સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક ચીફ જસ્ટિસ DY ચંદ્રચુડે મરાઠીમાં બોલવાનું શરૂ કર્યું. CJIએ અરજદારને ઠપકો આપ્યો અને પક્ષકારોને કોર્ટરૂમની શિષ્ટાચારની યાદ અપાવી. હકીકતમાં, સુનાવણી દરમિયાન, એક વકીલે એક પ્રશ્નના જવાબમાં ‘યા યા’ કહ્યું હતું, જે સાંભળીને પછી CJI DY ચંદ્રચુડે તેમને ઠપકો આપ્યો હતો.
અરજીકર્તાના વકીલો પૂર્વ CJI રંજન ગોગોઈ વિરુદ્ધ તપાસની માંગ કરી રહ્યા હતા અને તેમની અરજી પર દલીલો કરી રહ્યા હતા. આ દરમિયાન વકીલે કહ્યું કે, આ એક ગેરકાયદેસર બરતરફી છે. તેના પર CJI DY ચંદ્રચુડે કહ્યું, ‘પણ શું આ કલમ 32 હેઠળની અરજી છે? જજને પ્રતિવાદી બનાવીને તમે PIL કેવી રીતે દાખલ કરી શકો? આ પછી વકીલે કહ્યું, ‘યા યા, તત્કાલીન CJI રંજન ગોગોઈ… મને ક્યુરેટિવ ફાઇલ કરવાનું કહેવામાં આવ્યું હતું.
વકીલની આ વાત પર CJI DY ચંદ્રચુડ ગુસ્સે થઈ ગયા અને તેમને ઠપકો આપતા કહ્યું કે, આ કોફી શોપ નથી! તેણે કહ્યું, ‘યા યા યા.. ન કહો. હા કહો. આ કોઈ કોફી શોપ નથી. આ કોર્ટ છે. મને યા યા કહેતા લોકોથી થોડી એલર્જી છે.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘જસ્ટિસ ગોગોઈ આ કોર્ટના ભૂતપૂર્વ જજ હતા અને તમે કોઈ જજ વિરુદ્ધ આવી અરજી દાખલ કરી શકો નહીં અને ઈન-હાઉસ તપાસની માંગ ન કરી શકો, કારણ કે તમે બેન્ચ સમક્ષ સફળ ન થયા.’
આ પછી વકીલે કહ્યું, ‘પરંતુ, જસ્ટિસ ગોગોઈએ તે નિવેદન પર આધાર રાખીને મારી અરજી ફગાવી દીધી હતી, જેને મેં ગેરકાયદે ગણાવીને પડકારી હતી. મારી કોઈ ભૂલ ન હતી, મેં CJI ઠાકુરને વિનંતી કરી હતી કે, તેઓ શ્રમ કાયદાઓથી પરિચિત બેંચ સમક્ષ મારી સમીક્ષા અરજી રજૂ કરે. પરંતુ, આવું ન થયું અને તેને નકારી કાઢવામાં આવ્યું. તેના પર CJIએ કહ્યું કે, રજિસ્ટ્રી અરજી પર વિચાર કરશે.
આ પછી CJI DY ચંદ્રચુડે મરાઠી બોલવાનું શરૂ કર્યું. તેમણે મરાઠીમાં કહ્યું, ‘તમે જજને દોષ ન આપી શકો. કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા છે. જ્યારે તમે હાઈકોર્ટના નિર્ણયને પડકારો છો, ત્યારે તમે અહીંના જજને દોષ નથી આપતા. આ પછી વકીલે પણ મરાઠીમાં કહ્યું, ‘મી કાયા કરત સાહેબ! (મારે શું કરવું જોઈએ)’ આ પછી CJIએ મરાઠીમાં કહ્યું, ‘તમે મને બિલકુલ સમજ્યા નહીં.’
આ પછી ચીફ જસ્ટિસ DY ચંદ્રચુડે કહ્યું, ‘શું તમે અપીલમાંથી જસ્ટિસ ગોગોઈનું નામ હટાવી દેશો? શું તમે તેને લેખિતમાં આપશો? આના પર વકીલે કહ્યું, ‘હો હો (મરાઠીમાં હા) હું એવું કરીશ… પણ આ મજૂરીનો મામલો છે.’ આ પછી CJI ચંદ્રચુડે કહ્યું, ‘ઠીક છે, પહેલા તમે નામ હટાવો અને પછી અમે જોઈશું.’