દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ઈન્ટરસ્ટેટ વોન્ટેડ ગુનેગાર મુકીમ અયુબ ખાનની ધરપકડ કરી છે. અય્યુબ વડોદરા, ગુજરાતનો કાયમી રહેવાસી છે. તેમની ઉંમર 38 વર્ષની છે. અય્યુબે લગ્નના બહાને મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ દ્વારા 50થી વધુ મહિલાઓને છેતર્યા હોવાનો આરોપ છે. તે વરિષ્ઠ સરકારી અધિકારી હોવાનું નાટક કરીને છોકરીઓને લલચાવતો હતો. તે ઘણા રાજ્યોમાં આવી ઘટનાઓમાં સંડોવાયેલો છે અને વિવિધ રાજ્યોની પોલીસ તેને શોધી રહી હતી.
અય્યુબના લગ્ન 2014માં થયા હતા અને તેના ત્રણ બાળકો પણ છે. તેમ છતાં તે છેલ્લા ચાર વર્ષથી લગ્નના નામે મહિલાઓ અને યુવતીઓને શિકાર બનાવીને જુદા જુદા રાજ્યોમાં નાસતો ફરતો હતો. અય્યુબનો પ્રથમ શિકાર ગુજરાતના વડોદરાની છૂટાછેડા લીધેલી મહિલા હતી. શાદી.કોમ પર પ્રોફાઈલ બનાવીને અય્યુબે નોકરી કરતી આ મહિલાને પોતાની જાળમાં ફસાવી હતી.
તેની પ્રોફાઈલમાં તેણે પોતાને સરકારી અધિકારી બતાવ્યો હતો. આ ઉપરાંત પ્રોફાઇલમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે, તેની પત્નીનું અવસાન થયું છે. વાતચીત દરમિયાન, તે વિશાળ હૃદયનો હોવાનું નાટક કરીને મહિલા અને તેના પરિવારને કહ્યું કે, તેને કોઈ જાતની કમી નથી. તે પોતાની દીકરી માટે માત્ર એક માતા ઈચ્છે છે. આવી સ્થિતિમાં, મહિલાના પરિવારના સભ્યો અય્યુબની વાતથી પ્રભાવિત થયા અને તેઓએ તેમની પુત્રીના લગ્ન તેની સાથે કરી દીધા.
આ પછી, એટલે કે 2020થી, અય્યુબે બીજી ફેક પ્રોફાઇલ બનાવીને દેશભરની છોકરીઓ અને મહિલાઓને ફસાવવાનું શરૂ કર્યું. પહેલા તે મેટ્રિમોનિયલ વેબસાઈટ દ્વારા છોકરીઓને લલચાવીને મોટી મોટી વાતો કરતો હતો, પછી મહિલાઓ અને છોકરીઓને ઈમોશનલી બ્લેકમેલ કરીને તેની પત્ની અને મૃત દીકરીના ફોટા બતાવતો હતો. જેના કારણે મહિલાઓ અને યુવતીઓ તેના પર ભરોસો કરતા અને તે તેમની સાથે લગ્ન કરીને પૈસા પડાવી લેતો અને પછી ફરાર થઈ જતો. અય્યુબ હાઈપ્રોફાઈલ છોકરીઓ અને છૂટાછેડા લીધેલી મહિલાઓને જ ટાર્ગેટ કરતો હતો.
જ્યારે તેની ફરિયાદો દિલ્હી પોલીસ સુધી પહોંચી ત્યારે ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી એક્સટોર્શન એન્ડ કિડનેપિંગ સેલને તેને પકડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પણ અય્યુબ સુધી પહોંચવું સહેલું ન હતું. કારણ કે તે સતત પોતાનો મોબાઈલ નંબર અને લોકેશન બદલતો રહેતો હતો. જ્યાં સુધી પોલીસ તેને શોધીને એક જગ્યાએ પહોંચી શકે ત્યાં સુધીમાં તો તે બીજી જગ્યાએ પહોંચી જતો હતો. જોકે બાતમીદારની બાતમી પરથી પોલીસે વડોદરાથી દિલ્હી નિઝામુદ્દીન પહોંચેલી ટ્રેનમાંથી તેની ધરપકડ કરી હતી.