ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રાહુલ દ્રવિડે ગુરુવારે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી કે રાષ્ટ્રીય ટીમમાં તેમની જગ્યા લેનાર ગૌતમ ગંભીર પોતાની ભૂમિકામાં ખૂબ સફળ સાબિત થશે. રાહુલ દ્રવિડની આગેવાનીમાં ભારતીય ટીમે રમતના ત્રણેય ફોર્મેટમાં સારી સફળતા હાંસલ કરી. ટીમે 24 ટેસ્ટમાં 14માં જીત હાંસલ કરી, જ્યારે આ દરમિયાન ટીમે 53માંથી 36 વન-ડે અને 70માંથી 51 T20 આંતરરાષ્ટ્રીય મોચોમાં જીત હાંસલ કરી છે. એક ઇવેન્ટ દરમિયાન ગૌતમ ગંભીર બાબતે પૂછવામાં આવ્યું તો રાહુલ દ્રવિડે કહ્યું કે, તેમની પાસે ખૂબ અનુભવ છે. એક ખેલાડી તરીકે પણ તેઓ ખૂબ રમ્યા છે. તેમણે કોચિંગ પણ ખૂબ કરી છે. મને વિશ્વાસ છે કે તેઓ આ ભૂમિકામાં શાનદાર સાબિત થશે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અને વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો, પરંતુ આ વર્ષે અમેરિકા અને વેસ્ટ ઈન્ડીઝમાં આયોજીત T20 વર્લ્ડ કપમાં જીત સાથે તેમણે પોતાના કાર્યકાળને સફળતા સાથે ખતમ કર્યો. ભારતીય ટીમ સાથે ગૌતમ ગંભીરનોનો કાર્યકાળ ગયા મહિનાના શ્રીલંકા પ્રવાસથી શરૂ થયો હતો, જ્યાં T20 સીરિઝમાં ટીમને સફળતા મળી, જ્યારે વન-ડે સીરિઝમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
તેની દેખરેખમાં ટીમ પહેલી વખત બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં રમી રહી છે. ભારત માટે 164 ટેસ્ટમાં 13288 અને 344 વન-ડેમાં 10889 રન બનાવનારા આ પૂર્વ મહાન બેટ્સમેને કહ્યું કે, કોઈ પણ કોચ પરિસ્થિતિઓને નિપટવા માટે પોતાના અનુભવના જ્ઞાનનો ઉપયોગ કરે છે. મને વિશ્વાસ છે કે ગૌતમ પોતાના સહયોગી સભ્યો સાથે જે પણ નિર્ણય લેશે, તેનાથી ટીમને ફાયદો થશે. ભારતીય ટીમે આગામી કેટલાક મહિનાઓમાં બાંગ્લાદેશ સિવાય ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઘરેલુ ટેસ્ટ સીરિઝ બાદ 5 મેચોની સીરિઝ માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસે જવાનું છે. એવામાં ગંભીર સામે મોટો પડકાર છે.
ભારતીય ટીમ માટે ત્રણેય ફોર્મેટ મળાવીને 10 હજાર કરતા વધુ રન બનાવનાર ગંભીર પાસે રાષ્ટ્રીય ટીમને કોચિંગ આપવા અગાઉ IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના મેન્ટર તરીકે માર્ગદર્શન કરવાનો અનુભવ છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચોની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ રમાઈ રહી છે. આ સીરિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ચક્રનો હિસ્સો છે. ત્યારબાદ ભારતે ન્યૂઝીલેન્ડ સામે 3 મેચોની સીરિઝ અને ઓસ્ટ્રેલિયામાં 5 મેચોની બોર્ડર ગાવસ્કર સીરિઝ રમવાની છે. ભારત WTCમાં 68.52 ટકા અંક સાથે ટોપ પર છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 62.52 ટકા પોઇન્ટ્સ સાથે બીજા નંબર પર છે. બાંગ્લાદેશ 45.83 ટકા પોઇન્ટ્સ સાથે ચોથા નંબર પર છે.