કલેઈમ ચૂકવવા જવાબદાર બનતી નથી. એમ જણાવી વીમા કંપનીએ કલેઈમ ચુકવવાનો ઇન્કાર કર્યો હતો. જેથી મામલો ગ્રાહક કમિશન સુધી પહોચ્યો હતો.

ફરિયાદી તરફે સુનાવણી દરમ્યાન એડવોકેટ શ્રેયસ દેસાઈ/ પ્રાચી અર્પિત દેસાઈ/ ઇશાન શ્રેયસ દેસાઈએ દલીલો કરતા જણાવ્યું હતું કે, વાહન ટ્રાન્સપોર્ટ કંપનીનું હતું. ફરીયાદીનું ન હતું. ફરીયાદીએ ટ્રાન્સપોર્ટ કંપની ને માલ Entrust કરેલો અને જો ટ્રાન્સપોર્ટ કંપનીના ડ્રાઇવર/ કલીનરના પક્ષે કોઇ કહેવાતો કસુર થયો હોય તો પણ તેના પર ફરિયાદીઓનો કોઇ અંકુશ હોતો નથી. અને તેથી તેવા કહેવાતા કસુરને કારણે સામાવાળા વીમા કંપની ફરિયાદીઓનો કલેઈમ ચૂકવવાનો ઈનકાર કરી શકે નહી.વધુમાં, Unattended vehicle વાળો ક્લોઝ Carrier ની કસ્ટડીમાં રહેલા માલને લાગુ પડતો નથી. એવી પણ રજૂઆત કરી હતી.

સુરત જિલ્લા ગ્રાહક કમિશન (મુખ્ય) ના પ્રમુખ ન્યાયાધીશ પી.પી. મેખિયા અને સભ્ય ડો. તીર્થેશ મહેતાએ કરેલા હુકમમાં ફરિયાદીનો કલેઈમ રદ કરાવાનું વીમા કંપનીનું કૃત્ય સેવામાં ખામી ગણી શકાય તે પ્રકારનું છે એમ ઠરાવી ફરિયાદી કંપનીને ગુમ/ ચોરી થયેલ માલના કલેઈમના રૂા. 18,15,714/- ફરિયાદની તારીખથી 8% ના વ્યાજ સહિત તેમજ ખર્ચ/ વળતર માટે બીજા વધારાના રૂા. 20,૦૦૦/ 5,૦૦૦/- સહિત દિન-30માં ચુકવી આપવાનો વિમા કંપનીને આદેશ આપતો હુકમ કર્યો છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!