મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં નેશનલ હાઈવે 44 પર એશિયાનો સૌથી મોટો અને દેશનો પ્રથમ સાઉન્ડ પ્રૂફ બ્રિજ બનાવવામાં આવ્યો છે. જિલ્લામાં સતત વરસાદને કારણે આ સાઉન્ડ પ્રૂફ બ્રિજને નુકસાન થયું છે. હવે તેનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે, જેના કારણે હાઈવે પર સતત ટ્રાફિક જામ થઈ રહ્યો છે. કાશ્મીરથી કન્યાકુમારીને જોડતો નેશનલ હાઈવે-44 સિવની જિલ્લામાંથી પસાર થાય છે અને આ સાઉન્ડ પ્રૂફ બ્રિજ આ હાઈવેનો એક ભાગ છે.
અહીં તમને જણાવી દઈએ કે, આ એશિયાનો સૌથી મોટો સાઉન્ડ પ્રૂફ બ્રિજ છે, જે સિવનીથી નાગપુર રોડ પર પેંચ ટાઈગર રિઝર્વના જંગલોની વચ્ચે બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ પર વાહનો ખૂબ જ ઝડપથી ચાલે છે, પરંતુ બ્રિજની નીચે વાહનોનો અવાજ સંભળાતો નથી. તેના પર લાઈટ રીડ્યુસર પણ લગાવવામાં આવ્યું છે. તેના પર વન્યજીવો માટે 14 એનિમલ અંડરપાસ પણ બનાવવામાં આવ્યા છે. આ 29 કિલોમીટર લાંબો પુલ 960 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. તેને એક ખાનગી કંપની દિલીપ બિલ્ડકોન દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેમણે આ બ્રિજ માટે 10 વર્ષની ગેરંટી આપી હતી, પરંતુ માત્ર 5 વર્ષમાં જ તે વરસાદ સામે ટકી શક્યો નથી અને ઘણી જગ્યાએથી તૂટી ગયો છે. ભારે વરસાદને કારણે આ પુલ પર અનેક જગ્યાએ તિરાડો પડી ગઈ છે. આ પુલ પર એક બાજુથી વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. આ પુલ પર હંમેશા ભારે વાહનોની અવરજવર રહે છે. સદ્દનસીબે તિરાડ પડી ત્યારે તેના પર કોઈ ભારે વાહન ન હતું, અન્યથા મોટો અકસ્માત સર્જાઈ શક્યો હોત.
હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે, કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ જે રીતે શ્રેષ્ઠ એન્જિનિયરિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો, તે માત્ર 5 વર્ષમાં જ વરસાદને કારણે બગડી ગયો હતો. રોડ અનેક જગ્યાએ તૂટી ગયો છે. એટલું જ નહીં, અવાજને જંગલોમાં ન પહોંચે તે માટે જે જાળી લગાવવામાં આવી હતી તે પણ ઉખડી ગઈ છે. હાલમાં આ બ્રિજ બનાવનાર કંપની રિપેરિંગનું કામ કરાવી રહી છે.
અહીં તમને જણાવી દઈએ કે, મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. આવી સ્થિતિમાં સિવનીમાં બનેલો એશિયાનો સૌથી મોટો માટીનો ડેમ સંજય સરોવર પણ તેની મહત્તમ સપાટી પર છે.