કાનપુરનું ગ્રીન પાર્ક સ્ટેડિયમ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થનારી બીજી ટેસ્ટ મેચનું સાક્ષી બનશે. આ મેચ 27 સપ્ટેમ્બરથી સવારે 9:30 વાગ્યાથી શરૂ થશે. ઉલ્લેખનીય વાત એ છે કે વર્ષ 2021 બાદ કાનપુરમાં ભારતીય ટીમ કોઈ ટેસ્ટ મેચ રમવા ઉતરી રહી છે. ત્યારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચ ડ્રો રહી હતી. એવામાં સવાલ છે કે ચેન્નાઇના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમની પીચની તુલનામાં ગ્રીનપાર્ક સ્ટેડિયમની પીચ કેવી હશે? પરંતુ હવે પીચના મિજાજને લઈને ઘણી વસ્તુઓ સામે આવી છે.
તો એવો રિપોર્ટ પણ સામે આવ્યો છે કે, કાનપુરની પીચની માટીની તપાસ IIT પાસે કરવામાં આવી છે. ગ્રીન પાર્કના ક્યૂરેટરે જણાવ્યું હતું કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ માટે પીચ આદર્શ રહેશે, જે પહેલા 2 સેશનમાં ફાસ્ટ બોલરો અને છેલ્લા 3 દિવસોમાં સ્પિનરોની મદદ કરશે એટલે કે બૉલ સ્પિન થશે. ક્યૂરેટર શિવ કુમારે કહ્યું કે, તેમાં ચેન્નાઈમાં થયેલી મેચ જેવો અનુભવ થશે. તેમાં બધા માટે કંઈક ને કંઈક હશે. પહેલા 2 સેશનમાં ઉછાળ મળશે અને પહેલા 2 દિવસોમાં બેટિંગ માટે તે ખૂબ સારી હશે, પછી અંતિમ 3 દિવસોમાં સ્પિનરોની ભૂમિકા મહત્ત્વની રહેશે.
ગ્રીન પાર્કની પીચ માટે કાળી માટી હંમેશાંની જેમ ઉન્નાવની પાસેના ગામથી મગાવવામાં આવી છે, જે કાનપુરથી 23 કિમી દૂર છે. કાળી માટીથી બનેલી પીચો પારંપરિક રૂપે સ્પિનરોને મદદ કરે છે, જ્યારે લાલ માટી ફાસ્ટ બોલરોને મદદ કરે છે. પીચ ધીમી રહેશે તેવી અપેક્ષા છે. ઉત્તર પ્રદેશ ક્રિકેટ સંઘ (UPCA)ના એક અધિકારીએ કહ્યું કે, ‘અમે આ માટીની તપાસ IIT પાસે કરાવીએ છીએ. આ એક વિશેષ માટી છે, આ કાળી માટી ગામના એક તળાવ પાસે મળે છે. અમે વર્ષોથી કાળી માટી લાવીએ છીએ.
UPCAએ પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે બીજી ટેસ્ટ દરમિયાન પ્લાસ્ટિકના ઉપયોગને ખૂબ ઓછો કરવાનો નિર્ણય લીધો છે. UPCAએ સ્ટેડિયમની અંદર સ્નેક્સ પીરસવા માટે પ્લાસ્ટિકની પ્લેટો પર પ્રતિબંધ લગાવી દીધો છે અને માત્ર કાગળની પ્લેટોને મંજૂરી આપવામાં આવશે. સ્ટેડિયમના ડિરેક્ટર સંજય કપૂરે કહ્યું કે, આ ગ્રીન પાર્કમાં થનારી મેચ છે અને અમે તેને ગ્રીન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
તેમણે કહ્યું કે, અમે જેટલું સંભવ થઈ શકે એટલું ઓછું પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. ધ્યાન રહે ભારતીય ટીમે ચેન્નાઈમાં પહેલી ટેસ્ટમાં બાંગ્લાદેશી ટીમને 280 રનથી હરાવી હતી. 1952માં કાનપુરના ગ્રીન પાર્કમાં સૌથી પહેલા કોઈ ટેસ્ટ મેચ રમાઈ હતી. ત્યારથી અત્યાર સુધી અહી કુલ 23 ટેસ્ટ મેચ રમાઈ છે. આ 23 મેચોમાં ભારતીય ટીમે 7 મેચો અહી જીતી છે. તો 3 મેચોમાં તેને હાર મળી છે. તો 13 મેચ ડ્રો રહી છે. બાંગ્લાદેશની ટીમ કાનપુરના મેદાનમાં પહેલી વખત કોઈ ટેસ્ટ મેચ રમવા ઉતરી રહી છે.