PM નરેન્દ્ર મોદીને મળેલી ભેટોની હરાજી શરૂ થઈ ગઈ છે. PM મોદીએ પણ લોકોને E-ઓક્શનમાં ભાગ લેવાની અપીલ કરી છે. આ ભેટોમાં પેરાલિમ્પિક મેડલ વિજેતાઓની વસ્તુઓ અને અયોધ્યામાં રામ મંદિરની પ્રતિકૃતિ સહિત લગભગ 600 વસ્તુઓનો સમાવેશ થાય છે. 17 સપ્ટેમ્બરે શરૂ થયેલી હરાજી બુધવાર, 2 ઓક્ટોબર સુધી ચાલશે.
PM મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું, ‘દર વર્ષે હું જાહેર કાર્યક્રમો દરમિયાન મળેલા વિવિધ સંભારણાઓની હરાજી કરું છું. હરાજીની આવક ‘નમામી ગંગે પહેલ’ને જાય છે. મને જણાવતા આનંદ થાય છે કે, આ વર્ષની હરાજી શરૂ થઈ ગઈ છે. તમને રુચિ હોય તેવા સંભારણું માટે બોલી લગાવો.’
સાંસ્કૃતિક મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે સોમવારે અહીં નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ ખાતે PM મોદી દ્વારા મળેલા સ્મૃતિચિહ્નો દર્શાવતા પ્રદર્શનની મુલાકાત લીધી હતી. ત્યાર પછી, તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આ ભેટોની હરાજી માટેની મૂળ કિંમત સરકારી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે છે અને કિંમતો લઘુત્તમ રૂ. 600 થી મહત્તમ રૂ. 8.26 લાખ સુધીની હોય છે.
જેની આધાર કિંમત સૌથી વધુ રાખવામાં આવી છે, તેમાં પેરાલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા નિત્યા શ્રી સિવન અને સુકાંત કદમના બેડમિન્ટન રેકેટ અને સિલ્વર મેડલ વિજેતા યોગેશ ખાતુનિયાની ‘ડિસ્કસ’નો સમાવેશ થાય છે. તેમની મૂળ કિંમત લગભગ 5.50 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
પેરાલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા અજીત સિંહ અને સિમરન શર્મા અને સિલ્વર મેડલિસ્ટ નિષાદ કુમાર દ્વારા ગિફ્ટમાં આપેલા શૂઝ સિવાય સિલ્વર મેડલ વિજેતા શરદ કુમાર દ્વારા હસ્તાક્ષર કરાયેલી કેપની બેઝ પ્રાઈસ લગભગ 2.86 લાખ રૂપિયા રાખવામાં આવી છે.
રામ મંદિરની પ્રતિકૃતિ જેની કિંમત રૂ. 5.50 લાખ છે, મોરની પ્રતિમા જેની કિંમત રૂ. 3.30 લાખ છે, રામ દરબારની પ્રતિમા જેની કિંમત રૂ. 2.76 લાખ છે અને ચાંદીની વીણા જેની કિંમત રૂ. 1.65 લાખ છે. જેમાં ઊંચી કિંમતવાળી વસ્તુઓનો સમાવેશ થાય છે.
સૌથી ઓછી મૂળ કિંમતની ભેટોમાં કોટન અંગવસ્ત્રમ, ટોપી અને શાલનો સમાવેશ થાય છે, જેની કિંમત રૂ. 600 રાખવામાં આવી છે.
તમે https://pmmementos.gov.in/ વેબસાઇટ પર નોંધણી કરીને હરાજીમાં ભાગ લઈ શકો છો. જો તમારી પાસે પહેલેથી જ લૉગિન વિગતો છે, તો આ તમને તમારી મનપસંદ વસ્તુઓને તમારા કાર્ટમાં ઉમેરવામાં મદદ કરી શકે છે. જ્યારે, નવા વપરાશકર્તાઓ મોબાઇલ નંબર, E-mail જેવી માહિતીની મદદથી સાઇન અપ કરી શકે છે. ઉપરાંત, રાજધાની દિલ્હીમાં જયપુર હાઉસમાં નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટમાં સ્મૃતિચિહ્નો જોઈ શકાય છે. આ સવારે 11 થી સાંજના 6 વાગ્યા સુધી જોઈ શકાશે.