બિહારના સીતામઢીના BJPના ધારાસભ્યની વિચિત્ર ભક્તિ વિવાદમાં આવી ગઈ છે. મિથલેશ કુમાર પૂજા પંડાલમાં રામાયણ અને તલવાર વહેંચતા શહેરમાં ફરી રહ્યા હતા. મિથલેશ કુમાર એક હાથમાં રામાયણ અને બીજા હાથમાં તલવાર પકડેલા જોવા મળી રહ્યા હતા.
તેમણે પુનૌરા ધામ મંદિર પરિસરમાં પૂજારીને પણ રામાયણ અને તલવાર સોંપી હતી. જ્યારે આ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવતા ધારાસભ્યએ કહ્યું કે, ધર્મની રક્ષા માટે હથિયાર અને શાસ્ત્ર બંને જરૂરી છે. BJP ધારાસભ્ય મિથિલેશ કુમાર પોતાની કારની ડીક્કીમાં ડઝનબંધ તલવારો લઈને ફરતા જોવા મળ્યા હતા.
તલવારોનું વિતરણ કરનાર MLA મિથિલેશ કુમારે કહ્યું, ‘તમામ દુર્ગા પૂજા પંડાલમાં હથિયારો આપવામાં આવ્યા છે. તલવાર અને રામાયણનું વિતરણ કરવામાં આવ્યું છે. હું લોકોને હિંસાનો માર્ગ અપનાવવાનું નથી કહેતો. આપણા ઋષિઓએ આપણને શીખવ્યું છે કે, શસ્ત્રો રાક્ષસોનો નાશ કરે છે. પ્રાચીન સમયથી શસ્ત્રોનો ઉપયોગ થતો આવ્યો છે. તેથી જ હું કહું છું કે, સનાતનના બાળકોને રામાયણ અને મહાભારત ભણાવવું જોઈએ. અહિંસા યોગ્ય છે પરંતુ ધર્મની રક્ષા માટે હિંસા પણ વધુ સારી (લાભકારક) છે.’ પૂજા સમિતિઓમાં રામાયણ આપ્યા પછી તેમણે દરરોજ રામાયણનો પાઠ કરવા અને નવી પેઢીના યુવાનોને શિક્ષણ આપવા વિનંતી કરી છે.
સીતામઢીમાં BJP ધારાસભ્ય દ્વારા તલવારો વહેંચવા પર બિહારના DyCM સમ્રાટ ચૌધરીએ કહ્યું, ‘સ્થાનિક સંગઠનોએ નિવેદન આપવાનો પ્રયાસ કર્યો હશે. આ પરંપરા નથી. સ્થાનિક કક્ષાએ કેટલીક માંગ હોઈ શકે છે જે સ્થાનિક ધારાસભ્ય દ્વારા પૂરી કરવામાં આવી છે.’
RJDએ ધારાસભ્યના આ નિવેદન અને કાર્યવાહી પર તીખી પ્રતિક્રિયા આપી છે. પૂર્વ ધારાસભ્ય અને RJD નેતા સુનીલ કુશવાહાએ કહ્યું, ‘સમાજમાં નફરત ફેલાવવી એ BJPનો સ્વભાવ છે. તે પોતાના પુત્રને કલમ અને બીજાના પુત્રને તલવાર આપે છે, સમાજને તોડીને લોકોને એકબીજા સાથે લડાવવાનો BJPનો સ્વભાવ છે.’
JDUના નેતા રાજીવ રંજને BJPના ધારાસભ્ય દ્વારા તલવારો વહેંચવા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘દશેરામાં શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. જો તે હથિયારનો માત્ર પ્રતીક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તે હથિયારમાં કોઈ ધાર નહીં હોય, પરંતુ જો તે હથિયારમાં કોઈ ધાર હોય તો પોલીસે તપાસ કરવી જોઈએ.’