મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે, જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી આ ચૂંટણીઓની જાહેરાત થઈ શકે છે. આવી સ્થિતિમાં વિપક્ષી ગઠબંધન MVA અને શાસક પક્ષ મહાયુતિ વચ્ચે બેઠકોની વહેંચણી અંગે ચર્ચા ચાલી રહી છે. દરમિયાન, મીડિયા અહેવાલો કહી રહ્યા છે કે, લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM MVA ગઠબંધનમાં જોડાવા માંગે છે, પરંતુ ઉદ્ધવ જૂથની શિવસેના તેની વિરુદ્ધ છે.
હકીકતમાં, મીડિયા સૂત્રોના એક અહેવાલમાં જણાવાયું છે કે, AIMIMએ મહારાષ્ટ્રમાં MVA સાથે ગઠબંધન કરવા માટે કોંગ્રેસ અને NCPને પ્રસ્તાવ મોકલ્યો છે. ઓવૈસીના પક્ષના નેતા ઈમ્તિયાઝ જલીલે એ સુનિશ્ચિત કરવા પહેલ કરી છે કે, AIMIM મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં MVA સાથે મહાયુતિ સરકાર સામે લડે.
ઈમ્તિયાઝ જલીલે કહ્યું છે કે, મહાવિકાસ અઘાડીનો મુખ્ય ઘટક છે. તેથી તેમણે કોંગ્રેસ-NCPને પત્ર મોકલ્યો છે. જો MVA સાથે ગઠબંધન થાય છે, તો મહારાષ્ટ્રમાં મહાયુતિ મહાગઠબંધનને મોટો ફટકો પડી શકે છે. તેમણે કહ્યું કે, તેમણે આ મામલે અસદુદ્દીન ઓવૈસી સાથે પણ ચર્ચા કરી છે, ત્યાર પછી લેખિત પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે પ્રગતિશીલ નેતા છે. તેઓએ પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ કે, તેઓ ગઠબંધનમાં રહેવા માંગે છે કે નહીં.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, AIMIM નેતા ઈમ્તિયાઝ જલીલે કોંગ્રેસ અને NCP (SP)ને ગઠબંધન માટે લેખિત પ્રસ્તાવ આપ્યો છે, પરંતુ અત્યાર સુધી કોંગ્રેસ અને NCP (SP)એ આ પ્રસ્તાવને ન તો સ્વીકાર્યો છે કે ન તો નકારી કાઢ્યો છે. મહાવિકાસ અઘાડીના બે પક્ષોએ આ અંગે કંઈ કહ્યું નથી, પરંતુ ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના આક્રમક બની છે અને ઓવૈસીના પક્ષના પ્રસ્તાવને ફગાવી દીધો છે.
પૂર્વ CM ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેનાએ MVAમાં જોડાવાનો AIMIMનો પ્રસ્તાવ ફગાવી દીધો છે. ઉદ્ધવ જૂથ તરફથી કહેવામાં આવ્યું હતું કે, મહાગઠબંધનમાં ઘણી ભીડ છે. તેમાં પહેલાથી જ કોંગ્રેસ, NCP, શિવસેના (UBT) સિવાય સમાજવાદી પાર્ટી, રિપબ્લિકન ઓર્ગેનાઈઝેશન અને CPM છે. આવી સ્થિતિમાં કોઈ નવા પક્ષની જરૂર નથી.
ઓવૈસીની પાર્ટી પણ MVA હેઠળ રાજ્યની કેટલીક સીટો પર ચૂંટણી લડવા માંગે છે. તેમાં ધારાવી, ભાયખલા, મુંબા દેવી, વર્સોવા, અંધેરી પશ્ચિમ, ચાંદીવલી, માનખુર્દ, અણુશક્તિ નગર, કુર્લા, કલીના, બાંદ્રા પૂર્વ, બાંદ્રા પશ્ચિમ, નાંદેડ ઉત્તર, નાંદેડ મધ્ય, ઔરંગાબાદ મધ્ય, ભીવંડી પશ્ચિમ, ભિવંડી પૂર્વ, મુંબ્રા-કલવા, ધુલે , માલેગાંવ સેન્ટ્રલ, પુણે કેન્ટોનમેન્ટ, સોલાપુર સેન્ટ્રલ, અકોટ, બાલાપુર, અકોલા વેસ્ટ, વાશિમ, અમરાવતી અને ઔરંગાબાદ પૂર્વ જેવા વિસ્તારો આવી જાય છે.