મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના બરાબર પહેલા રાજ્યની એકનાથ શિંદે સરકારે મોટો દાવ રમી નાખ્યો છે. શિંદે કેબિનેટે સોમવારે રાજ્યમાં બ્રાહ્મણ અને રાજપૂત જાતિઓના આર્થિક રૂપે નબળા વર્ગોના કલ્યાણ માટે અલગ અલગ બોર્ડની રચના કરવાનો નિર્ણય લીધો છે. બ્રાહ્મણ જાતિઓ માટે ‘પરશુરામ આર્થિક વિકાસ નિગમ’ અને રાજપૂત સમુદાય માટે ‘વીર શિરોમણી મહારાણા પ્રતાપ આર્થિક વિકાસ નિગમ’ની રચના કરવાનો નિર્ણય લીધો છે. મંત્રીમંડળે બંને કલ્યાણ બોર્ડ માટે 50-50 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી દીધી છે.
મહારાષ્ટ્રમાં બ્રાહ્મણ સમુદાય આ કલ્યાણ બોર્ડની સ્થાપના માટે ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહ્યો હતો. વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજ્યમાં અનામતની માગને લઇને ઘણા સમુદાય આક્રમક થઇ ગયા છે. તેને ધ્યાનમાં લઇને શિંદે સરકારે આ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ મીટિંગમાં 24 મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. તેમાં 3 કૌટુંબિક પેટાજાતિઓને અન્ય પછાત વર્ગ (OBC)માં સામેલ કરવાનો પણ નિર્ણય સામેલ છે.
માનવામાં આવી રહ્યું છે કે રાજ્યની મહાયુતિ સરકારે આ નિર્ણયોના માધ્યમથી એ સમુદાયોને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે, જેથી તેમનો ચૂંટણી લાભ મળી શકે. મહારાષ્ટ્ર સરકારે એક અન્ય નિર્ણયમાં પૂણે એરપોર્ટનું નામ જગદ્ગુરુ સંત તુકારામ મહારાજ પૂણે આંતરરાષ્ટ્રીય વિમાનપત્તન કરવાના પ્રસ્તાવને સોમવારે મંજૂરી આપી છે. એક અધિકારીએ જણાવ્યું કે, રાજ્ય સરકારના મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો અને પ્રસ્તાવ કેન્દ્રને મોકલવામાં આવશે.
રાજ્ય મંત્રીમંડળે એરપોર્ટનું નામ બદલવાના કેન્દ્રીય નાગર વિમાનન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી. મોહોલ પુણેથી જ છે. મોહોલે ભાજપ, શિવસેના અને NCPની મહાયુતિ સરકારને આ નિર્ણય માટે આભાર માન્યો. તેમણે X (અગાઉ ટ્વીટર) પર લખ્યું કે, ‘આભાર મહાયુતિ સરકાર. આભાર દેવેન્દ્ર (ફડણવીસ) જી. પુણેમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ જગદ્ગુરુ સંત તુકારામ મહારાજ વિમાનપત્તન કરવા માટે, આજે પહેલું પગલું ઉઠાવવામાં આવ્યું છે અને મારા પ્રસ્તાવને કેબિનેટની બેઠકમાં સ્વીકૃતિ મળી ગઇ. તેને હવે આગળની પ્રક્રિયા માટે કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. સંત તુકારામ ભક્તિ આંદોલનના પ્રસિદ્ધ સંત અને આધ્યાત્મિક કવિ હતા. તેમનો જન્મ પૂણે જિલ્લામાં થયો હતો.