ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી એક શરમજનક ઘટના સામે આવી છે. અહી એક જ્યૂસ વિક્રેતા જ્યૂસમાં પેશાબ ભેળવીને લોકોને પીવાડતો હતો. લોકોની ફરિયાદ બાદ આરોપી જ્યૂસ વિક્રેતા અને તેના 15 વર્ષીય દીકરાની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. આ સંબંધમાં જાણકારી આપતા પોલીસે જણાવ્યું હતું કે, શુક્રવારે એક જ્યૂસ વિક્રેતાની ધરપકડ કરવામાં આવી અને તેના 15 વર્ષીય દીકરાને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
તેમણે કહ્યું હતું કે, આ મામલો કથિત રૂપે ગ્રાહકોને પેશાબ ભેળવીને ફળોનું જ્યૂસ પીરસવાનો છે. પોલીસના જણાવ્યા અનુસાર, લોકોની ફરિયાદ બાદ આ ધરપકડ કરવામાં આવી કે જ્યૂસ વિક્રેતા ગ્રાહકોને માનવ પેશાબની મિશ્રણ કરેલું જ્યૂસ પીરસી રહ્યો હતો. અંકુર વિહારના ACP ભાસ્કર વર્માએ શુક્રવારે જણાવ્યું હતું કે, આરોપીની ઓળખ આમીર ખાનના રૂપમાં થઈ છે. જાણકારી મળતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને તેના જ્યૂસ સ્ટોલની તપાસ કરવામાં આવી હતી. જ્યાંથી પેશાબ ભરેલી પ્લાસ્ટિકની કેન પણ મળી આવી છે.
પોલીસે જણાવ્યું હતું કે, માલિકને પેશાબ ભરેલા કન્ટેનર બાબતે પૂછપરછ કરવામાં આવી, પરંતુ તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. અંકુર વિહારના ACP ભાષ્કર વર્માએ જણાવ્યું કે, આ મામલે જ્યૂસ વિક્રેતાના પુત્રને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ગ્રાહકો જ્યૂસ વિક્રેતા વિરુદ્ધ ઘણા દિવસોથી ફરિયાદ કરી રહ્યા હતા. ત્યારબાદ પોલીસની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલમાં આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પોલીસ પૂછપરછમાં દુકાનદારે જણાવ્યું કે, તે મૂળ બહારાઇચના કેસરગંજનો રહેવાસી છે. એ દુકાન તેના પિતરાઇ ભાઈની હતી. તે એક મહિના અગાઉ પોતાના ઘરે જતો રહ્યો હતો. ત્યારથી આ બંને આ દુકાન ચલાવી રહ્યા હતા. દુકાનમાં કોઈ CCTV કેમેરા પણ ન મળ્યા. ઘટના બાદ લોકોમાં ગુસ્સો છે. તેમણે ક્ષેત્રમાં ચાલી રહેલી ઘણી અન્ય દુકાનોની પણ તપાસ કરાવવાની માગ કરી છે.